નવી દિલ્હી, તા. 27 : સોનિયા ગાંધીએ
22 ઓક્ટોબરના ઇન્સ્ટાગ્રામ અને
24મી ઓક્ટોબરના `એક્સ'
પર પદાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવવાના નિર્ણયના વિરોધમાં હતી, ક્યારેય નહોતી ઇચ્છતી કે રાજીવ વડાપ્રધાન બને, મારું
પુસ્તક આવવાથી કંઇક તમાશો જરૂર થશે. લોકો દાયકાઓથી મારી વાર્તા કહી રહ્યા છે. હવે મારો
વારો છે મારા વિશે લોકોને જણાવવાનો. સોનિયા ગાંધી પર લખાયેલું પુસ્તક `િબલોંગિંગ : એ જર્ની ઓફ લવ'નું 10મી નવેમ્બરના વિમોચન થશે. આ અંગેનો બીજો વીડિયો સોનિયાએ `એક્સ'
પર પોસ્ટ કર્યો હતો, જેમાં તેઓ પુસ્તકના પાનાં
ઊથલાવતાં પોતાના વિશે વાત કરતા દેખાય છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, લોકોએ મારા વિશે મનઘડત વાર્તા કરી હતી કે મારા વિશે વધુ પડતું કહીને રજૂ કરાઇ
હતી. તેથી મને લાગ્યું કે, હવે મને મારી પોતાની વાર્તા લખવી જોઇએ, તેના દ્વારા તથ્યો અને
બનાવોને અસલ સ્વરૂપે લોકો સમક્ષ રજૂ કરાય, તેમણે પહેલી `એક્સ'
પોસ્ટમાં કેબ્રિજ ખાતે રેસ્ટોરન્ટમાં રાજીવ સાથે મુલાકાત અને મિત્રતા બાદ પ્રેમની વાત કરી હતી. પુસ્તકના પાનાં ઊથલાવતાં
સોનિયાએ કહ્યું હતું કે, આમાં પ્રિયંકાના ઘણા ફોટા છે. તેમણે
જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી સાથે પહેલીવાર મળતાં તે તેમને
ગમી ગયા હતા અને લાગ્યું હતું કે, તે એવી વ્યક્તિ છે જેની સાથે
રહેવાનું પસંદ કરી શકાય. રાજીવનો સ્વભાવ સૌમ્ય હતો. રાજીવ સાથે લગ્ન કર્યા બાદ સોનિયાએ
ઈન્દિરા ગાંધીની મુલાકાત તથા નેહરુ-ગાંધી પરિવારમાં તેમને થયેલા અનુભવોનું વર્ણન કર્યું
છે. ઈન્દિરા અને રાજીવ ગાંધીની હત્યા બાદ તેમની જિંદગીમાં આવેલું પરિવર્તન જ તેમને
જાહેર અને રાજકરણમાં લઈ ગયું હતું તે વર્ણવ્યું છે. તેઓ નહોતા ઈચ્છતા કે તેમનું અંગત
જીવન જાહેરમાં આવે, તેથી રાજીવની હત્યા બાદ પણ તેઓ રાજકરણથી દૂર
રહ્યા હતા. 1991માં રાજીવની
હત્યા થઈ અને 1996 સુધી કોંગ્રેસ પક્ષ નબળો પડવા
લાગતાં 1997માં સોનિયાએ કોંગ્રેસનું પ્રાથમિક
સભ્યપદ લીધું હતું. તેના 62 દિવસ પછી
1998માં કોંગ્રેસ પ્રમુખ બન્યા
અને 2017 સુધી આ પદે રહ્યા હતા. તેમને
વડાપ્રધાન બનવાનો મોકો પણ મળ્યો હતો, પરંતુ ત્યારે તેમણે મનમોહન સિંહને પસંદ કર્યા હતા. જો કે, કહેવાય છે કે પડદા પાછળ રહીને સરકારની કમાન સોનિયા ગાંધીના હાથમાં જ હતી.