• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

ગાંધીધામના ટાગોર રોડ ઉપર થતું દબાણ

ગાંધીધામ, તા. 27 : કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ અને આદિપુરને જોડતો   આઠ કિલોમીટરનો ટાગોર  રોડ સિકસ લેન છે, પરંતુ ખાસ કરીને સુંદરપુરીથી ઈફકો સુધી તો દબાણોની વણઝાર છે, પરંતુ હવે  દબાણ એટલી હદે વધી ગયાં છે કે, રોડ ઉપર જ  રમકડાંઓ ગોઠવી દેવાયાં છે. આ સ્થિતિના કારણે ટાગોર રોડ કયારે સલામત  કે વ્યવસ્થિત બનશે તે અંગે સવાલ ઊભો થયો છે. રોડ ઉપર થયેલાં દબાણો અનેક વખત હટયાં અને ત્યાર બાદ ફરી જૈસૈ થે જેવી જ સ્થિતિ. આવું અનેક વખત થયું, પરંતુ છ માર્ગીય આ રોડને જવાબદાર તંત્ર દબાણની પીડામાંથી મુકત નથી કરી શકયું. આ દબાણોના કારણે ટ્રાફિકના સુચારુ પરિવહન માટે સિકસ લેન બનાવવાનો હેતુ બર નથી આવ્યો અને આ માર્ગ ઉપર સમયાંતરે અકસ્માતોના બનાવ રોજિંદા બની ગયા છે.   નવરાત્રિના સમયમાં ચણિયાચોળીની બજાર ઊભી થતાં ગાંધીધામથી આદિપુર જતા  માર્ગમાં બજાર સુધી  વાહનોના ખડકાલાનાં કારણે બે લેન અવરોધાયેલી જ રહેતી હતી.  આ ઉપરાંત રોટરી સર્કલથી આદિપુર સુધી રાત્રિના ઠેર-ઠેર ખાણીપીણીની લારીઓનાં કારણે   પણ  રોડ ઉપર વાહનો ઊભાં રહેતાં હોવાથી  અકસ્માતની દહેશત સતાવતી રહે છે.  આ સમસ્યા ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી  ખાસ કરીને આદિપુર પાસે નાના વેપારીઓ રસ્તા ઉપર જ રમકડાં ગોઠવીને બેઠેલા જણાય છે, જેના કારણે વાહનચાલકોની સાથે નાના વેપારીઓની સલામતી પણ જોખમાઈ છે. ઘણા નાના વેપારીઓ તેમનાં બાળકોને સાથે લાવે છે. બાળકો નજીકમાં રમે છે, અને ઝડપથી ચાલતાં વાહનો વચ્ચે, ગમે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના બની શકે છે. આવી સ્થિતિમાં, મોટા અકસ્માતની રાહ જોવી યોગ્ય નથી. જવાબદાર તંત્ર માત્ર ખેલ જોઈ રહ્યું હોય તેમ હજુ સુધી આ દિશામાં કોઈ પગલાં લેવાયાં ન હોવાનું જાણકારો આક્રોશ સાથે જણાવી  રહ્યા છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd