સરકાર કે અદાલત દ્વારા લાગુ કરાતા પ્રતિબંધ કોના માટે હોય છે? અને આ બંધીનું પાલન બરાબર થાય છે કે નહીં એ
જોવાની જવાબદારી કોની? અને સૌથી મહત્ત્વનો સવાલ-આવા પ્રતિબંધોનું
મહત્ત્વ કેટલું? હાલમાં જ જાહેર સ્થળોએ ફટાકડા ન ફોડવા પર આખું
વર્ષ મૂકેલા પ્રતિબંધનું દશેરા-દુર્ગા વિસર્જન નિમિત્તે થયેલા છડેચોક ઉલ્લંઘનને લઈને
મુંબઈ ઉચ્ચ અદાલતે દુ:ખ અને ચિંતા વ્યક્ત કરવા સાથે નોંધ્યું છે કે-સરકારી તંત્ર આ
આદેશની અમલ બજાવણીમાં મંદ હતું અને પોલીસ ખાતું પણ ઉલ્લંઘનો પર નિયંત્રણ લાવવામાં નિષ્ફળ
રહ્યું છે. અહીં સવાલ એ પણ થાય કે, શું પ્રતિબંધનો આદેશ આપી દેવાથી
કામ પતી જાય છે? એક રીતે આખું વર્ષ એક યા બીજી બાબત પર પ્રતિબંધનું
ચલકચલાણું ચાલ્યા કરે છે. હાલમાં જ ગણેશોત્સવ પહેલાં જ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ
પર પ્રતિબંધ મુદ્દે દર વર્ષની જેમ આ વખતે બહુ મોડું થઈ ગયું છે, મૂર્તિઓ બની ગઈ છે, આથી પ્રતિબંધ લાગુ નહીં થઈ શકે,
એવો સીન ભજવાઈ ગયો. વળી, પ્લાસ્ટિકની થેલીઓ પર
પ્રતિબંધના કેવા લીરા ઊડે છે અને પાછલે બારણે ઠાઠથી આ થેલીઓ ફરી બજારમાં ફરતી થઈ જાય
છે, એ સર્વવિદિત છે. પ્રતિબંધનો અર્થ જબરદસ્તી એવું ચિત્ર ઉપસ્યું
છે અને કાં તો આ મોરચે હોતા હૈ, ચલતા હૈનો અભિગમ તંત્ર અને નાગરિકો
બન્નેનો હોય છે. સિંગાપોર, કોરિયા કે નેધરલેન્ડ્સ જેવા દેશોની
પદ્ધતિને યાદ કરવા જેવી છે, અહીં ફટાકડાના ઉત્પાદન અને વેચાણ
પર સંપૂર્ણ બેન છે અને ચોક્કસ દિવસો-તારીખોએ સરકાર જાહેરમાં આતશબાજીના કાર્યક્રમો યોજે
છે અને લોકો ભેગા મળી તેનો આનંદ માણે છે. આ દિશામાં વિચાર થઈ શકે છે.