નવી દિલ્હી, તા. 7 (પીટીઆઈ)
: સબરીમાલા મંદિરમાં 10થી 50 વર્ષની વયની મહિલાઓના પ્રવેશ
પર પ્રતિબંધનો મુદ્દો ધાર્મિક શ્રદ્ધા તેમજ સાંપ્રદાયિક સ્વાયત્તતાના ક્ષેત્રમાં આવે
છે અને ન્યાયિક સમીક્ષાના અવકાશની બહાર છે તેવી દલીલ કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ
કોર્ટ સમક્ષ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, આજના સમયમાં મહિલાઓને ત્રણ દિવસ માટે અસ્પૃશ્ય ન ગણી શકાય. કેરળમાં નિર્ણાયક
વિધાનસભા ચૂંટણીઓ પહેલાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે મુખ્ય ન્યાયાધીશ
સૂર્યકાંતની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશની બંધારણીય બેન્ચે વિવિધ ધર્મોમાં ધાર્મિક
સ્થળોએ મહિલાઓ સાથેના ભેદભાવ સંબંધિત અરજીઓ પર સુનાવણી શરૂ કરી કરી હતી. જો કે,
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બંધારણની
કલમ 25 હેઠળ ધાર્મિક સ્વતંત્રતાના
અધિકારનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, જો ધાર્મિક પ્રથાઓ જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્યનું
ઉલ્લંઘન કરતી હોય તો અદાલતો હંમેશાં હસ્તક્ષેપ કરી શકે છે. સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે,
જો કોઈ સામાજિક બીમારી હોય જેને ધાર્મિક પ્રથા તરીકે ઓળખવામાં આવે છે,
તો કોર્ટ તપાસ કરી શકે છે કે તે એક આવશ્યક ધાર્મિક પ્રથા છે કે સામાજિક
અનિષ્ટ. ન્યાયાધીશ નાગરત્ને કહ્યું હતું કે, કોઈ સ્ત્રીને મહિનામાં
ત્રણ દિવસ `અસ્પૃશ્ય' ગણી શકાય નહીં અને પછી ચોથા શું તેને અછૂત ગણવાનું
બંધ કરી દેવાનું તેવો સવાલ કર્યો હતો. જેની સામે દલીલ કરતાં મહેતાએ કહ્યું હતું કે,
સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ માસિક સ્રાવ સાથે સંબંધિત
નથી, પરંતુ ફક્ત વય જૂથના આધારે છે. ન્યાયાધીશ બી.વી. નાગરત્ના, એમ.એમ. સુંદરેશ, અહસાનુદ્દીન અમાનુલ્લાહ, અરાવિંદ કુમાર, ઓગસ્ટિન જ્યોર્જ મસીહ, પ્રસન્ના બી. વરાલે, આર. મહાદેવન અને જોયમલ્યા બાગચીનો
સમાવેશ કરતી બેન્ચને મહેતાએ જણાવ્યું હતું કે, જો કંઈક અવૈજ્ઞાનિક
હોય, તો તેનો ઉપાય વિધાનસભા પાસે છે. ન્યાયાધીશ બાગચીએ મહેતાને
કહ્યું હતું કે, અદાલતો વિજ્ઞાનના નિષ્ણાત નથી, પરંતુ પુરાવા અધિનિયમ કોર્ટને નિષ્ણાતોના મંતવ્યો તપાસવા અને નિષ્ણાત બનવાની
સત્તા આપે છે. મહેતાએ રજૂઆત કરી હતી કે, તેમને 2018ના સબરીમાલા ચુકાદામાં એક અવલોકન
સામે સખત વાંધો છે કે, 10-50 વર્ષની વય જૂથની મહિલાઓને મંદિરમાંથી
બાકાત રાખવી એ અસ્પૃશ્યતાનું એક સ્વરૂપ છે, જે બંધારણની કલમ 17નું ઉલ્લંઘન
છે. ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર
2018 માં પાંચ ન્યાયાધીશોની બેન્ચે
4:1 બહુમતીથી તમામ ઉંમરની મહિલાઓને
મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. તત્કાલીન ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે આ બાબતને
સમાનતાના અધિકાર સાથે જોડી હતી. જો કે, 2019માં તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈની
આગેવાની હેઠળની બેન્ચે આ મામલો મોટી બેન્ચને મોકલ્યો હતો, જેની સુનાવણી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી
છે.