ભુજ, તા. 7 : ગઈકાલે સાંજે માંડવીમાં ડમ્પર
સાથે અકસ્માતમાં 25 વર્ષીય યુવા
પરિણીતા પ્રિયલબેન મીત સેંઘાણીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ડમ્પરચાલક
સામે વિધિવત ગુનો દાખલ કરાવાયો છે. આજે માંડવી પોલીસ મથકે મૃતક પ્રિયલબેનના પતિ મીત
શાંતિલાલ સેંઘાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની પત્ની પ્રિયલબેન જ્યુપીટર ટુ વ્હીલર
નં. જીજે-12-ઈજી-2010વાળી લઈને ગઈકાલે સાંજે ઘરે
જઈ રહ્યા હતા, ત્યારે નવા સ્વામિનારાયણ
મંદિર સામે ડમ્પર નં. કે.એ.-44-એ- 1440વાળાના ચાલકે
ડમ્પર પૂરઝડપે બેદરકારીપૂર્વક ચલાવી ટુવ્હીલર સાથે અકસ્માત કરતાં પત્ની પ્રિયલને માથાં, કોણી અને શરીરે ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયો
હતો. અકસ્માતમાં પત્ની પ્રિયલનું મોત નીપજાવ્યા અંગેની ફરિયાદ દાખલ કરાવતાં ડમ્પરચાલક
વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. - બોલેરો પિકઅપમાં પશુઓ ઠસોઠસ
ભરાતાં ગુનો દાખલ : ભુજ, તા. 7 : આજે નખત્રાણાના તલ-લૈયારી માર્ગે એક બોલેરો પિકઅપમાં પશુ જીવો
ઠસોઠસ ભરાયાનું મળતાં નિરોણા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આજે નિરોણા પોલીસ
પદયાત્રીઓના લીધે બિબ્બર બાજુ પેટ્રોલિંગમાં હતી,
ત્યારે બાતમીનાં પગલે સફેદ બોલેરો પિકઅપ નં. જી.જે. 13 એ.ડબલ્યુ. 5439 ડાલાવાળીમાં પશુ પાડા (ભેંસ)
ઠસોઠસ ભરેલા હતા. ઘાસચારા - પાણીની સગવડ રાખવામાં આવી ન હતી. આ અંગે ચાલક મામદહુસેન
ગુલામશા શેખ (મુસ્લિમ) (રહે. અંજાર)ને પાસ-પરમીટ,
આધાર-દાખલા માગતાં તેની પાસે ન હોવાથી પોલીસે પ્રાણી ક્રૂરતા અધિનિયમ
સહિતની વિવિધ કલમ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. - અંજારમાં જાહેરમાં પત્તા ટીંચતા
ત્રણની ધરપકડ : ગાંધીધામ, તા. 7 : અંજારમાં જાહેરમાં પત્તા ટીંચતા ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી
રોકડ રૂા. 20,200 જપ્ત કર્યા હતા. અંજારમાં લક્ષ્મી
ટોકિઝ પાછળ કોળીવાસમાં ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની પૂર્વ બાતમીના
આધારે પોલીસે છાપો માર્યો હતો. અહીં ખુલ્લી જગ્યાએથી શનિ રમેશ ડોડિયા, નૂરશા અલીશા શેખ, અજીજ
ઉર્ફે હુશેનઅલી હારૂન સઠિયા નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. ગંજીપાના વડે નસીબ
અજમાવતા આ ખેલીઓ પાસેથી પોલીસે રોકડ રૂા. 20,200 જપ્ત કર્યા હતા. - વોંધમાં વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી અંગે ફરિયાદ : ગાંધીધામ, તા. 7 : ભચાઉના વોંધમાં રહેતા યુવાનને વ્યાજે પૈસા આપી તેની બોલેરો ગીરો
રાખી વધુ રકમની માંગ કરનારા બે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી.વોંધ મહારાષ્ટ્ર કોલોનીમાં
રહેનાર ફરિયાદી સલીમ મામદ માંજોઠીને ધંધો ચાલુ કરવા માટે રૂપીયાની જરૂરિયાત ઊભી થઈ
હતી, જે માટે તેણે પીપરી તા. માંડવીના માદેવા નારણ
સંઘાર પાસેથી રૂા. 3 લાખ વ્યાજે
લીધા હતા, જે ફરિયાદીએ વ્યાજ સહિતની રકમ પરત આપી દીધી
હતી. બાદમાં વધુની જરૂરિયાત થતાં તેણે માદેવાનો સંપર્ક કર્યો હતો. તેણે ભુજના જુસબ
પાસેથી મેળ કરાવી દેવાનું કહી રૂા. 3 લાખની સામે ફરિયાદીની બોલેરો ગાડી નં. જીજે-39-સીએ-8039વાળી ગીરો રાખી દીધી હતી. બાદમાં
ફરિયાદી યુવાનનો ધંધો ન ચાલતાં પૈસા ન આપી શકતાં આ બંને શખ્સ વારંવાર વ્યાજ, રકમની માંગ કરતા હતા. બંને સામે પોલીસે ફરિયાદ
નોંધી આગળની તપાસ હાથ ધરી છે. - શિકારપુરમાં દેશી બંદૂક સાથે શખ્સની ધરપકડ : ગાંધીધામ, તા. 7 : ભચાઉ તાલુકાના શિકારપુરમાં એક શખ્સને પકડી પાડી પોલીસે દેશી
બંદૂક જપ્ત કરી હતી. સામખિયાળી પોલીસના અમુક કર્મીઓ શિકારપુર બાજુ આલ્ફા હોટેલ પાછળ
કાચા માર્ગ ઉપર પેટ્રોલિંગમાં હતા દરમ્યાન સામેથી આવતો શખ્સ શંકાસ્પદ જણાતાં અબ્દુલ
ઈસ્માઈલ ત્રાયાને પકડી તપાસ કરતાં તેની પાસેથે દેશી બંદૂક મળી આવી હતી. આ શખ્સ પાસેથી
રૂા. 5000ની 49 ઈંચની બંદૂક જપ્ત કરવામાં આવી
હતી. તેના પિતાએ આ બંદૂક વસાવી હતી. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.