ભુજ, તા. 27 : ખાણ ખનિજ વિભાગ અને ફ્લાઇંગ સ્કવોડ દ્વારા અંજાર તાલુકાના વરસામેડી
અને અબડાસા તાલુકાના વિંઝાણમાં પડાયેલા બે અલગ-અલગ દરોડામાં સાદી માટી અને સાદી રેતીનું
ગેરકાયદે ખનન ઝડપી પાડી બંને સ્થળેથી એક કરોડનો મુદ્દામાલ ઝડપાયો હતો. બીજીબાજુ માધાપર
અને રાઘા ગામમાં અનધિકૃત રેતી ખનન પડકાયું હતું. કલેક્ટર કચ્છનાં માર્ગદર્શન હેઠળ મદદનીશ
નિયામક, ફ્લાઇંગ સ્કવોડની કચેરી દ્વારા બાતમીના આધારે
ખાનગી વાહનથી અંજાર તાલુકાના વરસામેડી ગામને લાગુ સીમ વિસ્તાર ખાતે તપાસ હાથ ધરવામાં
આવી હતી. તપાસ દરમ્યાન એક એસ્કેવેટર મશીન તથા એક ડમ્પર દ્વારા સાદી માટી ખનિજનું ગેરકાયદે
ખનન તથા વહન કરતાં અટક કરી, સિત્તેર લાખની કિંમતનો મુદ્દામાલ
કબજે કરવામાં આવ્યો હતો. વિંઝાણ નદીપટ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન, ખનિજ વહન અને ખનિજ સંગ્રહની પ્રવૃત્તિઓને અટકાવવા ભૂસ્તરશાસ્ત્રી ડી. એસ. બારિયાનાં
નેતૃત્વમાં ખાણ અને ખનિજ વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. વિંઝાણ
નદીપટ વિસ્તારમાં ગેરકાયદેસર સાદી રેતીનું ખનન અને વહન થતું હોવાની બાતમી તપાસ ટીમને
મળતાં કાર્યવાહી ગુપ્ત રહે અને ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને તેની જાણ ન થાય
તે હેતુથી ટીમ ખાનગી વાહન મારફતે સ્થળ પર પહોંચી હતી. રાત્રિના સમયે ટીમ દ્વારા ત્રણ
કલાક સુધી વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને વહન
થતું હોવાનું જણાતાં ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી એક લોડર તથા એક ડમ્પર
જપ્ત કર્યાં હતાં. જપ્ત કરાયેલાં બંને વાહનોને કોઠારા પોલીસ સ્ટેશનની કસ્ટડી હેઠળ રાખવામાં
આવ્યાં છે. જપ્ત કરાયેલાં વાહનો તથા મુદ્દામાલની કિંમત રૂા. 30 લાખ જેટલી થાય છે. સમગ્ર પ્રકરણમાં
લાગુ પડતા કાયદાકીય નિયમો અનુસાર ભૂસ્તરશાસ્ત્રી દ્વારા આગળની દંડકીય કાર્યવાહી હાથ
ધરવામાં આવશે. જ્યારે એલ.સી.બી.એ કાર્યવાહી
કરી માધાપરમાંથી 40 ટન રેતી સાથે બે શખ્સોને પકડી લીધા હતા. આ જગ્યાએ માટીના અન્ય
નાના-મોટા ઢગલા પણ મળ્યા હતા. બીજી બાજુ મુંદરાના રાઘા ગામની સીમમાં 28.330 ટન મોરમ સાથે બે શખ્સ મળી આવ્યા
હતા. પશ્ચિમ કચ્છ એલ.સી.બી.ની ટીમે અનઅધિકૃત ખનન ઉપર તથા હેરફેર અને સંગ્રહ ઉપર તવાઈ
બોલાવી છે. માધાપર પોલીસ મથક હેઠળ આવતી જોગમાયા હોટેલની પાછળના ભાગે પોલીસે છાપો માર્યો
હતો. અહીં રેતીની હેરાફેરી કરવાના હેતુથી અનઅધિકૃત રીતે 40 ટન જેટલો જથ્થો સંગ્રહ કરવામાં
આવ્યો હતો. આ જગ્યાએથી ભુજોડીનો અનવર કરીમ
સુમરા તથા ઝુરા ગામનો સુલ્તાન ઈબ્રાહિમ જટ નામના શખ્સો મળી આવ્યા હતા. આ બંને પાસે
પાસ પરવાના મળ્યા નહોતા. તેમની પાસેથી ટ્રેઈલર નંબર જી.જે.-08- એ.એલ.-1990 તથા મશીન નંબર જી.જે.-12-સી.ટી.- 1151 જપ્ત કરાયાં હતાં. આ જગ્યાએ
અન્ય નાના-મોટા રેતીના ઢગલા મળી આવ્યા હતા. આ મુદ્દામાલ જપ્ત કરી તેની જાણ ખાણ ખનિજ
વિભાગને કરવામાં આવી હતી. બીજી બાજુ રાઘા ગામની સીમમાં મોરમ માટીનું અનઅધિકૃત રીતે
ખનન થઈ રહ્યું હતું, ત્યારે એલસીબી
ત્રાટકી હતી અને વાહનચાલકો વિજયસિંહ ગુમાનસિંહ રાઠોડ (રહે. પત્રી) તથા રજનીશ મીઠાઈલાલ
પાલ (મૂળ ઉત્તરપ્રદેશ, હાલ રાઘા)ને ઝડપી લેવાયા હતા. અહીં આ ગેરકાયદેસર
ખનન વાહનમાલિક ગોપાલ વિરમ ગઢવી કરાવતો હોવાનું બહાર આવ્યું હતું. અહીંથી હાઈવા નંબર
જી.જે. -08-એ.યુ.-2044 તથા હિટાચી મશીન સાથે 28.330 ટન મોરમ માટી જપ્ત કરાઈ હતી.
બનાવ અંગે ખાણ ખનિજ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. આ બંને પ્રકરણોમાં હવે ખાણ
ખનિજ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.