ભુજ, તા. 7 : પશ્ચિમી વિક્ષોભની અસર તળે
રાજ્યના અનેક વિસ્તારમાં આજે કમોસમી વરસાદ વરસ્યો છે. કચ્છમાં પણ માવઠાંની સંભાવના
વચ્ચે સવારથી ધાબડિયો માહોલ છવાયો હતો. તેજ ગતિએ પવન ફૂંકાતાં જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં
ધૂળિયો માહોલ છવાયો હતો. જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારોમાં સરેરાશ 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનની ગતિ એક તબક્કે 25 કિ.મી.એ પહોંચતાં ધૂળની ડમરી
ઊડી હતી, જેનાં કારણે વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો
આવ્યો હતો. કચ્છમાં કમોસમી વરસાદ વરસે તેવી કરાયેલી આગાહી વચ્ચે ધૂપ-છાંવના માહોલમાં
મોડી સાંજ સુધી ક્યાંયથી પણ વરસાદ પડયો હોય તેવા અહેવાલ મળ્યા નહોતા. જિલ્લામાં મહત્તમ
તાપમાન 32થી 34 ડિગ્રી વચ્ચે, તો લઘુતમ પારો 24થી 26 ડિગ્રી વચ્ચે નોંધાતાં ઉકળાટ
અનુભવાયો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં હવે કમોસમી વરસાદ વરસવાની સંભાવના નકારી
છે. તબક્કાવાર મહત્તમ પારો ઊંચકાતાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે. 11 અને 12 એપ્રિલે ગરમી અને ભેજયુક્ત
બફારાનું યલો એલર્ટ હવામાન વિભાગે જારી કર્યું છે.