• ગુરુવાર, 01 મે, 2025

ગાંધીધામ મનપા સામે 110 કિ.મી. વિસ્તારના વિકાસનો પડકાર

રજનીકાંત કોટડિયા દ્વારા : ગાંધીધામ, તા. 29 : ગાંધીધામ મહાનગરપાલિકા બની તેનો લગભગ ચાર મહિનાનો સમય પૂર્ણ થવા આવ્યો છે. તત્કાલીન સમયે સરકારે લોકોને નજરે પડે તેવા કામો કરવા માટે કહ્યું હતું, પરંતુ ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને ગ્રામીણને આવરી લેતા 110 ચોરસ કિલોમીટરમાં વસાહત કરતા લગભગ પોણા છ લાખ લોકોને સ્પર્શે તેવા કોઈ નિર્ણયો લેવાયા નથી. તાલુકા પંચાયતમાંથી મનપામાં સમાવેશ થયેલા ગ્રામીણ વિસ્તારમાં ઘણી મુશ્કેલીઓ છે. અનેક સમસ્યાઓ છે તેનું સમાધાન હજુ સુધી થયું નથી અને તે દિશામાં પ્રયત્નોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેના પગલે હવે લોકો મહા નગરપાલિકાના વહીવટી તંત્ર ઉપર સવાલો ઊભા કરી રહ્યા છે. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોનો લગભગ 29 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે ને અંદાજિત સવા ચાર લાખની આસપાસની વસતી છે. 2011ની વસતી ગણતરી મુજબ 2.47 લાખની વસતી હતી 14 વર્ષ દરમિયાન  વસતીમાં અંદાજિત પોણા બે લાખનો વધારો થયો છે અને હાલના સમયમાં વસતી 4.40 લાખની આસપાસ હોવાનું અનુમાન છે, તો બીજી તરફ મહા નગરપાલિકામાં સમાવેશ થયેલા કિડાણા, ગળપાદર, અંતરજાળ શિણાય, મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડીના 80 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં વર્ષ 2011 લગભગ 60 હજારની આસપાસની વસતી હતી. જે 14 વર્ષ દરમિયાન વધીને લગભગ 1.30 લાખની આસપાસ પહોંચી છે. શહેરોનો 100 ટકા અને ગ્રામીણનો 93 ટકા વિસ્તાર બિનખેતી છે, તો વસતી ગીચતા પણ ઘણી વધી છે. વર્ષ 2011ની સ્થિતિએ નગરપાલિકા વિસ્તારમાં પ્રતિ ચોરસ કિલોમીટર મીટર 8495 વસતી ગીચતા હતી, જે વધીને વર્ષ 2024ની સ્થિતિએ મહા નગરપાલિકા વિસ્તારમાં 15 હજારની આસપાસ હોવાનું અનુમાન છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારની સરેરાશ વર્ષ 2011માં પ્રતિ ચોરસ કિલોમીટર 2789 વસતી ગીચતા હતી, તે વધીને વર્ષ 2024માં પ્રતિ ચોરસ કિલોમીટર 5200એ વસતી ગીચતા પહોંચી હોવાનું અનુમાન છે. વસતી ગણતરી થઈ નથી. આ આંકડા તત્કાલીન સમયની નગરપાલિકાએ સરકારને આપેલી માહિતી આધારેના છે. વસતી અને વસતી ગીચતા વધી પણ વિકાસનો જે પાયો નાખવો જોઈતો હતો, તે હજુ નાખાયો નથી, જેના કારણે તંત્ર સામે સવાલો ઊભા થઇ રહ્યા છે. મહા નગરપાલિકા દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં વિકાસના કામો માટે આયોજન ઘડવામાં આવ્યાં છે, પણ તે કાગળથી જમીન ઉપર ઊતર્યા નથી. 608 કરોડનાં બજેટમાં રોડ-રસ્તા, ગટર, પાણી, બગીચાઓનો વિકાસ, બ્યુટીફિકેશનના કામોનું આયોજન કરાયું છે, પણ ચાર મહિના જેટલો સમય વીતવા આવ્યો છે, છતાં નવા વિકાસના કોઈ કામો શરૂ કરાયા નથી, તો બીજી તરફ લોકોની ફરિયાદોનો પણ જલ્દી નિકાલ થતો નથી. 110 ચોરસ કિલોમીટરના વિસ્તારના વિકાસનો પડકાર છે, જેથી ધીમી ગતિએ પણ કામો શરૂ થવા અને લોકોને કાનડતી સમસ્યાઓનું સમાધાન કરવું જરૂરી છે. તો ચાર ગામનો મહા નગરપાલિકામાં સમાવેશ થયા બાદ હજુ સુધી ગાંધીધામ તાલુકા પંચાયતનો કોઈ નિર્ણય લીધો નથી. વહીવટી તંત્ર જિલ્લા પંચાયત મારફતે  સરકાર પાસે માર્ગદર્શન માગે છે, પણ કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. બિલ્ડિંગ જર્જરિત છે, સભ્યો યથાવત છે. જમીનની સોંપણી અંગે યોગ્ય નિર્ણય આવ્યો નથી. તે સહિતના અનેક પ્રશ્નો છે, તેના પ્રત્યુત્તર અત્યંત જરૂરી છે. - ભારાપરનો નિર્ણય લેવાતો નથી, લોકો પરેશાન  : ગાંધીધામ તાલુકાનું ભારાપર મનપા બન્યા બાદ નધણિયાતું થઈ ગયું છે. ગામ મનપા કે  પંચાયતમાં નથી, જેથી ભારાપરની સમસ્યાનો નિવેડો આવતો નથી. ગ્રામ પંચાયત માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે, પણ તે બાબતે સરકારમાંથી કોઈ નિર્ણય લેવાયો નથી, જેથી ગામના લોકોને માળખાગત સુવિધાઓ મળવી બાજુએ રહી, પણ સમસ્યાઓ હલ થતી નથી, ફરિયાદ કરવી તો ક્યાં કરવી તે મોટો પ્રશ્ન છે. લોકોની હેરાનગતિ યથાવત છે. - સરકારે તાલુકા પંચાયત પાસેથી મિલકતોનો રેકર્ડ માગ્યો : રાજ્ય સરકારે ગાંધીધામ તાલુકા પંચાયત પાસે તેની હેઠળની સરકારી મિલકતોનો રેકોર્ડ માગવામાં આવ્યો છે, જેના પગલે વહીવટી તંત્રે સરકારી પ્રાથમિક શાળાઓ, આરોગ્ય સેન્ટરો, આંગણવાડીઓ સહિતની જે પણ પંચાયત હેઠળ આવતી મિલકતો છે, તેનો રેકોર્ડ એકત્રિકરણ કરવામાં આવી રહ્યો છે અને આખો વિગતવારનો ડેટા સરકારને મોકલવા માટેની તજવીજ શરૂ કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd