• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

અભિષેકની ઝંઝાવતી સદી, ભારતની શ્રેણી જીત

વાલિંગ્ટન, તા. 27 : ભારતીય ડાબોડી ઓપનર અભિષેક શર્માએ પાવર-હાટિંગ કરીને ફટકારેલી તોફાની સદીના સહારે ભારતે ત્રીજી ટી-20માં ન્યૂઝીલેન્ડને છ વિકેટે કારમી હાર આપીને શ્રેણી કબજે કરી હતી. શર્માએ માત્ર 35 બોલમાં સદી ફટકારી ન્યૂઝીલેન્ડના બાલિંગ આક્રમણના લીરેલીરા ઉડાવી દીધાં હતાં. અભિષેકનાં આ તોફાનના જોરે ભારતે સિરીઝમાં 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.  અભિષેકે 38 બોલમાં 113 રનની ધુંઆધાર ઇનિંગ્સ રમી હતી. તેના આક્રમણની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડે આપેલા 199 રનના પડકારજનક લક્ષ્યાંકને માત્ર 13.2 ઓવરમાં, એટલે કે 40 બોલ બાકી રાખીને સરળતાથી સર કરી લીધો હતો. અભિષેક શર્માને વૈભવ સૂર્યવંશી તરફથી વિસ્ફોટક સાથ મળ્યો હતો. બંનેએ પ્રથમ ઓવરથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. અભિષેકે માત્ર 15 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી લીધી હતી.  આઠમી ઓવરમાં મેથ્યુ ફિશરે આ ભાગીદારી તોડી હતી અને વૈભવ સૂર્યવંશી 19 બોલમાં 45 રન બનાવી આઉટ થયો હતો. જો કે, ત્યારબાદ પણ અભિષેકે સંજુ સેમસન સાથે મળીને આક્રમણ જાળવી રાખ્યું હતું અને આઠ ઓવરના અંતે ભારતીય સ્કોરને એક વિકેટે 156 રન સુધી પહોંચાડીને ટીમના વિજયનો પાયો પાકો કરી દીધો હતો. અગાઉ, ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બાલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ન્યૂઝીલેન્ડે ડેરીલ મિશેલની 52 બોલમાં 89 રનની અણનમ ઇનિંગ્સના બળે 20 ઓવરમાં ત્રણ વિકેટે 198 રનનો સ્પર્ધાત્મક સ્કોર નોંધાવ્યો હતો. એલને 25 દડામાં 40, જેકબ્સે 23 દડામાં 39 રન કર્યા હતા. ભુવનેશ્વર વિકેટ વિહોણો રહ્યો હતો, અક્ષર, અર્શદીપ અને નીતિશને એક-એક વિકેટ મળી હતી.ભારતીય ટીમ મેનેજમેન્ટે સંજુ સેમસનને ત્રીજા ક્રમે રાખી વૈભવ સૂર્યવંશી પાસે ઇનિંગ્સની શરૂઆત કરાવી હતી, જે વ્યૂહરચના સંપૂર્ણપણે સફળ સાબિત થઈ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd