નખ્ખોદ જાય અલ નીનો તારું... ઓક્ટોબરની આખર ચાલી રહી છે અને
બપોરે ઉનાળો હોય તેવો ધોમધખતો તાપ, બન્ની-પચ્છમ, અબડાસા, નખત્રાણા,
ભુજ તાલુકાનો અંતરિયાળ ભાગ, મુંદરા-માંડવી પંથકના
ગ્રામીણ ક્ષેત્રમાં ખાલીખમ ડેમ-તળાવો, કપરા સમયના સામનાથી ફફડતા
માલ સાથે હિજરતે નીકળી પડેલા પશુપાલકો, ગાંઠની પૂંજી ખર્ચી નાખીને
સૂકા ખેતર તરફ નિ:સાસા નાખતા ખેડૂતો... શહેરોમાં પાણી વિતરણ કાપ... કચ્છની આ વર્તમાન
સ્થિતિ છે. એટલે જ સ્તો મેઘરાજાને કચ્છનો ભાગ્યવિધાતા કહેવાય છે. એ રીઝે તો બેડો પાર
અને રૂઠે તો કાળમુખો દુકાળ. આ વખતે અલ નીનોના પ્રભાવ હેઠળ ગુજરાત અને દેશમાં ચોમાસું
છિન્નભિન્ન થયું, એમાં કચ્છ સહિત કેટલોક ભાગ મેઘકૃપાથી વંચિત
રહી ગયો. ચોમેર ઘાસ-પાણીની અછતની ઊઠતી બૂમ વચ્ચે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે સંવેદનશીલ
નિર્ણય લઇને કચ્છ ઉપરાંત જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં
દુષ્કાળની જાહેરાત કરતાં લોકોને મુશ્કેલ પરિસ્થિતિને પાર કરી જવાની ધરપત પેઠી છે. મુખ્યમંત્રીના
વડપણ હેઠળ મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણય પરિસ્થિતિ અનુરૂપ તો છે જ, સાથે તેમાં લોકોની પીડાને મલમપટ્ટો કરવાનો સદ્ભાવ સ્પષ્ટ વર્તાય છે. સીમાવર્તી
કચ્છ માટે અછત, અર્ધઅછત કે દુષ્કાળ નવી વાત નથી. 1985થી 1989ના ગાળામાં લગાતાર ચાર ભીષણ
દુષ્કાળે દારૂણ સ્થિતિ સર્જી હતી. એ પછી પણ સમયાંતરે બે-ત્રણ વર્ષે ચોમાસું વીતે એટલે
મેઘમહેરનો હિસાબ-કિતાબ મંડાતો. અછત કે દુષ્કાળ જાહેર કરવાના વિશેષ નિયમો છે. સરકાર
અછતગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરાવે, આનાવારી નક્કી થાય એ પછી નિર્ણય લેવાય. ચોમાસાનો કુલ વરસાદ પાંચ ઇંચ થઇ ગયો
હોય તો અછત ન મળે એ પ્રસ્થાપિત નિયમ. સરકારો હવે આવા નિયમોના કોચલામાંથી બહાર આવીને
નિર્ણય લેતી થઇ છે. સીએમ ભૂપેન્દ્રભાઇએ કહ્યું છે કે, ભારત સરકારની
દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા-2016 મુજબ સ્થિતિનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા હાથ ધરીને નિર્ણય
લેવામાં આવ્યો છે. કચ્છમાં રાહતદરે (બે રૂપિયે પ્રતિ કિલો) ઘાસચારો તો બે મહિના પૂર્વેથી
પૂરો પાડવામાં આવી રહ્યો છે. એ ઉપરાંત અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂા. 8500ની સહાય, મહત્તમ બે હેક્ટર મર્યાદાંમાં અપાશે,
ગ્રામીણ લોકોને 150 માનવદિન રોજગારી, પશુ કેમ્પમાં પશુદીઠ રૂા. 80 દૈનિક સહાય ચૂકવવાનીય જાહેરાત કરવામાં આવી છે. અલબત્ત, ધરતીપુત્રોને સહાયની જાહેરાતમાં કચવાટ છે. દુષ્કાળનો
અમલ 1લી નવેમ્બરથી થવાનો છે અને હજુ વિસ્તૃત
પરિપત્ર જાહેર નથી થયો. ભૂતકાળમાં ભ્રષ્ટાચાર અને ખાયકીનું માધ્યમ બનેલા ઢોરવાડા ચાલુ
કરવાની મંજૂરી મળશે કે કેમ એ જોવાનું રહેશે. કેમ કે,
કચ્છની પાંજરાપોળ અને ગૌશાળાઓને પશુદીઠ દૈનિક 35 પ્રમાણે સબસિડી ચૂકવાય જ છે.
મહેસૂલી તંત્રના અછત કામગીરીના અનુભવીઓના કહેવા મુજબ અછતને બદલે દુષ્કાળની જાહેરાતનો
નિર્ણય મહત્ત્વનો છે. કેમ કે, ખેડૂતાને
પણ નુકસાન સહાયનો લાભ મળશે. ખેડૂતો, શ્રમિકો, પશુપાલકો અને હજારો ઢોર-ઢાંખરને નિયમોની આંટીઘૂંટી સાથે સંબંધ નથી હોતો. ભરપૂર
વરસાદ ઝંખતા આ વર્ગને રાજ્ય સરકારના નિર્ણયથી આગામી કપરો સમય વીતાવવામાં રાહત મળશે
એમ કહી શકાય. ભૂપેન્દ્ર પટેલ સરકારનો નિર્ણય 1લી નવેમ્બરથી લાગુ થતાં લાખો અબોલ જીવો
અને તેની સાથે સંકળાયેલા લોકો-સંસ્થાઓને પ્રાણવાયુ મળશે. અછત અંગેનાં કામો, આયોજન અને તેના અમલીકરણમાં પ્રજા અને તંત્ર
વચ્ચે સુસંકલન રહેશે તો જ કપરું વરસ પાર કરી શકાશે. એક વર્ગ અછત કે દુષ્કાળના સમયગાળામાં
ખોડું કરીને કમાઇ ખાવામાં માહેર છે. આ વખતે ચૂકવણાની પારદર્શક પ્રક્રિયા અને કડક નિયમન
દ્વારા ભ્રષ્ટાચારી તત્ત્વો ફાવે નહીં એવી ચીવટ રાખવી પડશે. વરસાદે કચ્છને તરસ્યું
રાખી દીધા પછી આગામી નવ મહિના પસાર કરવાના છે. પાણીનો પ્રશ્ન એ કપરો છે. નર્મદાની લાઇનનો
સધિયારો ખરો. સૌરાષ્ટ્ર માટે સૌની યોજના અંતર્ગત જળાશયો ભરાય એ રીતે કચ્છમાં પણ નર્મદાનાં
વધારાનાં પાણીની પાઇપલાઇન યોજનામાં ગતિ લાવીને જળાશયોમાં પાણી ઠલવાય તો ઘણી રાહત થઇ
શકે.