ભુજ, તા. 30 : અરબી
સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે કચ્છમાં આજે સાર્વત્રિક
એકથી પાંચ ઇંચ વરસાદ પડયો હતો. ભુજ,
મુંદરા, માંડવી અને નખત્રાણાના ગ્રામ્ય
વિસ્તારમાં આષાઢી મિજાજ સાથે વરસેલા વરસાદે ડેમો-તળાવોમાં નવાં નીરને જળમગ્ન
બનાવ્યા હતા, તો દેશલપર (વાંઢાય)માં બે કલાકમાં છ ઇંચ પાણી
વરસ્યું હતું. સામત્રા, માનકૂવા, દેશલપર
વાંઢાયમાં મુશળધાર વરસાદનાં પગલે ભુજ-નખત્રાણા ધોરીમાર્ગ પર વ્યાપક પ્રમાણમાં
જળભરાવ થતાં રસ્તો વાહનવ્યવહાર માટે અવરોધાયો હતો. હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી
વચ્ચે આ વરસાદ ખેતી માટે કાચાં સોનાં સમાન હોવાનું જાણકારોએ કહ્યું હતું.
માંડવીમાં એકથી પાંચ, નખત્રાણામાં એકથી સાડા ત્રણ, ભુજમાં એક, અબડાસામાં અડધોથી પોણો, રાપર-અંજારમાં અડધો તો ભચાઉ-લખપતમાં ઝાપટાંરૂપે વરસાદે હાજરી પુરાવી હતી.
ભુજના હમીરસર તળાવમાં પાણી ઠાલવતા મોટા બંધમાં પાણીની જોશભેર આવક થવા પામી હતી,
તો બેરાચિયા ડેમના હેઠવાસના ગામોને સાવચેત કરાયા હતા. જિલ્લા
કંટ્રોલરૂમમાં રાત્રિ સુધી મુંદરામાં 50, માંડવીમાં 36, ભુજમાં
24, રાપરમાં
19, ભચાઉમાં
08, લખપતમાં
06, ગાંધીધામ-નખત્રાણામાં
4-4 મિ.મી.
વરસાદની નોંધ થઇ હતી. કેટલાંક સ્થળે ડાયવર્ઝન ધોવાઇ જતાં વાહનચાલકોને પારાવાર
હાલાકી વેઠવી પડી હતી, તો માર્ગ પર નદીઓ વહેવા લાગતાં લોકો તેને નિહાળવા ઊમટી પડયા હતા.
ભુજમાં ક્યાંક ધોધમાર કયાંક ધીમી
ધાર
જિલ્લા મથક ભુજમાં સવારથી જોવા
મળતા ધાબડિયા માહોલ વચ્ચે બપોરે મેઘગર્જના અને પવનના પ્રભાવ સાથે વરસેલા વરસાદથી
ભીનો માહોલ સર્જાયો હતો. શહેર અને આસપાસના વિસ્તારમાં અષાઢમાં ભાદરવાના ભૂસાકાની
જેમ કેટલાક વિસ્તારમાં ધોધમાર તો કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.
સાંજ સુધી ભુજમાં પોણો ઇંચ વરસાદ પડયાની સત્તાવાર નોંધ થઇ હતી. કયારેક વરસાદ
જોશભેર તો કયારેક ધીમી ધારે વરસતાં શહેરના માર્ગો જળમગ્ન બન્યા હતા. વરસાદની સાથે
પવનનું જોર વધુ જોવા મળતાં વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આખો દિવસ
જોવા મળેલા વરસાદી માહોલના લીધે જિલ્લા મથકે હિલસ્ટેશન જેવો નજારો જોવા મળ્યો હતો.
માધાપર, મિરજાપર,
દેશલપર, વાંઢાય, મથલ,
કોડકી, કુરબઇ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં
હળવા-ભારે ઝાપટાંથી લઇ ધોધમાર ઝડી વરસી હોવાના અહેવાલ મળ્યા છે.
ગઢશીશામાં ચાર ઇંચ, નદીઓ બે કાંઠે વહી
ગઢશીશાથી જિજ્ઞેશ આચાર્યના
અહેવાલ અનુસાર ગઢશીશા પંથકમાં સતત બે દિવસથી ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ રહ્યો છે અને
વાતાવરણ પણ સતત ગોરંભાયેલું રહ્યું છે. એ વચ્ચે
અષાઢ માસના પ્રથમ સોમવારે ઢળતી બપોરે ત્રણ વાગ્યાથી મેઘરાજાએ મન મૂકી વહાલ
વરસાવતાં અંદાજિત ત્રણ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસતાં ગામના તમામ મુખ્ય
માર્ગો પર ગોઠણ સમા પાણી વહ્યાં હતાં. બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગામના તમામ
વિસ્તારનું પાણી ભેગું મળે છે ત્યાં તો ખૂબ જ પાણી ભરાતાં તળાવ જેવાં દૃશ્યો જોવા
મળ્યાં હતાં. ગઢશીશા સાથે ઉપરવાસ એટલે કે મંગવાણા, ભોપા વડવા, વડવા કાંયા,
દુજાપર વિગેરે વિસ્તારોમાં
ખૂબ જ સારો વરસાદ વરસતાં તમામ ચેકડેમો
ઓગની ગઢશીશા-રાજપર વચ્ચે આવેલ સોનાપરવાળી નદી બે કાંઠે વહી હતી અને તેનું
પાલર પાણી વિસ્તારના સૌથી મોટા ખારોડ ડેમમાં જતાં આ ડેમમાં પણ ખૂબ જ સારી
માત્રામાં જળરાશિનો ઉમેરો થયો હતો. રત્નાપરથી મહેન્દ્ર રામાણી, વિપુલ રામજિયાણી, દેવપર (ગઢ)થી જિ.પં. સદસ્ય કેશવજી
રોશિયા, બુધારામ ભોઇયા, વિરાણી નાનીથી
પરષોત્તમભાઇ વાસાણી, ભેરૈયાથી કલ્યાણજીભાઇ પારસિયા, દુજાપરથી નારાણભાઇ ચૌહાણ, વડવા કાંયાથી લવજીભાઇ પોકાર,
રાજપરથી ચંદુલાલ વાડિયા, મકડાથી બળુભા
જાડેજા, કરશનજી જાડેજા, મઉંથી બટુકસિંહ
જાડેજા, કીર્તિભાઇ ઠક્કર, પોલડિયાથી મહેન્દ્રસિંહ જાડેજા,
ગઢશીશાથી હરેશભાઇ રંગાણી તથા હરેશભાઇ સેંઘાણી, કમલેશ ચૌધરી, પ્રફુલ્લભાઇ ગણાત્રા, રાજુભાઇ ગણાત્રાએ આ વરસાદને
ખેતીવાડી માટે ફાયદાકારક ગણાવ્યો હતો. રામપર-વેકરા વિસ્તારમાં પણ સારા વરસાદના અહેવાલ લખમણભાઇ છભાડિયા
(રામપર) તથા ગંગાજી મંદિરના ખીમગર ગોસ્વામીએ આપ્યા, સાથે
રુકમાવતી નદી વહેતી થઇ હોવાનું જણાવ્યું હતું. ગઢશીશાનો `ચેતરો
ડેમ' ઓગની
ગયો હોવાનું અગ્રણી પ્રદીપભાઇ પંડયાએ જણાવ્યું હતું.
ગઢશીશાથી મંગવાણા માર્ગનો
ડાયવર્ઝન ધોવાયો
વડવા ભોપાથી અગ્રણી સતીશભાઇ
રબારી તથા કાનાભાઇ રબારીનો સંપર્ક કરતાં વડવા ભોપા પાસે મંગવાણાથી ગઢશીશા જોડતા
માર્ગનો ડાયવર્ઝન ધોવાતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લોકોને સલામત રહેવા સૂચન
અપાયાં હતાં.
કોડાય વિસ્તારમાં બે ઇંચ
તાલુકાના કોડાય પંથક સહિત
વિસ્તારમાં બે ઇંચ ઉપર વરસાદ પડયો હતો. કોડાય અને રાયણ ગામ વચ્ચે સરવરપીરવાળા
છેલામાંથી છૂટ પાણી નીકળ્યું હતું. પિયાવાના ખેડૂત કલ્યાણજી ગાજપરિયાએ જણાવ્યું
હતું કે, બપોર
પછી બે ઇંચથી વધારે વરસાદ પડયો હતો. રાયણના સામાજિક અગ્રણી એસ.વી. પટેલે પણ રાયણ
વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડયાની વિગત આપી હતી. જખણિયા વિસ્તારમાં બે ઇંચ
જેટલો વરસાદ પડયાના સમાચાર લતીફ સુમરાએ આપ્યા હતા. દુર્ગાપુરથી ઇશ્વરભાઇ રૂડાણીએ
ખેતી અને પશુપાલન માટે આ વરસાદને ઉપયોગી ગણાવ્યો હતો. મોહનભાઇ રામાણી, જખણિયા વાડીવિસ્તારના ખેડૂત આગેવાન માવજીભાઇ વેકરિયા, નાના આંસબિયાથી પ્રેમચંદ ડુંગરશી છેડાએ વરસાદના અહેવાલ આપ્યા હતા.
દરશડી પંથકમાં ચાર ઇંચ
દરશડી પંથકમાં બપોરે ભારે ગાજવીજ
સાથે અંદાજે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું
હતું. બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મમાયમોરા
ગામનું તળાવ ઓવરફ્લો થયું હતું.
ભુજ-નખત્રાણા માર્ગ જળબંબોળ
બપોર બાદ આવેલી મેઘહેલી માધાપર, જિયાપર, મંગવાણા વિસ્તારમાં બે ઇંચ વરસાદ વરસાવતાં જિયાપર પાસે આવેલી પાપડીમાં પૂર
આવ્યું હતું, એવું જિયાપરના પૂર્વ સરપંચ વિજયાબેન ગોસ્વામીને
ટાંકીને પ્રતિનિધિ ઉમર ખત્રીએ જણાવ્યું હતું. મોટી વિરાણી, સુખપર,
વાંઢ, રામેશ્વર, પખડા
વિસ્તારમાં સવારથી સાંજ સુધી અડધો ઇંચ પાલર પાણી આકાશમાંથી પડયાનું અદ્રેમાનભાઇ
સમેજાએ જણાવ્યું હતું. માનકૂવા, સામત્રા, દેશલપર-વાંઢાય વિસ્તારમાં જોરદાર વરસાદ વરસતાં ભુજ-નખત્રાણા ધોરીમાર્ગ પર
જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વાદળિયા માહોલ વચ્ચે સવારે નવ વાગ્યે ને બપોરે
એક વાગ્યે ભારે વરસાદી ઝાપટું પડયું હતું. વરસાદી ઝાપટાંનાં કારણે રસ્તાઓ પર પાણી
વહી નીકળ્યાં હતાં, એવું વિજયભાઇ સીજુએ જણાવ્યું હતું.
સામત્રા, માનકૂવા માર્ગ પર તો નદી આવી હોય તેવો માહોલ જોવા
મળ્યો હતો.
નખત્રાણા તાલુકામાં વાવેતરમાં
વિલંબ
પ્રતિનિધિ શાંતિલાલ લીંબાણીના
અહેવાલ અનુસાર પાછલા 10 દિવસથી વરસાદે પંથકના ખેડૂતોને
બાનમાં લીધા છે. રામમોલના વાવેતરમાં વરસાદી વિલંબ ઊભો કર્યો છે. વાવણિયા તૈયાર છે.
માત્ર વરાપ નીકળવાની રાહ જોવાય છે. આજે દિવસ દરમ્યાન ઝરમર વરસાદે શ્રાવણ માસની ઝડી
જેવો માહોલ સર્જ્યો હતો. સાંજે સાડાચાર વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો
અને જોતજોતાંમાં પાણી વહી નીકળ્યાં હતાં. વિથોણ ઉપરાંત જિયાપર, મંગવાણા વિસ્તારમાં બપોર
પછી મુશળધાર વરસાદ થયો હોવાનું બાબુભાઇ ચોપડાએ જણાવ્યું છે. પલીવાડ, આણંદપર, મોરગર, સાંયરા,
દેવપર-યક્ષ, સુખસાણ, ધાવડા,
સાંગનારા, અંગિયા, ચાવડકા,
લાખિયારવીરા, ભડલી, થરાવડા,
મોરજર, રાણારા, અધોછની,
આણંદસર વિગેરે વિસ્તારમાં વરસાદની હેલીઓ અવિરત વરસી હતી. ભોયડ
નદીમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં. પુંઅરેશ્વરવાળી નદી બેકાંઠા લઇને વહી નીકળી
હતી, જેના કારણે પાલરધુના ધોધનો નયનરમ્ય નજારો જામ્યો હતો.
સાંજે પાંચ વાગ્યે વીજળી અને વાદળોથી ઘનઘોર ઘટા જામી હતી. વીજળીએ પંથકને ભયભીત
કર્યું હતું. અત્યાર સુધી પંથકમાં ટુકડે ટુકડે લગભગ સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે.
સાંયરા વિસ્તારમાં વરસાદ પડવાથી અધોછની ડેમમાં નવાં નીર આવ્યા હોવાનું જણાવાયું
છે. અત્યારના વરસાદથી કોઇ પણ જાતની નુકસાની થઇ નથી તેવું ખેડૂત કાંતિભાઇ લીંબાણી,
વિઠ્ઠલભાઇ, જયંતીભાઇ અને સાંયરાથી દિનેશભાઇ
પોકારે જણાવ્યું હતું.
દહીંસરા પંથકના હૈયે ટાઢક
આષાઢી બીજથી સંતાકૂકડી રમતા
મેઘરાજાએ આજે સાડા ત્રણથી સાડા પાંચ બે કલાકમાં સવા બે ઇંચથી વધારે આભમાંથી પાણી
વરસાવતાં સૌના હૈયે ટાઢક થઇ હતી. ઘનઘોર ઘટા અંધારાથી વાહનચાલકોને હેડલાઇટ ચાલુ
કરવાની ફરજ પડી હતી. ચુનડી,
ધુણઇ, સરલી, ગોડપર,
મેઘપર, પુનડી, ચાડવા
રખાલ, ખત્રી તળાવ ભુજ બાજુ સચરાચર મેઘો મહેરબાન બન્યો હતો.
વાવેતર કરેલા પાકો માટે કાચાં સોનાંરૂપી મીંથી ધરતીપુત્રો રાજીના રેડ થયા હતા.
તળાવ-ડેમોમાં નવાં પાલર પાણીની આવક થઇ હતી. સરલી, ધુણઇ,
ગોડપર, ચુનડીની નદીઓ બે કાંઠે વહી હતી.
કુકમામાં દોઢ ઇંચ
કુકમામાં આજે સવારથી થોડા છાંટા
પડી બંધ થઇ જતા હતા. આવું બપોર સુધી ચાલ્યું હતું, પણ બપોરે 1.30 વાગ્યા
આસપાસ વરસાદે ગતિ પકડી અને સારું એવું ઝાપટું પડયું હતું. ગામની શેરીઓ, સોસાયટીઓ, બજાર, બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી વહેતા થયાં હતાં.
ઠેકઠેકાણે બાળકો વરસાદમાં નાહવની મોજ માણતા દેખાતા હતા. આજે ફરી ધોધમાર ઝડી વરસતાં
દોઢ ઇંચ પાણી પડયાનું કલ્પેશ પરમારના અહેવાલમાં જણાવાયું હતું.
દુધઇ પંથકમાં કાચું સોનું
વરસ્યું
છેલ્લા 12 દિવસથી
ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ બીજા રાઉન્ડમાં બપોરે 1થી 2.30 દોઢ
કલાકની અંદર એકથી દોઢ ઇંચ પાલર પાણી વરસ્યું હતું. ત્રણ દિવસથી અતિશય ભારે ઉકળાટ
બાદ દુધઇ પંથકમાં સારા વરસાદના સમાચાર મળ્યા હતા. કોટડાથી બાબુભાઇ ડાંગરે જણાવ્યું
કે, ખેડૂતો
માટે આ કાચું સોનું ગણાવ્યું હતું. કોટડા, ચાંદરાણી, નવાગામ, ધમડકા, બુઢારમોરા,
મોરગર, સંગમનેર, સુખપર
મધ્યે સારા વરસાદના સમાચાર મળ્યા હતા.
નખત્રાણાની દક્ષિણ પટ્ટીનાં
ગામોમાં ધોધમાર
કચ્છી નવાં વર્ષ આષાઢી બીજની
પૂર્વ સંધ્યાથી સમગ્ર નખત્રાણા તાલુકામાં વરસેલી મેઘમહેર આજે વણથંભી આગળ વધતાં
દક્ષિણ પટ્ટીના મંગવાણા, જિયાપર, સુખપર, માધાપર,
કોટડા-રોહા, વિભાપર, ગંગોણ
(બંને), વડવા, દુજાપર સમગ્ર પંથકમાં
સચરાચરો બેથી સવા ત્રણ ઇંચ મુશળધાર વરસાદ વરસતાં મંગવાણાથી ગઢશીશા જતા માર્ગમાં
વડવા નજીક બનતા નવા પુલની સાઇડનો ડાયવર્ઝન રસ્તો તૂટી જતાં વાહનવ્યવહાર થંભી ગયો
હતો. જિયાપર, મંગવાણા પાસેની લખાવો નદી બે કાંઠે વહી હતી.
રોહા-કોટડા, વિભાપર, ગંગોણ, મોસુણા વિસ્તારમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદે નદી-નાળાં છલકાતાં માર્ગોનો
વાહનવ્યવહાર અટક્યો હતો. મંગવાણાથી નખત્રાણા તાલુકા એટીવીટી સદસ્ય ધર્મેન્દ્રગિરિ
ગોસ્વામીએ સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલ આપ્યા હતા. ધોધમાર વરસાદથી મંગવાણા
બસ સ્ટેશન પાસે રસ્તા પાણીમાં ડૂબી ગયા હતા. નલિયા તરફ જતા રેલવે પુલ નીચે
ભરાયેલાં પાણીથી વાહનવ્યવહારને અસર થઇ હતી. જિયાપરથી વેપારી અરવિંદભાઇ ઠક્કરે
ધોધમાર વરસાદથી બજારમાં વોકળામાં છૂટથી પાણી વહ્યાં હતાં તથા વાડી-ખેતરોમાં ક્યારા
પાણીથી ભરાઇ ગયા હતા. કોટડા-રોહાના વેપારી લખનભાઇ કોઠારીએ વરસાદના વાવડ આપતાં
વિસ્તારના વિભાપર, વેરસલપર, રોહા સમગ્ર
પંથકમાં 4થી 6 વચ્ચે બેથી અઢી ઇંચ વરસાદથી
તળાવ-ડેમ સહિત જળાશયોમાં મોટાં પ્રમાણમાં પાણી ભરાયાં હતાં, જ્યારે વાડી વિસ્તારમાં
વાવેતર કરાયેલ કપાસના કુમળા છોડ પાણીમાં ડૂબ થયા હતા. તીર્થધામ વાંઢાય, દેશલપર (વાં.)માં દોઢથી બે ઇંચ વરસાદ વરસ્યાનું જીતુભાઇ ભગતે ખુશીના
સમાચાર આપતાં જણાવ્યું હતું કે, વાંઢાયના ઇશ્વરસાગર તળાવમાં
વરસાદથી નવાં નીરની આવ થઇ છે. બાકીના તાલુકાના સમગ્ર વિસ્તારમાં ઝાપટાં વરસતાં
રસ્તા પર પાણી વહી નીકળ્યાં હતાં.
પચ્છમમાં મેઘમહેર
આજે સાંજે ફરી એકવાર પચ્છમ પર
મેઘમહેર થઈ હતી. મુખ્ય મથક ખાવડામાં ઝાપટાંથી જમીન ભીંજાઇ હતી, જ્યારે કાળા ડુંગર,
કુરન, ધ્રોબાણા ગામોમાં ઝાપટાંથી પાણી વહ્યાં
હતાં. જામકંડરિયાથી અગ્રણી બીજલભાઇ ડુંગરિયાએ તુગા જામકુનરિયા, જુણા, દેઢિયા વગેરે ગામોમાં લગભગ દોઢ ઇંચ પાણી પડયું
હોવાનું જણાવ્યું હતું, તો પાસી વિસ્તાર ગણાતા ખારી અંધૌ,
દદ્ધર વગેરે ગામોમાં પણ દોઢેક ઇંચ વરસાદના સમાચાર ખારીથી અગ્રણી
ખીમાભાઈ આહીરે આપ્યા હતા. આમ પચ્છમમાં ક્યાંક વધુ અને ક્યાંક માત્ર ઝાપટાં જેવો
વરસાદ પડયો છે. ભુજ-ખાવડા હાઇવે પર ધોધમાર વરસાદને લીધે વાહનોની હેડલાઇટ કરવાની
ફરજ પડી હતી. રામપર-વેકરામાં બપોર પછી બે ઇંચ જેવો વરસાદ વરસતાં ગામની મીઠી નદી
તથા ગંગાજીની રુકમાવતી નદી બંને કાંઠે વહી રહી છે. તુગા, ધોરાવર,
પૈયામાં બે ઇંચ વરસાદથી તુગા બાજુની નદીઓ વહેતી થઇ હતી.
અબડાસામાં અડધોથી પોણો ઇંચ
કોઠારા, નલિયા વિસ્તારમાં વરસાદે
ઝાપટાંરૂપે હાજરી પૂરાવી હતી, તો રાતા તળાવ, સણોસરામાં અડધાથી પોણો ઇંચ વરસાદ થયો હતો.
માંડવીમાં મોજીલી મેઘકૃપા
પ્રતિનિધિ દેવેન્દ્ર વ્યાસના
અહેવાલથી મહદઅંશે સપ્તાહથી અંધારિયો અને આશાસ્પદ માહોલ બરકરાર રાખીને મરકી રહેલા
મેઘરાજાએ ગઈકાલે હાજરી પૂરાવ્યા પછી આજે બપોરે પણ ગાજ સાથે હળવાં-ભારે ઝાપટાં અને
ઝરમરિયારૂપે પોણો ઈંચ (20 મિ.મી.) હેતાળ હાથ ફેરવતાં
મોસમનો એકંદર વરસાદી આંક સાંજ સુધીમાં 194 મિ.મી. ઉપર અંકિત કરાવી દીધો છે.
ઉત્તર-પશ્ચિમ પટ્ટીમાં બે-અઢીથી ત્રણેક ઈંચ ગામડાંઓ ઉપર જળાભિષેક થયો હોવાના વાવડ
છે.
શહેરમાં એકંદર મોસમનો આઠ ઈંચ
લગોલગ..
ગઈકાલે વીતેલા 24 કલાક
દરમ્યાન અડધો ઈંચ પાલર પાણી વહેવડાવી ગયેલા ધરતીના ધણીએ સવારે ઝરમર અને બપોરે ભારે
ઝાપટાંરૂપે પોણો ઈંચ ધરતીને પયપાન કરાવ્યું હતું. કન્ટ્રોલ રૂમમાંથી ભૂપેન્દ્ર
સલાટે સાંજ સુધીમાં 20 મિ.મી.નો આંકડો આપ્યો હતો.
રસ્તાઓ ઉપર ભારે વહેણ યાતાયાતને અડચણ કરાવી. કુમળાં ઘાસ વચ્ચે મેઘ માહોલમાં મસ્તી
માણતાં બાળકોનાં દૃશ્યો, ગોરંભાયેલાં આકાશમાં છવાયેલાં ઘટાટોપ વાદળોનાં અફલાતૂન ચિત્રો જોવા મળ્યાં
હતાં. નીચાણવાળા માર્ગો ઉપરથી જોશીલા વહેણ વહી રહ્યાં હતાં.
રતડિયા-મંજલ પંથકમાં ત્રણ ઈંચ
રતડિયાથી વિક્રમસિંહ જાડેજાએ
આપેલી વિગતો પ્રમાણે ધૂમ-ધડાકા સાથે રતડિયા,
હમલા, મંજલ, પ્યાકા
વગેરે પંથકમાં ત્રણેક ઈંચ વર્ષા થતાં શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર પાસે ખારોડ નદી
રુમઝુમ નૃત્યે ચડી હતી. 70-80 ટકા વાવણી થઈ છે, ત્યાં લાખેણા નીર જ્યારે
વાવણી બાકી હશે ત્યાં પોરસાવનારાં પાણી પડતાં આનંદ છે. વગડાઉ અને અબોલા જીવો માટે
સીમમાં સારું ઘાસ નસીબ થશે.
ડોણ પટ્ટીમાં પણ રાજીપો
ડોણ પાટિયાથી પ્રગતિશીલ કિસાન
ખીમજીભાઈ કેરાઈએ કહ્યંy હતું કે, ડોણ પાટિયા નજીકના
વિસ્તારો ડોણ, ધોકડા, રાજડા, ભાડઈ, વગેરે વિસ્તારમાં ત્રણેક ઈંચની જમાવટ થતાં
જ્યોતેશ્વર ડેમમાં નવાં નીરની પધરામણી થઈ રહી છે. વરસતો નીવડે વખાણ, પરંતુ મંડાણ ખૂબ આશાસ્પદ અનુભવાયાં છે. ગોધરાથી હાજી સલીમ ચાકીએ આપેલા
વાવડ પ્રમાણે બપોરે સારી `છક્કી' આવતાં અઢી-ત્રણનો આસરો
છે. નદીમાં સીમનાં પાણી ઠલવાતાં સરિતા સજીવન થઈ રહી છે. ગામમાંથી જોશભેર વહેણ
વહેતા હતા. માહોલ બરકરાર છે.
ઉગમણી પટ્ટીમાં પણ મોજીલું
મેઘાગમન
બિદડાથી સૈયદ ગુલામ મુસ્તફાએ
જણાવ્યું હતું કે, બિદડા, ખાખર, નાના ભાડિયા,
પીપરી, ગુંદિયાળી, મોઢવા,
ફરાદી વગેરે પંથકમાં સવા બે-અઢી ઈંચ વરસાદની જાણકારી મળી છે. પાણી
જોશીલાં વહેતાં બિદડા-ખાખર વચ્ચેના છેલો પસાર કરીને નીકળવા નાના વાહનો મુંઝાતા
હતા. પોખ માટે કૃપાળુ વરસાદ છે. વવાયેલા મોલ માટે મજબૂત જીવનદાનરૂપ મહેર છે. આ
દરમ્યાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી જાગૃત નાગરિકોએ ખાડા-ખાબોચિંયા-કુંડાઓ કે
છત ઉપર ભરાતાં વરસાદી નીરમાં મચ્છર જેવી જીણી જીવાત કે ફોરા નજરે ચડી રહ્યા છે. ડેન્ગ્યુ
જેવા તાવથી બચવા આરોગ્ય તંત્રે એવાં સ્થળે દવાનો છંટકાવ કરવો સમયની માંગ છે અન્યથા
સિઝનલ તાવ, ડેન્ગ્યુ વગેરેનો ખતરો ઊભો થશે. શહેરના પંથકસમા
નાગલપર, મસ્કા, શિરવા, ઢીંઢ, બાગ બાજુ પણ મેઘરાજાની હુકુમત અનુભવાઈ હોવાના
સમાચાર મળ્યા હતા. શહેરમાં કુદરતી વહેણ અવરોધાતાં સત્વરે સાધવાનીની માંગ કરાઈ હતી.
દરિયાઈ પટ્ટીમાં મુશળધાર
મોટા ભાડિયા પંથકના નાના ભાડિયા, ત્રગડી, ગુંદિયાળી, નાની ખાખર, બિદડા
સહિતનાં ગામોમાં મેઘરાજાએ સવારથી જ હેત વરસાવવાનું શરૂ કર્યું હતું, જે બપોરે મુશળધાર સ્વરૂપે વરસ્યો હતો. પંથકનાં વિવિધ જળાશયોમાં નવાં
નિર્માણનું આગમન થયું હતું. અંદાજે બે ઇંચની આસપાસ મેઘરાજા મૂકીને વરસ્યાનું મોટા
ભાડિયાના સરપંચ થાવરભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું. જમીન વાવી ચૂકેલા ખેડૂતો માટે આ
વરસાદ કાચાં સોનાંસમો સાબિત થશે. બપોરે આવેલા મુશળધાર વરસાદથી પંથકની નદીઓ પણ
વહેતી થઈ હતી. નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવી જતાં ગુંદિયાળી અને બિદડા બંને
રસ્તે યાતાયાત અને વાહનચાલકોને મુશ્કેલી સહેવી પડી હતી.
અંજાર શહેર-તાલુકામાં હળવાં-ભારે
ઝાપટાં
અંજાર શહેરમાં દિવસ દરમ્યાન
વરસાદી માહોલ છવાયેલો હતો. દિવસ દરમ્યાન હળવાં-ભારે ઝાપટાં સ્વરૂપે 10 મિ.મી.
વરસાદ થયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ વચ્ચે કોઈ જગ્યાએ વધુ -ઓછો
વરસાદ થયો છે. તાલુકાના ખેડોઈ,
માથક, ખંભરા, સિનોગ્રા,
નાગલપર, સતાપર, લાખાપર,
ભીમાસર, વરસામેડીમાં પણ વરસાદી માહોલ વચ્ચે
ઝાપટાં સ્વરૂપે વરસાદ થયો છે.
લુડવામાં ચાર કલાકમાં ધોધમાર
સાડા પાંચ ઈંચ વરસાદ વરસતાં ધરતીપુત્રો તથા ગ્રામજનો ખુશખુશાલ થઈ વરસાદને માણવા
નીકળી પડયા હતા. લુડવાનું પીરવાડી તળાવ ઓગની ગયું હતું.