મુંદરા, તા. 27 : મુંદરામાં સ્વચ્છતા માટે મહત્ત્વના
એવા ડમ્પિંગ સાઇટનો લાંબા સમયથી ચર્ચાતો મુદ્દો
હવે નિર્ણય ભણી આવી ગયો છે. અગાઉ નક્કી થયેલી ડમ્પિંગ સાઇટને બદલે હવે સરકારની નવી
માર્ગદર્શિકા મુજબ કચરાનો માત્ર નિકાલ જ નહીં, પરંતુ અલગ પાડવા અને રિ-યુઝ કરી શકાય તેવું ઉત્પાદન કરતા પ્લાન્ટને સ્થાપવા
માટે ખારીમીઠી વિસ્તારમાં જમીન નક્કી કરી દેવામાં
આવી છે. આજે મળેલી મુંદરા બારોઇ નગરપાલિકાની સામાન્ય સભામાં નવા ધન કચરા વ્યવસ્થાનનાં
નિયમોને બહાલી તેમજ સૈનિકોને વેરામુક્તિ સહિતના ઠરાવો કરાયા હતા. અહીંના રોટરી હોલ
ખાતે સુધરાઈ પ્રમુખ ભોજરાજભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં એજન્ડા મુજબ,
મિનિટ્સ બહાલી અને એકાઉન્ટ વિભાગના ત્રિમાસિક હિસાબોને મંજૂરી અપાઈ હતી.
આ સાથે ચીફ ઓફિસર વૈભવ વ્યાસ દ્વારા કચરા નિકાલ નિયમો-2026ની જાણકારી અપાઈ હતી. આ તબક્કે
વિપક્ષ નેતા ઇમરાન જતે સવાલો ઉઠાવ્યા હતા કે, અગાઉ સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને
ગોયરસમા પાસે ડમ્પિંગ સાઈટ નક્કી થઈ હતી અને હવે અલગ સ્થાને સોલીડ વેસ્ટ સેગ્રિગેશન
પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે, તો શું સામાન્ય સભાનો ઠરાવ જરૂરી નથી ? માત્ર કારોબારી
સભામાં જ કેમ નિર્ણય લેવાયો છે ? અને આ નવા પ્લાન્ટ માટેનાં સ્થળની
જાણકારીનો લોકોને અધિકાર છે. આ બાબતે પ્રતિભાવ અપાયો હતો કે, સર્વે નં. 141 પૈકીના ખારીમીઠી
વિસ્તારમાં આ પ્લાન્ટ માટેની જગ્યા નક્કી થઈ છે. અગાઉ, ડમ્પિંગ સાઈડ હતી. સરકાર તરફથી ટૂંક સમયમાં
જરૂરી મંજૂરી આવી જશે, પ્રક્રિયા જારી છે.આ ઉપરાંત ગ્રામ હાટ
(મામલતદાર કચેરી નજીક)નાં રિનોવેશનની કામગીરીનો અધ્યક્ષસ્થાનેથી ઠરાવ મુકાયા બાદ જણાવાયું
કે, આ પાંચ દુકાનોનું જરૂરી નવીનીકરણ કરીને અંદાજિત રૂા. 2500ના ભાડાં સાથે ભાડે અપાશે, જેથી નગરપાલિકાને આવક થાય, વધુમાં મુંદરામાં ઐતિહાસિક હંસ ટાવરનાં પુન:નિર્માણ વાતો વચ્ચે પ્રમુખ શ્રી
ગઢવીએ જાહેરાત કરી હતી કે, અગાઉ દાતા દ્વારા દસ લાખની રકમની તૈયારી
થઈ હતી, પરંતુ હવે તેને ધ્વસ્ત કરીને પૂર્ણ નવનિર્માણ કરવા માટે
પૂર્વ રાજ્યમંત્રી સ્વ. તારાચંદભાઈ છેડા પરિવાર તરફથી રૂ. 40 લાખની રકમનાં દાનની જાહેરાત
કરાઇ છે. વધુમાં, તા.29મીથી મુંદરામાં પાંજરાપોળ મેદાનમાં સ્વદેશી
મેળો યોજવાની જાહેરાત સાથે ભોજરાજભાઈએ કહ્યું કે,
મુંદરામાં સૈનિકો, માજી સૈનિકો કે તેમના વિધવા
પત્નીઓ રહેતા હોય તેવા પરિવારની મિલકત પર વેરાની મુક્તિનો નગરપાલિકાએ નિર્ણય કર્યો
છે, જેને તમામ સભ્યોએ આવકાર આપ્યો હતો. આ સિવાય સભા દરમિયાન શહેરી
વિકાસ યોજનાની રૂ. 10 કરોડની ગ્રાન્ટનાં
આયોજન, શહેરી સડક યોજનાના રૂ. 2.70 કરોડોની ગ્રાન્ટનાં કામોનાં
આયોજન અને વિવેકાધીન ગ્રાન્ટનાં મજૂરી કામોને બહાલી આપવામાં આવી હતી. સભામાં સુધરાઇ
ઉપપ્રમુખ આશાબેન સોરઠિયા, કારોબારી ચેરમેન
ધર્મેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષના નેતા દિલીપ ગોર, દંડક પ્રકાશ ઠક્કર, મંચસ્થ રહ્યા હતા. સુધરાઈના પૂર્વ
મહિલા અધ્યક્ષા રચનાબેન જોશી તેમજ શાસક પક્ષના
કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષી નગરસેવકો નિમિતાબેન પાતારિયા, જાવેદ પઠાણ તેમજ ફારૂક સુમરાએ તેમના વોર્ડ તેમજ શહેરના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા
હતા, જેને ઉકેલવા ખાતરી
ઉચ્ચારાઈ હતી.