ભુજ, તા. 3 : કચ્છ જિલ્લા વહીવટી તંત્રના
અધિકારીઓ માટે કલેક્ટર આનંદ પટેલનાં માર્ગદર્શન અને પ્રેરણાથી ભુજ ખાતે એક વિશેષ `સાઉન્ડ મેડિટેશન સેશન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં જિલ્લાના
ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને ભાગ લીધો હતો. સરકારી કામકાજ અને જવાબદારીઓ વચ્ચે અધિકારીઓ
તણાવમુક્ત રહી શકે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તે આશયથી આ અનોખા સાઉન્ડ મેડિટેશન
સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અનિલા ગડા દ્વારા વિશેષ `સાઉન્ડ મેડિટેશન સેશન'માં અધિકારીઓએ ભાગ લીધો હતો. થેરાપ્યુટિક સાઉન્ડથી
`ડીપ રેસ્ટ', ધ્વનિ તરંગોની મદદથી શરીરના તણાવને દૂર કરવા
પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કચ્છ કલેક્ટર આનંદ પટેલે સાઉન્ડ મેડિટેશનને અસરકારક
ગણાવી રાજિંદાં જીવનમાં ઉતારવા સૂચન કર્યું હતું. કલેક્ટરની આ અનોખી અને સ્વાસ્થ્યલક્ષી
પહેલને કચ્છના તમામ અધિકારીઓએ બિરદાવી હતી. અધિકારીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું
હતું કે, દૈનિક વહીવટી કામગીરી અને સતત વ્યસ્તતા વચ્ચે `સાઉન્ડ મેડિટેશન' જેવાં આયોજનો શારીરિક-માનસિક સમતુલા જાળવવા
તેમજ નવી ઊર્જાનો સંચાર કરવા માટે મદદરૂપ બને છે. અધિકારીઓએ આ સેશનને મનને એક નવી ઊર્જા
સાથે ભરી દેનારું અને શાંતિ આપનારું ગણાવ્યું હતું. ઉપસ્થિત તમામ અધિકારીઓએ સાઉન્ડ
મેડિટેશનને અસરકારક જણાવીને પોતાનાં રાજિંદાં જીવનમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાનો
વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સેશન દરમિયાન
કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર ડી.પી. ચૌહાણ,
સિવિલ ડિફેન્સના એડિશનલ કલેક્ટર ભરત પ્રજાપતિ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, જિલ્લાના વિવિધ વિભાગોના
ઉચ્ચ અધિકારીઓની સાથે કચ્છમિત્રના તંત્રી દીપક માંકડ, મદદનીશ
તંત્રી નિખિલ પંડયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.