• ગુરુવાર, 09 એપ્રિલ, 2026

ગાંધીધામમાં ગોડાઉનમાંથી તસ્કરો 4.59 લાખની રોકડ સાથેનું લોકર લઇ છૂ

ગાંધીધામ, તા. 7 : શહેરના વોર્ડ નંબર-6 ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર ગુરુદ્વારાની બાજુમાં આવેલ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવીને પાછળના શટરનો લોક તોડીને અંદરથી 4.59 લાખની રોકડ તેમજ ગાડીઓના જરૂરી કાગળો સાથેનું લોકર ચોરી ગયા હોવાનો બનાવ બન્યો છે. પોલીસનાં સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મંગળવારના 3-26 વાગ્યાના અરસામાં ચોરીની ઘટનાને અંજામ અપાયો હતો. તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. એ-ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે, અંજારના હેમલાઈ ફળિયાંમાં રહેતા હનીફભાઈ મહેબૂબાશા બુખારી શહેરના સિક્સ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલી સીટ લોકલ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સબ વેન્ડર તરીકે એમેઝોન કંપનીના ગોડાઉનમાં કમિશન એજન્ટ તરીકેનું કામ કરે છે. રાત્રિના એક વાગ્યાના અરસામાં તેઓ ગોડાઉન લોક કરીને ઘરે નીકળી ગયા હતા. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગોડાઉનનું શટર અડધું ખૂલેલું હોવાનું અને અંદર તિજોરી ન હોવાની જાણ કરી હતી. અંદરથી 4,59,774 રૂપિયા અને ગાડીના કાગળો જેમાં રાખ્યા હતા તે લોકર જ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં બે અજાણ્યા શખ્સ દેખાઈ રહ્યા છે, એક ગોડાઉનની બહાર ઊભો હતો અને બીજો શખ્સ અંદરથી લોકર ચોરી કરતાં નજરે પડે છે. તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd