• રવિવાર, 16 જૂન, 2024

સેન્સેક્સ પહેલીવાર 69000ને પાર

મુંબઈ, તા. 5 : શેરબજારની વિક્રમ રેલી સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી. સતત છઠ્ઠા સત્રમાં બજાર વધીને બંધ રહ્યું હતું. સેન્સેક્ષ 431.02 પોઈન્ટ્સ (0.63 ટકા)ના વધારા સાથે પહેલીવાર 69000ની સપાટીને પાર કરી ગયો હતો. વધીને 69,296.14 પોઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો. નિફટી 168.30 પોઈન્ટસ (0.81 ટકા) વધીને 20,855.10 પોઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો. બેન્ક નિફટી 580.85 પોઈન્ટ્સ (1.25 ટકા) વધીને 47,012.25 પોઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો. અદાણી જૂથના શેરોમાં ભારે તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં નબળાઈ હોવા છતાં બજારના સૂચકાંકો નવી વિક્રમ ઊંચાઈ સાથે શરૂઆત કરી હતી અને જેમ જેમ સત્ર આગળ વધતું ગયું તેમ બજારનો સુધારો આગળ વધતો ગયો હતો. સત્રની મધ્યમાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, પરંતુ છેલ્લા કલાકમાં નીકળેલી ખરીદીને કારણે બજાર દિવસની ઊંચાઈ પર બંધ રહ્યું છે. ઈન્ટ્રાડેમાં સેન્સેક્ષ 69,381.31 પોઈન્ટ્સની ઊંચાઈ ઉપર અને નિફટી 20,864.05ની ઊંચાઈ ઉપર પહોંચ્યો હતો. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂા. 3.06 લાખ કરોડ વધીને રૂા. 346.51 લાખ કરોડ થયું હતું. નિફટીમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ, પાવરગ્રીડ, એનટીપીસી અને એસબીઆઈના ભાવ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે એલટીઆઈ  માઈન્ડ ટ્રી, એચસીએલ ટેકનો, ડિવિઝ લેબ, એચયુએલ અને બજાજ ઓટોના ભાવ સૌથી વધુ ઘટયા હતા.બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ સાધારણ વધ્યા હતા. નિફટી બેન્ક ઈન્ડેકસ એક ટકાથી વધુ વધ્યો હતો અને ઈન્ટ્રાડેમાં 47,230.55 પોઈન્ટ્સની નવી વિક્રમ ઊંચાઈ ઉપર પહોંચ્યો હતો. અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ અને એસીસીમાં લોંગ બિલ્ડઅપ હતું, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સિયલ સર્વિસ, મન્નાપુરમ ફાઈનાન્સ અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્સિયલ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં શોર્ટ બિલ્ડઅપ થયું હતું. બીએસઈ ઉપર અદાણી પાવર, અદાણી પોર્ટ, ટીવીએસ 18 બ્રોડકાસ્ટ, વેલસ્પન કોર્પોરેશન, એબીબી, પાવરગ્રીડ, એનટીપીસી, એનએચપીસી, બીપીસીએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એમઆરએફ, ટ્રેન્ટ, એપોલો ટાયર્સ વગેરે શેર બાવન સપ્તાહની ઊંચાઈ પર પહોંચ્યા હતા. પાવર, ઓઈલ, ગેસ અને બેન્કિંગના શેરમાં નીકળેલી ખરીદીના પગલે બજારના સૂચકાંકો નવી વિક્રમ ઊંચાઈ પર પહોંચ્યા હતા. બજારના ખેલાડીઓ ભારતીય અર્થતંત્રની વિકાસ ગાથા ઉપર દાવ લગાડતા હતા. તાજેતરમાં ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને ઝળહળતી સફળતા મળતા બજારને દોડવું હતું અને ઢાળ મળ્યો તેવી વાત થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang