ભુજ, તા. 27 : કોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી
1 નવેમ્બર-2026ના દિલ્હીના રામલીલા મેદાન
ખાતે યોજાનારી `મત બચાવો, દેશ બચાવો' અંતર્ગત મહારેલીમાં
દરેક ભારતવર્ષના લોકોને જોડાવા આહ્વાન કરાયું
છે. નવી પેઢીને આઝાદ દેશ આપવા કોંગ્રેસના સક્રિય પ્રયાસમાં સહભાગી થવા કચ્છના
લોકો પણ વધુમાં વધુ રેલીમાં જોડાય તે માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુરોધ
કરાયો હતો. કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત કોંગ્રેસ ઓબીસી
મોરચા પ્રમુખ મહેશ રાજપૂત દ્વારા સ્વાગત સંબોધન બાદ ઉપસ્થિત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ-એઆઇસીસી
નિરીક્ષક સુનીલ કેદારજીએ જણાવ્યું હતું કે, આ રેલી માત્ર રાજકીય
પક્ષ પૂરતી સીમિત નથી, પરંતુ નાગરિકોના મતાધિકાર, લોકશાહી, દેશના સંવિધાન બચાવ, મત
બચાવ અને દેશ બચાવની રેલી છે. ચૂંટણી પ્રક્રિયા, ઇવીએમ મશીન દ્વારા
આચરવામાં આવતી ગેરરીતિના આક્ષેપ સાથે અવ્યવસ્થાના ઉકેલરૂપે રેલીનું આયોજન કરાયું હોવાનું
ઉમેર્યું હતું. આ લડત દ્વારા નવી પેઢીને આઝાદ દેશ આપવા માટેની કોંગ્રેસની સક્રિયતા
વર્ણવી હતી. જેન-ઝી નવી પેઢી શું કરી શકે તે સોશિયલ મીડિયામાં પ્રત્યક્ષ છે તેવું ઉદાહરણ
આપી આ આંદોલન દ્વારા મહાત્મા ગાંધીના વિચારોને જીવંત રાખી એકસૂત્રે જોડાવા આગળ આવવા
અનુરોધ કરાયો હતો. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે વોટચોરી, નામ કમી કરવાની અરજીઓ અપાઇ હોવાના, એસઆઇઆરમાં મતદારયાદીમાં
ચેડાં કરાઇ રહ્યાં હોવાના આક્ષેપો કર્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ યજુવેન્દ્રસિંહ
જાડેજા, ઉપપ્રમુખ રામદેવસિંહ જાડેજા, મહામંત્રી
ગનીભાઇ કુંભાર વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.