વસંત અજાણી દ્વારા : ભુજ, તા. 7 : અહીંના સરપટ નાકા પાસે પોલીસ
હેડક્વાર્ટ્સની સામે આવેલા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં ખુલ્લી જમીન ઉપર મહત્ત્વના
ચાર રમતવાળા સુવિધાસભર મેદાનના ચાલતા કામથી ખેલાડીઓ અને ખેલપ્રેમીઓમાં આનંદની લાગણી
જોવા મળી રહી છે. પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાના સક્રિય યોગદાન અને માર્ગદર્શન
હેઠળ અત્યારે ચાર મેદાન જેમાં બોક્સ ક્રિકેટ, ફૂટબોલ, બાસ્કેટ બોલ અને પિંકલ બોલના મેદાનના કામ ઝડપથી આગળ વધી રહ્યા છે.
એમાંય ફૂટબોલનું મેદાન કદાચ ભુજમાં પ્રથમ હશે. પૂર્વ કચ્છની તુલનામાં પાટનગર ભુજમાં
ઓછા અને નહીંવત રમતગમતના મેદાનો આવેલા છે ત્યારે શ્રી સુંડાની રમતગમત પ્રત્યેની લાગણી
અને રૂચીના કારણે અગાઉ હયાત એક ટર્ફ અને ઘાસવાળા ક્રિકેટ મેદાનની બાજુમાં નવા બની રહેલા
ચાર મેદાનથી આખું સંકુલ ટૂંક સમયમાં ખેલાડીઓ અને ખેલપ્રેમીઓથી ગુંજતું જોવા મળશે. અત્રે
એ પણ ઉલ્લેખનીય છે કે, ટર્ફ વિકેટ અને ઘાસવાળા મેદાનમાં 14 જેટલા લાઈટના પોલ ઊભા કરવાનું
કામ પણ શરૂ થઈ જતાં આ મેદાન પર આવનારા દિવસોમાં સિઝન બોલથી રાત્રી મેચો રમાતી જોવા
મળશે. લાઈટિંગના કામને અગ્રતા આપવા પાછળ એક કારણ એ છે કે એપ્રિલ માસમાં ક્રિકેટર સચીન
તેંડુલકરના 27મી એપ્રિલના જન્મદિવસે ગ્રાઉન્ડ પર લાઈટો
ચાલુ કરવાનો કાર્યક્રમ ઘડાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. આખાય સંકુલમાં લાઈટ પાણીની
સુવિધા ઉપરાંત ચારે બાજુ પાકી કમ્પાઉન્ડ વોલથી મેદાનો સજ્જ બન્યાં છે, એમાંય કચ્છની જાણીતી કંપની સુમોટોમાના નિખિલ
જોશીના સહકારથી રૂ.5,50 લાખનું ઘાસ
કટિંગ મશીન ઉપલબ્ધ થતાં મેદાનની સારસંભાળ કરતાં પોલીસ કર્મચારી અને ક્રિકેટર ઈકબાલ
જત (એક્કો) અને હકુભા જાડેજાએ ખુશી વ્યક્ત કરી હતી. ભુજમાં એક જ જગ્યાએ પાંચ અલગ-અલગ
રમતોના મેદાન બનશે. જે ખેલાડીઓને આગળ વધવાની તકો પૂરી પાડશે તેવું ચિત્ર અત્યારે દેખાઈ રહ્યું છે.