• સોમવાર, 10 નવેમ્બર, 2025

કચ્છમાં પકડ જમાવતો ઠંડીનો ચમકારો

ભુજ, તા. 8 : કારતક માસ અડધો વીતી ચૂક્યો છે ત્યારે કચ્છમાં ગુલાબી ઠંડીનો ચમકારો પોતાની પકડ ધીમા ડગલે મજબૂત બનાવી રહ્યો છે. દિવસે હજુ અનુભવાતા હૂંફાળા માહોલ વચ્ચે વાતાવરણમાં થોડી વિષમતા પણ જળવાયેલી રહી છે. કચ્છી કાશ્મીર એવા નલિયામાં લઘુતમ પારો ગગડીને 15.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજ્યમાં પાટનગર ગાંધીનગર અને અમદાવાદ બાદ નલિયા રાજ્યનું ત્રીજા નંબરનું ઠંડું મથક બન્યું હતું, તો અંજાર-ગાંધીધામમાં લઘુતમ પારો 15.5 ડિગ્રી નોંધાતાં આ વિસ્તાર રાજ્ય નંબરે ઠર્યો હતો. જિલ્લા મથક ભુજમાં પણ લઘુતમ તાપમાન 19.4 ડિગ્રી નોંધાતાં મોડીસાંજથી લઇ વહેલી સવાર સુધીના સમયગાળામાં ઉલ્લેખનીય ગણી શકાય તેવી ઠંડીની ચમક શહેરીજનોએ અનુભવી હતી. વહેલી સવારે શાળાએ જતાં બાળકો, કામ ધંધાર્થે નીકળેલા લોકો સહિત ઠંડીની ચમકના લીધે ગરમ વત્રોમાં વીંટળાયેલા જોવા મળ્યા હતા. મહત્તમ તાપમાન 31થી 33 ડિગ્રી વચ્ચે નોંધાતાં બપોરના સમયે પંખા ફરાવવા પડે તેવી ગરમીની અનુભૂતિ લોકોએ કરી હતી. વિષમ વાતાવરણનાં કારણે શરદી-તાવ જેવી સિઝનલ બીમારીમાં ઉછાળો આવેલો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં લઘુતમ પારો ગગડવા સાથે ઠંડીની ચમક પોતાની પકડ વધુ મજબૂત બનાવે તેવી આગાહી કરી છે. ઠંડીના ચમકારા વચ્ચે સવારના સમયે વાતાવરણમાં ધુમ્મસની અસરે જોવા મળી હતી. રાજ્યના 17 શહેરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. 

Panchang

dd