મુંદરા, તા. 29 : તાલુકામાં સરકારના વિવિધ વિકાસ
કામોમાં એસઓઆર ભાવ અને બજાર ભાવમાં મોટો ફેરફાર જોવા મળે છે અને એ દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર
આચરવામાં આવી રહ્યો હોવાની જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆતો
થઇ છે. મુંદરા તાલુકા કોંગ્રેસ દ્વારા ડીડીઓ-ટીડીઓને લખાયેલા પત્રમાં આક્ષેપો કરાયા
હતા કે, વિકાસ કામોની વિવિધ ગ્રાન્ટોમાં એસઓઆર ભાવ અને
બજાર ભાવમાં જમીન આસમાનનો ફેરફાર છે. તાલુકા પંચાયતમાંથી એસ્ટીમેન્ટ બનાવવામાં આવે
છે. તે એસઓઆર ભાવના મહત્તમ ભાવના 0.65 જેટલું બાકી રાખવામાં આવે છે.
તેની બીજી બાજુ જે એસઓઆરના ભાવ છે, તે મુજબ બજાર ભાવ ખૂબ ઓછા છે. આ ફેરફાર કોના ફાયદા માટે છે ? આ માટે જવાબદારો સામે પગલાં ભરાય. આ રજૂઆતમાં વીરમ ગઢવી, ઇમરાન જત, દેવેન્દ્રસિંહ જાડેજા, કાનજી સોંધરા, નવીન ફફલ, સુરેન્દ્રસિંહ
ઝાલા, ઋષિરાજસિંહ જાડેજા, હરેશ મોથારિયા, ગોપાલ કાનાણી વિ. જોડાયા હતા. પત્રમાં
વધુમાં આક્ષેપ કરાયો કે, સીસી રોડ હોય કે પેવરબ્લોક, ગટરનાં કામ, પાણીની લાઇન, સેડ, દીવાલ વગેરે
કામોની ગુણવત્તા જણાતી નથી. સીસી રોડ ત્રણ મહિનામાં તૂટી જાય છે. પેવરબ્લોક એસઓઆરમાં
20-30 ગ્રેડના નાખવાના હોય છે તેનાથી
હલકી ગુણવત્તાના નાખવામાં આવે છે. પાણીની લાઇનની ઊંડાઇ 1.75 મીટર નીચે ઉતારવાની હોય છે, તેના બદલે ફકત બે ફૂટ નીચે ઊતારવામાં આવે છે.
રોડ માટે લોખંડની દરેક વસ્તુ સૌથી હલકી ગુણવત્તાવાળી નાખવામાં આવે છે. ગટરલાઇન જે વિસ્તારમાં
નાખવામાં આવે છે. બે મહિના પછી તે વિસ્તાર બેટમાં ફેરવાઇ જાય છે. સીસી કમ્પ્લીશન સર્ટી.માં
જિઓ ટેગના ફોટો અપલોડ કરવામાં આવે છે, તે તાલુકા પંચાયતમાં બેસીને
જ બીજો મોબાઇલ નીચે રાખીને ત્યાંથી જ ઇ-ગ્રામ સ્વરાજમાં થઇ જાય છે. લોકેશન મુજબ જોવા
જઇએ, સીસી આપવાનું છે ત્યાં જ આવી ગેરરીતિ થતી હોય, તો ઉપર મુજબના તમામ કામોની ગુણવત્તા, ભાવમાં શું ગેરરીતિ
નથી થતી એવા પણ સવાલ ઊઠાવ્યા હતા.