ભુજ, તા. 3 : ધુળેટીથી સળંગ ત્રણ દિવસ ગરમીનું
આકરું મોજું અંગ દઝાડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ગરમીની તીવ્રતા વધવાના વર્તારા
વચ્ચે કચ્છમાં મહત્તમ પારો બેથી ત્રણ ડિગ્રી ઊંચકાયો હતો. ભુજ અને કંડલા પોર્ટમાં મહત્તમ
પારો 37 ડિગ્રીએ પહોંચ્યો, તો નલિયા તેમજ અંજાર-ગાંધીધામમાં પારો 36 ડિગ્રીને પાર થતાં તાપની આણ
અનુભવાઇ હતી. પવનની ગતિ મંદ પડવા સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સાવ ઘટી ગયું હતું.
હવામાન વિભાગે જારી કરેલા સાત દિવસના વર્તારામાં બુધવારથી ત્રણ દિવસ મહત્તમ પારો બેથી
ત્રણ ડિગ્રી ઊંચકાશે તેવી સંભાવના દેખાડાઇ છે, તો આ ત્રણ દિવસના સમયગાળામાં લૂવાળો ગરમ પવન ફૂંકાતાં વાતાવરણમાં વ્યાકૂળતા
અનુભવાશે, જેને લઇ હવામાન વિભાગે કચ્છ સહિત રાજ્યમાં યલો એલર્ટ
જારી કર્યું છે.