• બુધવાર, 04 માર્ચ, 2026

જિલ્લા પંચાયતના 36 વર્તમાન સભ્ય તક ગુમાવે એવું સીમાંકન

ગિરીશ જોશી દ્વારા : ભુજ, તા. 2 : ગાંધીધામ મહાનગરપાલિકા બનવાના કારણે કચ્છ જિલ્લા પંચાયતની બે બેઠકોમાં ઘટાડો થતાં હવે 40ને બદલે 38 સભ્યોની આગામી નવી બોડી ચૂંટાવાની છે ત્યારે જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટવા આગામી દિવસોમાં ચૂંટણી થવાની છે તેનું તારણ અત્યંત રસપ્રદ છે. કેમ કે 40 સભ્યોમાંથી બે બેઠકોનું નવું સીમાંકન યથાવત્ છે. બાકીના વર્તમાન પ્રમુખ-ચેરમેન કે સભ્યો માજી સભ્ય થઈ જશે. રોટેશન પ્રમાણે બિનઅનામત, સામાન્ય બેઠકો ઓછી થઈ તો ઓબીસી અને મહિલાઓનું પ્રતિનિધિત્વ હવે વધુ રહેવાનું છે. બે બેઠકો એટલે કે ગળપાદર અને કિડાણા જિલ્લા પંચાયત બેઠક સમાપ્ત કરી દેવાઈ છે, જ્યારે મેઘપર (બો.)ના બદલે વરસામેડી અને નખત્રાણાના બદલે કોટડા (જ.) બેઠક નવી જાહેર કરાઈ છે. રોટેશન જોતાં નવી જિલ્લા પંચાયતમાં 18 મહિલાઓ અને 20 પુરુષો હશે તેમાંય ગયા વખત કરતાં સામાન્ય પુરુષોની સંખ્યા ઘટી જવાની છે. 15ના બદલે હવે 11 બિનઅનામત સામાન્ય બેઠક જાહેર કરાઈ છે, તો સત્તાપક્ષ ભાજપ માટે હંમેશાં માથાંના દુ:ખાવા સમાન ભીમાસર (ચ.) સીટ અનુ. આદિજાતિ ત્રી માટે અનામત નક્કી થતાં અહીં ઉમેદવાર શોધવા પણ મુશ્કેલ થશે. વર્તમાન અને નવા સભ્યો વચ્ચેનું તારણ અત્યંત રસપ્રદ છે. કેમ કે જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ જનકસિંહ જાડેજા સામખિયાળીથી ચૂંટાઈ આવ્યા હતા. ભચાઉ તાલુકામાં આવતી આ સીટ સામાન્ય ત્રી માટે અનામત કરી દેવામાં આવી છે. ઉપપ્રમુખ પદે રહેલા મનીષાબેન વેલાણી પાંચ વરસ પહેલાં ભુજ તાલુકાની સુખપરની મહિલા અનામત બેઠક પર ચૂંટાઈ આવ્યા હતા. હવે એ જ સુખપર સીટ બિનઅનામત સામાન્ય થઈ જતાં રાજકીય પક્ષોમાં ટિકિટ લેવા ઉમેદવારોની લાઈનો લાગશે. સામાન્ય બેઠકના કારણે મનીષાબેનને ટિકિટ મેળવવી લોઢાના ચણા સમાન હશે. હાલના કારોબારી ચેરમેન ઘેલાભાઈ ચાવડા નાની ચીરઈ બેઠક પરથી સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓને ઓબીસીની બેઠકનો લાભ મળ્યો હતો, પરંતુ હવે નાની ચીરઈ બેઠક બિનઅનામત સામાન્ય થતાં તેઓને ટિકિટ મળશે કે કેમ? શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી નાના કપાયાથી વિજેતા બન્યા હતા, પણ નાના કપાયા હવે નવા સીમાંકન પ્રમાણે સામાન્ય ત્રી માટે અનામત બેઠક જાહેર થતાં નવી જિલ્લા પંચાયતમાં પહોંચવું તેમના માટે કઠિન બન્યું છે. કુંવરબેન મહેશ્વરી નારાણપર (પ) બેઠક જે પાંચ વરસ પહેલાં અનુ. જાતિ ત્રીની હતી ત્યાંથી સભ્ય બની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન બન્યા છે. પરંતુ હવે સીમાંકન બદલી જતાં સામાન્ય ત્રી જાહેર કરી દેવાઈ છે. એટલે ટિકિટ ફાળવણી વખતે તેમનું પત્તું કપાઈ શકે તેવી શક્યતા છે. રૂપેશભાઈ આહીરને પણ પાંચ વર્ષ પહેલાં ચોવીસીનો લાભ મળ્યોને ચોબારી બેઠક પરથી ટિકિટ મળતાં ચૂંટાઈને સિંચાઈ સમિતિના અધ્યક્ષ તરીકે અત્યારે છે પણ હવે શું ? તો ચોબારી બેઠકને સામાન્ય ત્રી જાહેર કરી દેવાતાં તેમનું ચૂંટણી લડવું મુશ્કેલ બની ગયું છે. અવી જ રીતે મશરૂભાઈ રબારી મેઘપર (બો.)માંથી સામાન્ય બેઠક પરથી ચૂંટાયા ને ચેરમેન બન્યા છે, પણ હવે તો મેઘપર (બો.) બેઠક જ રદ કરાઈ છે. તેના બદલે નવી વરસામેડી જાહેર કરાઈ છે. આ બેઠક સામાન્ય ત્રી માટે અનામત હોવાથી તેઓ માજી સભ્ય બની જશે. નખત્રાણા તાલુકાના નેત્રા બેઠક પરથી આરોગ્ય સમિતિના ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાને ભાજપમાંથી ટિકિટ મળી હતી ને ચૂંટાયા, પણ હવે નેત્રા બેઠક સામાન્ય ત્રી થઈ જતાં નવી બોડીમાં સભ્ય બનવું તેમના માટે પણ અઘરું છે. મહિલા બાળ વિકાસ સમિતિના અધ્યક્ષા રાણીબેન ઝરૂને કિડાણાના મતદારોએ જીતાડયા હતા, પણ હવે કિડાણા બેઠક જ રદ કરી દેવાઈ છે ત્યારે તેમને તક મળી શકે તેમ દેખાતી નથી. પાંચ વરસ પહેલાં આધોઈ બેઠક ત્રીઓ માટે અનામત હોવાથી નીતાબેન ગઢવી ચૂંટાયા હતા, પણ તે સામાન્ય કરી દેવાતાં નવા ઉમેદવાર માટે તક પ્રબળ બની ગઈ છે. ભદ્રેશ્વરમાં પણ મહિલા બેઠકના કારણે કૈલાસબા જાડેજા વિજેતા થયા હતા, હવે અહીં અનુ.જાતિ માટે અનામત બેઠક મુકરર થતાં તેઓ પણ સભ્ય બની શકે તેમ નથી. ભીમાસર (ભુ.)ના સભ્ય કંકુબેન મરંડ છે, જે સામાન્ય ત્રી બેઠક સીટ જે હવે બિનઅનામત સામાન્ય થતાં તેમને લાભ મળી શકે નહીં, ભીમાસર (ચ.)માં અગાઉ મહિલા અનામતના કારણે કંકુબેન મરંડ ચૂંટાયા હતા હવે તો અનુસૂચિત આદિજાતિ ત્રી નક્કી થતાં સ્થાનિકે મહિલા ઉમેદવાર શોધવા રાજકીય પક્ષોને દોડાદોડી કરવી પડશે તેવું જાણકારોનું કહેવું છે. પાંચ વરસ પહેલાં ભીરંડિયારામાંથી રહીમાબેન જાની રાયશીને લાભ મળ્યો પરંતુ હવે સામાન્ય બેઠક જાહેર કરાઈ હોવાથી તેમનું પત્તું કપાઈ શકે છે. બિદડા બેઠક ઓબીસી મહિલા હતી જેના લીધે સોનબાઈ પરિયા  સભ્ય બન્યા, પણ હવે સામાન્ય થતાં તેઓ માજી સભ્ય બની શકે છે. દયાપર સીટ પાંચ વરસ પહેલાં સામાન્ય હતી એટલે ત્યાંથી મામદ જુંગ જત અને દિનારા ત્રી અનામતના કારણે મરિયમબાઈ સમા વિજેતા થયા હતા, હવે ચિત્ર બદલાઈ ગયું ને દયાપર -દિનારા બન્ને બેઠક સા.શૈ. પછાત વર્ગ ત્રી થઈ જતાં વર્તમાન બન્ને સભ્યો અહીંથી લડી શકે નહીં. ફતેહગઢ સામાન્ય બેઠક હતી એટલે વણવીરભાઈ રાજપૂત ચૂંટાઈ આવ્યા, પરંતુ ફતેહગઢમાં પણ સા.શૈ. પછાતવર્ગ ત્રીનું રોટેશન આવતાં વણવીરભાઈને અન્ય બેઠક પર નજર દોડાવવી પડશે. અનુ. આદિજાતિ ત્રીની પાંચ વરસ પહેલાં એક માત્ર ગઢશીશા બેઠક હતી એટલે ત્યાંથી લીલાબેન રાઠવા સભ્ય બન્યા, જો કે હવે આ બેઠક પણ ઓબીસી મહિલા માટે અનામત કરી દેવામાં આવતાં તેઓ માજી સભ્ય બની જશે. ગાગોદર બેઠક પાંચ વરસ પહેલાં સામાન્ય ત્રીની હતી, હવે તે ઓબીસી કરી દેવામાં આવી છે. ગળપાદર બેઠક પરથી પાંચ વરસ પહેલાં ધનાભાઈ હુંબલ ચૂંટાયા હતા એ બેઠક હવે ગાંધીધામ મહાનગરપાલિકા થતાં સંપૂર્ણ રદ કરી દેવાતાં તેઓ પૂર્વ સદસ્ય ગણાશે. કેરા અનુ. જાતિની બેઠક પર પાંચ વર્ષ પહેલાં નારાણભાઈ મહેશ્વરીને પણ હવે કેરામાં ટિકિટ મળશે નહીં કેમ કે કેરા બેઠક ઓબીસી થઈ ગઈ છે.ત્રી અનામત ખેડોઈમાં લખીબેન ડાંગર અગાઉ ચૂંટાયા હતા. હવે આ જ બેઠક ઓબીસી મહિલા માટે મુકરર થતાં નવી બોડીમાં તેમને સ્થાન મળવું મુશ્કેલ બન્યું છે. એવી  રીતે કોડાય સામાન્ય ત્રી હતી, ત્યાંથી ગંગાબેન સેંઘાણી સભ્ય બન્યા હતા. હવે તે બેઠક અનુ.જાતિ ત્રી થઈ છે, કુકમાંમાંથી હરિભાઈ જાટિયા સભ્ય ચૂંટાયા હતા. કુકમા, માધાપર અને મોથાળા સા.શૈ. પછાતવર્ગ (ઓબીસી) માટે જાહેર કરાઈ છે. માધાપરમાંથી પારૂલબેન કારા (પૂર્વ પ્રમુખ), મોથાળા બેઠક પરથી પુરુષોત્તમ મારવાડા જે અત્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે એટલે ત્રણેય સભ્યોને હવે તક મળશે નહીં. મોટી ભુજપુર સામાન્ય ત્રી થતાં પાંચ વરસ પહેલાં ચૂંટાયેલા મહેન્દ્રભાઈ ગઢવી સામે પણ રોક લાગી છે. નખત્રાણા નગરપાલિકા થવાના કારણે નવી બેઠક કોટડા (જ.) બની છે. પાંચ વરસ પહેલાં મહિલા અનામતનો લાભ નયનાબેન પટેલને મળ્યો હતો, પણ હવે તે અનુ. જાતિ ત્રી થઈ થઈ છે. નલિયામાંથી ચૂંટાયેલા ભાવનાબેન જાડેજાને ત્રી અનામતના કારણે બેઠક મળી પણ હવે નલિયા બિનઅનામત સામાન્ય થઈ છે. નિરોણાનું રોટેશન યથાવત્ રહેતા પાંચ વરસ પહેલાં સદસ્ય બનેલા કરશનજી જાડેજાને પુન: તક મળવાની શક્યતા નિવારી શકાય નહીં. રતનાલમાં સામાન્ય બેઠક હતી એટલે વર્તમાન સભ્ય મ્યાજરભાઈ છાંગા છે, હવે અહીં અનુ.જાતિ જાહેર કરાઈ છે. રવ મોટી સામાન્ય ત્રી હતી, સમાઘોઘા અનુ. જાતિ ત્રીની અનામન સીટ હતી, રવમાંથી જયશ્રીબા જાડેજા, સમાઘોઘાથી લક્ષ્મીબેન પાતારિયા વિજેતા થયા હતા, પરંતુ હવે પાંચ વરસ બાદ બન્ને બેઠકો બિનઅનામત સામાન્ય થતાં બન્ને વર્તમાન પૂર્વ સદસ્ય બની જશે. તલવાણા, વરસામેડી અને વાયોર આ ત્રણેય બેઠકો સામાન્ય મહિલા અનામત બની છે. પાંચ વરસ પહેલાં તલવાણા અનુ.જાતિની અનામતના કારણે કેશવજીભાઈ રોશિયા, વાયોરમાં સામાન્ય હોવાના કારણે લકીશા બાવા સૈયદ ચૂંટાયા હતા હવે મહિલાના લીધે તેઓને તક મળશે નહીં, જ્યારે વરસામેડી તો નવી બેઠક જાહેર કરાઈ છે. સુમરાસર શેખ : આ બેઠક પાંચ વર્ષ અગાઉ સામાન્ય હતી અને ત્યાંથી દામજીભાઈ ચાડ ચૂંટાયા ને ચેરમેન પણ બન્યા હતા, હવે તેમને પણ તક મળશે નહીં કેમ કે આ સીટ અનુ.જાતિ માટે અનામત કરી દેવામાં આવી છે. જ્યારે વિથોણ  જે સામાન્ય ત્રી હોવાથી જયાબેન પટેલ સભ્ય બન્યા હતા. જો અહીં ફરીથી તેમને ટિકિટ મળે તો તેઓ ફરી સભ્ય બની શકે છે કેમ કે હવે આ બેઠક બિનઅનામત સામાન્ય છે. 

Panchang

dd