નલિયા, તા. 27 : અબડાસા તાલુકાના મુખ્ય મથક
સમાન કોઠારા ગામમાં માર્ગ નિર્માણ અત્યંત ધીમી કામગીરીના કારણે જાણે ફરી કોરોનાકાળ
જેવી સ્થિતિ સર્જાઈ છે અને ગામનો સંપર્ક કપાઈ ગયો હોય તેવો તાલ સર્જાયો છે. કોઠારા
પોલીસ સ્ટેશનથી વીજકચેરી સુધી અને ત્યાંથી આગળ હાઈવે તરફ જતા ગામના બંને મુખ્ય રસ્તા
છેલ્લા 15 દિવસથી એકસાથે ખોદી નાખવામાં
આવ્યા છે. આ બંને માર્ગો ખોદી નાખ્યા બાદ કામગીરી કાચબા ગતિએ ચાલતી હોવાથી સમગ્ર ગામ
જાણે બાનમાં મુકાયું છે. રસ્તો બંધ હોવાના કારણે બહારથી આવતી તમામ એસ.ટી. બસો ગામમાં
પ્રવેશવાને બદલે છેક એક કિલોમીટર દૂર હાઈવે પર જ ઊભી રહી જાય છે. જેના કારણે વૃદ્ધો, દર્દીઓ અને સામાન્ય મુસાફરોએ સામાન સાથે એક
કિલોમીટર સુધી પગપાળા ચાલવું પડે છે અથવા તો નાછૂટકે છકડા-રિક્ષાવાળાઓને 100 રૂપિયા જેટલું ઊંચું ભાડું
ચૂકવીને ગામમાં આવવું પડી રહ્યું છે. આ ઉપરાંત વહેલી સવારે શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ
પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ દિવાળી જેવા મોટા તહેવારોનો સમય હોવા
છતાં ગામના રસ્તાઓ બંધ હોવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરીદી માટે આવતા ગ્રાહકો
અટકી ગયા છે. એક કિલોમીટર ચાલીને બજારમાં ખરીદી કરવા કોઈ આવતું ન હોવાથી સ્થાનિક વેપારીઓનો
વેપાર-ધંધો સાવ ઠપ થઈ ગયો છે અને વેપારી આલમ ભારે આર્થિક ચિંતામાં મુકાઈ ગઈ છે. વર્ષોની
લાંબી પ્રતીક્ષા બાદ મંજૂર થયેલા આ રસ્તાના કામમાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર
થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કોઠારા ગ્રામ પંચાયતના ઉપસરપંચ મામદશા સૈયદે કર્યો છે.
તેમણે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, એજન્સી દ્વારા નિર્ધારિત વર્કઓર્ડર મુજબ કામ કરવાને બદલે વેઠ ઉતારવામાં આવી
રહી છે. જો નિયમ અને ગુણવત્તા મુજબ તાત્કાલિક કામ કરવામાં નહીં આવે તો સમગ્ર ગ્રામજનોને
સાથે રાખીને આ ચાલતું કામ સ્થળ પર જ બંધ કરાવી દેવામાં આવશે. તંત્ર તાકીદે આ મામલે
દરમિયાનગીરી કરી માર્ગનું કામ વહેલી તકે અને યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ કરાવે તેવી
માંગ ઊઠી છે.