ભુજ, તા. 7 : મૂળ મધ્યપ્રદેશના હાલે ભુજ
આર્મી કેમ્પમાં રહી આર્મીમાં ઇજનેર તરીકે નોકરી કરતા શખ્સને ઓનલાઇન ઠગબાજે આર્મી ગ્રુપ
ઇન્સ્યોરન્સ ફંડમાંથી લોન અપાવી તગડી સબસિડીનો જાસો આપીને લોન મંજૂર થયા બાદ આ નાણાં
ફરી ફંડમાં નાખવા પડશે બાદમાં ઉપાડી શકાશે, તેવું જણાવી અન્ય ખાતામાં સેરવીને રૂા. 15.50 લાખની ઓનલાઇનન છેતરપિંડી થયાની
ફરિયાદ નોંધાવી છે. આ બનાવને ભુજ બોર્ડર રેન્જના સાયબર પોલીસ મથકે મૂળ મધ્યપ્રદેશના
અને આર્મીમાં ઇજનેર તરીકે નોકરી કરતા ઉમેશકુમાર રામવિશ્વાસ પાલે નોંધાવેલી ફરિયાદ મુજબ
તેમના વોટસએપ ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે, કોઇને આર્મી ગ્રુપ ઇન્સ્યોરન્સ ફંડ (એજીઆઈ એફ)માંથી લોન જોઇતી હોય જણાવજો.
આ લવકુશ અહીરવારને વાત કરતાં તેણે મોકલાવેલા મોબાઇલ નંબર પર સાગર ગુલેરિયા સાથે વાત
કરી હતી અને તેણે જણાવ્યું કે, તે પોતે પણ આર્મીમાં ફરજ બજાવતો
હતો. એજીઆઇએફ તરફથી લોન મંજૂર કરાવવા માટે મદદ કરતો હોવાનું કહી ઘણાની લોન મંજૂર કરાવી
છે અને આમાં સારી સબસિડી મળતી હોવાની વાત કરી વિશ્વાસમાં લીધો હતો. આ બાદ આરોપી સાગરે
લોનની જરૂરિયાત પૂછતાં ફરિયાદી ઉમેશકુમારે 15 લાખની લોનની વાત કરતાં તેણે જણાવ્યું કે, 15 લાખની લોન
ઉપર 13 લાખની સબસિડી મળશે અને તમને
રૂા. બે લાખ જ ભરવા પડશે, તેવી લોભામણી
વાત કરતાં ફરિયાદીએ લોનની હા પાડીને પોતાના કાગળો વોટસએપ મારફત મોકલાવ્યા હતા. ફરિયાદીના ઇ-મેઇલ પર લોન મંજૂર થયાનો મેલ
આવ્યો હતો અને તેના ખાતામાં તા. 13-3થી 18-3 દરમ્યાન કુલ રૂા. 16,15,965ના જમા થતાં વધુ વિશ્વાસ થયો
હતો. આ બાદ આરોપી સાગરે જણાવ્યું કે, આ લોનના રૂપિયા તમારે આર્મી ગ્રુપ ઇન્સ્યોરન્સ ફંડના ખાતામાં જમા કરાવવા પડશે.
બાદમાં આ લોન એક સાથે તમારા ખાતામાં જમા થશે. આથી તેઓના કહેવા મુજબ ખાતાઓમાં ચાર ટ્રાન્ઝેક્શન
કરી કુલ રૂા. 15.50 લાખ તા. 18-3થી 20-3 દરમ્યાન કરાવ્યા, પણ તેના વાયદા મુજબ લોનના રૂપિયા પરત ન મળતાં
ફરિયાદીએ ફરી તેના મિત્ર લવકુશ આહીરવારનો સંપર્ક કરી વિગતે વાત કરતાં આ ફ્રોડ હોવાનું
જણાવ્યું હતું. પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.