• શુક્રવાર, 26 જુલાઈ, 2024

ગુજરાતનો ગરબો હવે વૈશ્વિક વારસો

અમદાવાદ, તા. 6 (પ્રતિનિધિ) : ગુજરાતનું ગૌરવ સમાન ગરબા ગુજરાત અને દેશના સીમાડા ઓળંગીને વૈશ્વિક ઓળખ બની ચૂક્યા છે ત્યારે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઈઝેશન એટલે કે, યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને વર્લ્ડ હેરિટેજ એટલે કે ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતીઓની આગવી ઓળખ સમા ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસોની યાદીમાં સ્થાન મળ્યું છે. ગરવા ગુજરાતના ગરવા ગરબાને યુનેસ્કોની યાદીમાં સ્થાન મળતાં મુખ્યમંત્રીથી લઇને પ્રત્યેક ગુજરાતીને ગર્વની લાગણીનો અનુભવ થઇ રહ્યો છે. યુનેસ્કોએ ગરબાને સાંસ્કૃતિક વારસામાં સ્થાન આપતાં આજે અંબાજી અને પાવાગઢમાં પણ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ગરબા એ એક ધાર્મિક અને ભક્તિપૂર્ણ નૃત્ય છે જે ગુજરાતમાં નવરાત્રિના હિન્દુ તહેવારના પ્રસંગે કરવામાં આવે છે, જે ત્રીશક્તિ અથવા `શક્તિ'ની ઉપાસનાને સમર્પિત છે. યુનેસ્કોએ ગુજરાતના પ્રતિષ્ઠિત ગરબાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાને યુનેસ્કોની યાદીમાં સ્થાન આપ્યું છે. ભારત સરકારે બે વર્ષ પહેલાં ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવવા પ્રસ્તાવ મુકાયો હતો, જે યુનેસ્કોએ સ્વીકાર્યો હતો.  આ યાદીમાં સ્થાન મેળવનાર ગુજરાતના ગરબા ભારતમાંથી 15મું આઈસીએચ એલિમેન્ટ છે. નૃત્ય સ્વરૂપ તરીકે ગરબા ધાર્મિક અને ભક્તિના મૂળમાં ઊંડે-ઊંડે જડાયેલું છે, જેમાં જીવનના તમામ ક્ષેત્રના લોકો સામેલ છે અને તે સમુદાયોને એકસાથે લાવતી જીવંત જીવન પરંપરા તરીકે આગળ વધતી રહે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, ગુજરાતની ઓળખ, ગૌરવ અને પ્રાચીન ધરોહર સમી સાંસ્કૃતિક-ધાર્મિક પરંપરાનું પ્રતીક એવા ગરબાને યુનેસ્કો દ્વારા `અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે ઓળખ આપવામાં આવી છે, જે પ્રત્યેક ગુજરાતી અને ગરબાપ્રેમી માટે ગૌરવની બાબત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતના સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસાને ગ્લોબલ ઓળખ અપાવવા માટે થઈ રહેલા સાર્થક પ્રયાસોનું આ ગૌરવપૂર્ણ પરિણામ ગરબાના સમૃદ્ધ અને પારંપરિક ઇતિહાસને વિશ્વફલક પર ઉજાગર કરશે. કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસનમંત્રી કિશન રેડ્ડીએ પણ ટ્વિટર પર પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, ગુજરાતના ગરબાને યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળ્યું એ રાષ્ટ્રીય ગૌરવસમી ક્ષણ છે. ગુજરાતના ગરબા વિશે યુનેસ્કોએ લખ્યું છે કે, ગરબા એ એક એવું ધાર્મિક અને આધ્યાત્મિક નૃત્ય છે, જે હિન્દુઓના તહેવાર નવરાત્રિ દરમિયાન રજૂ કરવામાં આવે છે, જે મા આદ્યશક્તિને સમર્પિત છે. દીવડાંઓ પ્રગટાવીને કે મા અંબાની છબી રાખીને આ નૃત્ય કરવામાં આવે છે, જેમાં ભાવિકો રાઉન્ડમાં ગરબા રમે છે. સંગીતના તાલો સાથે તાળીઓના નાદથી ગરબા રમવામાં આવે છે. પ્રારંભમા ગરબાની ઝડપ ધીમી હોય છે અને બાદમાં જોશ અને ઉત્સાહમાં પરિવર્તિત થઇ જાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang