ગાંધીધામ, તા. 3 : મુંબઈની દોડધામભરી જિંદગીમાં
કારકિર્દી બનાવતા અનેક કચ્છી યુવાનો આજે ગુણવત્તાસભર
જીવનશૈલી, પરિવાર
સાથેનો સમય અને વતન સાથેનો આત્મીય સંબંધ ફરી મેળવવા આતૂર બન્યા છે. કચ્છ જૈન
યૂથ ફોરમ, કચ્છમિત્ર, કચ્છ કોર્પોરેટ ફોરમ
દ્વારા મુંબઈ ખાતે કચ્છ માટે મેગા જોબ ફેરનું
આયોજન કરાયું છે. આ આયોજનમાં ગાંધીધામ ચેમ્બર ઓફ
કોમર્સ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડિસ્ટ્રીઝ એસોસિયેશન (ફોકિયા) અને સંલગ્ન સંસ્થાઓ
સહયોગી બની રહી છે. આ આયોજન અંતર્ગત મેગા સિટીથી યુવા ધનને
કચ્છ તરફ વાળવાનો એક સકારાત્મક વાપસીનો પ્રવાહ શરૂ થયો છે અને આયોજનને વ્યાપક પ્રતિસાદ
સાંપડયો છે. કચ્છમાં ભૂકંપ બાદ ઉદ્યોગ વ્યાપાર અને આધુનિક પ્રકલ્પોનો વિસ્ફોટક વિકાસ
થયો છે. પોર્ટ આધારિત ઉદ્યોગોની સાથે ગ્રીન હાઈડ્રોજન, પોર્ટ
શિપિંગ, એકાઉન્ટન્સી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કૃષિ ડેરી હેન્ડીક્રાફ્ટ,
ઓઈલ, ટિમ્બર, ટેક્સટાઈલ, સોલ્ટ, સિમેન્ટ, ખનિજ, પ્રવાસન, પુન:પ્રાપ્ય ઊર્જા સહિતના
ક્ષેત્રમાં કચ્છમાં નવી તકો ઊભી થઈ
છે, ત્યારે આવી સ્થિતિમાં કચ્છને સ્કીલ આધારિત યુવાશક્તિની તાતી
જરૂરિયાત છે. - કૌશલ્ય વિકાસના
કાર્યક્રમોનું આયોજન : જૈન યૂથ ફોરમના
પ્રમુખ અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ જણાવ્યું હતું
કે, યુવાનો માત્ર નોકરી શોધનાર ન રહે, પણ સ્કીલ અપગ્રેડેશન તરફ આગળ વધે તે
માટે ગાંધીધામ ચેમ્બર દ્વારા સ્કીલ ડેવલપમેન્ટ
કાર્યક્રમો અને માર્ગદર્શન સત્રો યોજાશે. ગુજરાત
સરકારના આઈ હબ દ્વારા નવીન વ્યાવસાયીક તકો માટે માર્ગદર્શન અને મોનિટરિંગની વ્યવસ્થા પણ
કરાશે. આ સમગ્ર જોબ ફેરને વી. ટ્રાન્સના અશોકભાઈ શાહ દ્વારા પ્રાયોજિત કરાયો છે. - જોબ ફેર માટે ચેમ્બર સંકલિત
કાર્યક્રમો યોજાશે : ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું
હતું કે, કચ્છનું ઉદ્યોગ જગત રાષ્ટ્રીય સ્તરે આગવું સ્થાન ધરાવે છે. પોર્ટ, લોજિસ્ટિક, એનર્જી,
ઉત્પાદન, આઈ.ટી., સોફ્ટવેર, હોસ્પિટાલિટી સહિતના ક્ષેત્રોનું
વિસ્તરણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સ્થાનિક અને વતનપ્રેમી યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ
આપવું એ ગાંધીધામ ચેમ્બરની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું. તેમણે જૈન યૂથ ફોરમની આ પહેલ સરાહનીય હોવાનું જણાવી
જોબ ફેરના આયોજન માટે સંકલિત કાર્યક્રમો ગાંધીધામ
ચેમ્બર દ્વારા ઘડવામાં આવશે તેવું ઉમેર્યું હતું. - મેગા સિટીનો અનુભવ અને કુશળતા
: વતનના વિકાસમાં ડબલ એન્જિન : ચેમ્બરના માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, કચ્છના ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા માટે માનવ
સંસાધન સૌથી મહત્ત્વપૂર્ણ છે. મેગા સિટીમાં કાર્યરત કચ્છી યુવાનોનો અનુભવ અને કૌશલ્ય વતનના વિકાસમાં જોડાશે, તો ડબલ એન્જિન સમાન સાબિત થશે તેવું
ઉમેર્યું હતું. આ માટે ગાંધીધામ ચેમ્બર દ્વારા ખાસ હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવી છે,
જેમાં કંપનીઓ અને ઉમેદવારોને માર્ગદર્શન, નોંધણી,
સંકલન માટે મદદ મળશે. - 800 જેટલા યુવાન કચ્છમાં વસવાટ કરવા આતૂર : જૈન યૂથ ફોરમ મુંબઈના કો-ઓર્ડિનેટર હીના
સાવલા અને જિગર ગાલાએ જણાવ્યું હતું કે, વિવિધ વિભાગમાં 800 જેટલા યુવાન પહેલાંથી જ નોંધણી કરાવી ચૂક્યા છે. આઈ.ટી.આઈ. ડિપ્લોમા, સ્નાતક, બી.ઈ., બી.ટેક., એન્જિનીયર, પોસ્ટ ગ્રેજ્યુએટ, સી.એ., આઈ.સી.ડબલ્યુ.એ. અને અન્ય માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો કચ્છમાં ભુજ, મુંદરા,
અંજાર, ગાંધીધામ, કંડલા, માંડવી, ભચાઉ
અને આસપાસના વિસ્તારોમાં રહેવા માટે આતુર
છે. - યુવાશક્તિને પ્રોત્સાહન સમયની
માંગ : ચેમ્બરના ઉપપ્રમુખ દીપક પારખે કહ્યું હતું કે,
કચ્છમાં યુવાશક્તિને પ્રોત્સાહન અને સમયની માંગ છે. આજે કચ્છનું ઔદ્યોગિક
વિસ્તરણ વ્યાપક સ્તરે છે, ત્યારે કુશળ યુવાનો માટે પ્રીમિયમ નોકરી
અને શ્રેષ્ઠ જીવનશૈલીની વિશાળ તક ઉપલબ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું. કચ્છ મેગા જોબ
ફેર એક ઐતિહાસિક મંચ બની કચ્છના ભવિષ્યને વધુ
ઉજ્જવળ બનાવશે, તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે.