• બુધવાર, 18 ફેબ્રુઆરી, 2026

ક્લાઇમેટ ચેન્જ ગંભીર મુદ્દો, સૌ સતર્ક થઇએ

મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 29 : માનવીય પ્રગતિ અને ઔદ્યોગિક વિકાસની સાથે પ્રદૂષણનું પ્રમાણ વધતું હોય છે, પણ આપણે યોગ્ય નિયમન અને સંતુલન થકી પોલ્યુશનને નિયંત્રણમાં પણ રાખી શકીએ છીએ. અમેરિકાના ન્યૂયોર્કમાં પણ અનેક ઉદ્યોગો ધમધમે છે, પણ ત્યાં હવામાં પ્રદૂષણની માત્રા એકથી બે જેટલી એટલે કે બહુ ઓછી છે. કચ્છ અને અમદાવાદમાં પણ આપણે નિયમો અને જાગૃતિ થકી આવું કરી શકીએ એમ વાયુ પ્રદૂષણના નિષ્ણાત વિજ્ઞાની એવા મૂળ કાઠડાના ડો. હરીશ ગઢવી કહે છે. એન્ટાર્કટિકા પર પગ મૂકનારા પ્રથમ ગુજરાતી વિજ્ઞાની એવા અમદાવાદની ફિઝિકલ લેબ રિસર્ચ (પીઆરએલ)ના પ્રોફેસર ડો. ગઢવી અને તેમની ટીમ હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા દિલ્હીના પોલ્યુશન પર અભ્યાસ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, હજી અભ્યાસ ચાલુ છે એટલે તેનાં તારણો વિશે વધુ કહેવું વહેલું લેખાશે, પણ હકીકતમાં છેલ્લાં ત્રણેક વર્ષથી સરકાર સહિત વિવિધ સંસ્થાઓ-લોકોના પ્રયાસો થકી રાજધાનીમાં કાર્બન ઉત્સર્જન ઘટયું છે પણ પ્રદૂષણની માત્રા વધી છે. આવો વિરોધાભાષી પરિણામ મળવાના બે કારણ છે : એક તો બાળવાની પ્રક્રિયામાં ઘણો વધારો થયો છે, બીજું કારણ છે દિલ્હીની ભૌગોલિક અને હવામાનની સ્થિતિ. સાદી ભાષામાં સમજવું હોય તો જમીન જ્યારે ગરમ હોય ત્યારે તેના સંપર્કમાં રહેલી હવા ગરમ થઇ ભૌતિક વિજ્ઞાનના નિયમ મુજબ ઉપર તરફ ચડે છે. સાથેસાથે જમીન નજીક ઉત્સર્જિત થયેલા પ્રદૂષણોને પણ ઉપર તરફ લઇ જાય છે. જેમ-જેમ વાતાવરણમાં ઉપર જઇએ તેમ-તેમ પવનનો વેગ વધતો જાય છે જે પ્રદૂષણોને દૂર લઇ જાય છે. શિયાળામાં સ્થિતિ ઉલટ હોય છે, જમીનના સંપર્કમાં રહેલી હવા તેના ઉપરના સ્તરથી ઠંડી હોય છે તેથી ઉપર જઇ શકતી નથી અને આવી સ્થિતિમાં પ્રદૂષણ જ્યાં ઉત્પન્ન થયું હોય તેનાથી દૂર જઇ શકતું નથી. ભુજની પી.સી.વી. મહેતા હાઈસ્કૂલમાં ક્લાઈમેટ ચેન્જ અંગે પ્રવચન માટે ભુજ આવેલા ડો. ગઢવીએ કચ્છમિત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કચ્છમાં પણ પ્રદૂષણ અને ક્લાઈમેટ ચેન્જ અંગેનો એક અભ્યાસ કરવાની ઈચ્છા છે. પર્યાવરણીય પરિવર્તનો ગંભીર મુદ્દો છે અને આપણે વધુ જાગૃત બનવાની જરૂર છે. - એન્ટાર્કટિકામાં પ્રયોગો મુશ્કેલ, પણ યાદગાર : હરીશભાઈએ ઈસરોની પણ માતૃસંસ્થા ગણાય તેવી પીઆરએલમાં ફેલોશિપ પ્રોગ્રામ માટે અધૂરાં મને પરીક્ષા આપી અને પછી બહુ સારો દેખાવ નહીં હોય તેમ માનીને તેઓ કચ્છ પરત આવવા માટે બસ સ્ટેશન પણ પહોંચી ગયા હતા અને ત્યાં જ પીઆરએલમાંથી ફોન આવ્યો કે, તેમનો પ્રથમ નંબર આવ્યો છે. સ્પેસ અને એટમોસ્ફેરિક સાયન્સમાં પીએચ.ડી. કરનારા ડો. ગઢવીને જાન્યુઆરી 2001માં એન્ટાર્કટિકા જવાની યાદગાર તક મળી હતી. તેના અનુભવો વિશેના સવાલના જવાબમાં તેઓ કહે છે કે, પહેલા તો મેડિકલ ચેકઅપ થાય. પછી અમારી ટીમને ઠંડા અને બરફીલા વાતાવરણમાં રહેવાની અને પર્વતારોહણની તાલીમ માટે ઉત્તરાખંડના ઓલીમાં થોડા દિવસ ગાળ્યા. કેપટાઉનથી એક આઈસક્લાસ જહાજમાં 1પ દિવસની સફર બાદ ત્યાં પહોંચ્યા હતા. વાતાવરણમાં તરતા ઘન કે પ્રવાહી સ્વરૂપના સૂક્ષ્મ રજકરણો-એરોસોલની વાદળો અને સૂર્યઊર્જા પરની અસરો ખાસ કરીને એન્ટાર્કટિકા જેવા વિસ્તારમાંના પ્રયોગો માટે અમે ત્યાં ગયા હતા. કાતિલ ઠંડીમાં પ્રયોગો બહુ મુશ્કેલ હતા, પણ સાથે જ અવિસ્મરણીય અનુભવ પણ મળ્યો. હરીશભાઈ કહે છે કે, ભારત વાપસી બાદ તિરુપતિ પાસેના ગંડકીમાં નેશનલ એંટમોસ્ફેરિક લેબોરેટરીમાં પણ ફરજ મળી હતી. ત્યાં એ સમયે વિશ્વનું બીજું સૌથી મોટું રડાર હતું. અહીં તેમણે અદ્યતન ક્લાઇમેટ ઓબ્ઝર્વેટરીની સ્થાપના કરી હતી. - અમદાવાદમાં બ્લેક કાર્બનનું પ્રમાણ ચિંતાજનક : હરીશભાઈ અને તેમની ટીમે થોડા સમય પહેલાં અમદાવાદમાં કરેલા વાયુ પ્રદૂષણ અંગેના એક અભ્યાસમાં એવાં ચોંકાવનારાં તારણ નીકળ્યાં હતાં કે, અમદાવાદના આકાશમાં બ્લેક કાર્બનના રજકણોનું પ્રમાણ વધુ છે, જે ચિંતાનો વિષય છે. અમદાવાદમાં તેનુ ંપ્રમાણ 4થી પ માઈક્રોગ્રામ પ્રતિ મીટર ક્યુબિક   જેટલું હતું, જે વધુ છે. ઘરેલુ ઉપયોગ માટે લાકડા બાળવા સહિતનાં પરિબળો કારણભૂત હતાં. તેઓ કહે છે કે, ક્લાઈમેટ ચેન્જ બહુ ગંભીર મામલો છે. અગાઉ કચ્છમાં દુષ્કાળ વધુ રહે તો અને આજે વરસાદ વધુ પડે છે અને પૂર્વોત્તરમાં અગાઉની તુલનાએ વરસાદનું પ્રમાણ ઘટયું છે. સમુદ્રની સપાટી ઊંચી આવે છે, જ્યારથી ગરમી નોંધાતી થઈ ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે કેટલાંય વર્ષોમાં 2024નું વર્ષ સૌથી ગરમ અને 202પનું વર્ષ બીજું સૌથી ગરમ વર્ષ નોંધાયું છે, એટલે આપણે સતર્ક રહેવું પડશે. પર્યાવરણને અનુરૂપ નીતિઓ ઉપરાંત પવન અને સૌર ઊર્જાનો વધુ ઉપયોગ વગેરે પર પણ ધ્યાન આપવું પડશે.  હરીશભાઈએ અલગ-અલગ નિષ્ણાતો સાથે દક્ષિણ ભારત, હિમાલયના ક્ષેત્રો ઉપરાંત અમેરિકાની મેરિલેન્ડ યુનિવર્સિટીમાં નાસા અને નેશનલ ઓસિયેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (એનઓએએ) સાથે ઓપરેશનલ સેટેલાઈટ માટે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનનો અંદાજ અને તેના અલ્ગોરિધમનો પણ અભ્યાસ કર્યો હતો. હાલમાં અમારું સંશોધન સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરી પ્રદૂષણના સ્રોત અને માત્રા કેવી રીતે જાણી શકાય તેના ઉપર છે. આ બાબત અમારું સંશોધન થોડા સમય પહેલાં જ Atmospheric Environment  જે એક આંતરરાષ્ટ્રીય સાયન્સ જર્નલ છે તેમાં પ્રકાશિત થયું છે. એ લેખમાં અમે અમદાવાદ અને ગદન્કી (તિરુપતિ પાસે આવેલું ગામ)ના બ્લેક કાર્બન ડેટાને ઉદાહરણ તરીકે લઇ દર્શાવ્યું છે કે સેટેલાઇટ અને કોમ્પ્યુટર મોડેલની મદદથી ઓપન બાયોમાસ બર્નિંગ (મોટા સ્તરે ખુલ્લામાં બાવળમાં આવતો કચરો અને જંગલની આગ)ની આ બંને સ્થળે એકબીજાની સરખામણીમાં કેટલી અસર છે. 

Panchang

dd