બેંગ્લોર, તા. 27 : કર્ણાટકમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ
રિવિઝન (સર) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીપંચ દ્વારા અંતિમ મતદારયાદી જાહેર કરી દેવામાં
આવી હતી. સામે આવેલા સત્તાવાર આંકડા અનુસાર, રાજ્યના આશરે 1.08 કરોડ મતદારના
નામ અંતિમ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે. કુલ મતદારોના લગભગ 19.48 ટકા જેટલા થાય છે. એન્યુમરેશન
ફોર્મ જમા ન થવા તેમજ વેરિફિકેશન પ્રક્રિયાને પગલે આ નામો કમી કરાયા છે. ચૂંટણીપંચની
સઘન તપાસ અને સુનાવણી બાદ 61,867 લોકોને
અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે
કુલ 4.46 કરોડ પાત્ર મતદારને આખરી યાદીમાં
સ્થાન મળ્યું હતું. મતદારયાદીને સંપૂર્ણ સચોટ અને પારદર્શક બનાવવા માટે પંચે મોટા પાયે
એએસડીડી એટલે કે ગેરહાજર, કાયમી સ્થળાંતરિત,
મૃત્યુ પામેલા અને ડુપ્લિકેટ મતદારોની ઓળખ કરી છે. આંકડા મુજબ 65,45,679 મતદાર (11.81 ટકા) કાયમી ધોરણે અન્ય સ્થળે
સ્થળાંતરિત થઇ ગયા છે. 19,00,926 મતદાર
(3.43 ટકા) પોતાના નોંધાયેલા સરનામે
ગેરહાજર મળ્યા હતા. 16,39,864 મતદાર
(2.96 ટકા) મૃત્યુ પામ્યા હોવાનું
સામે આવ્યું હતું. 7,09,870 મતદાર
(1.28 ટકા)ના નામ ડુપ્લિકેટ અથવા
એક કરતાં વધુ સ્થળે નોંધાયેલા હતા. સમગ્ર પ્ર્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહે તે માટે
અધિકારીઓ દ્વારા કુલ 43,82,824 નોટિસ
પાઠવવામાં આવી હતી અને તમામ કેસોમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીના અંતે
43,20,957 કેસને અંતિમ યાદીમાં સમાવવા
માટે સુરક્ષિત રખાયા છે. આ ઉપરાંત અન્ય 4,02,53,151 યોગ્ય મતદારને પણ યાદીમાં સામેલ કરાયા છે. જો કે, નોટિસ અને
તપાસ બાદ 61,867 મતદાર
અયોગ્ય સાબિત થતાં તેમને અંતિમ યાદીમાંથી કાયમ માટે બાકાત કરવામાં આવ્યા હતા. કર્ણાટકના
મુખ્ય ચૂંટણી કમિશનર અંબુ કુમારે મતદારયાદી અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, 16 જૂન-2026 સુધી મતદારયાદીમાં નોંધાયેલા
આશરે 5.54 કરોડ મતદારમાંથી અંદાજે 1.08 કરોડ મુસદ્દા સૂચિમાં નહોતા, જેમાં લગભગ 18 લાખ મૃત્યુ પામેલા અને આશરે
7 લાખ ડુપ્લિકેટ મતદાર હતા. આમ, લગભગ 25 લાખ મતદારો
કાં તો મૃત હતા અથવા ડુપ્લિકેટ હતા. મુસદ્દા યાદીમાંથી બહાર રહેલા લોકોમાંથી અમે છેલ્લા
અઢી મહિનામાં 8.19 લાખથી વધુ મતદારોની નવી નોંધણી
કરી શક્યા છીએ અને આ ઝુંબેશ આગળ પણ ચાલુ
રહેશે. જે પણ પાત્ર નાગરિકોના નામ છૂટી ગયા હોય તેઓ ફોર્મ 6 ભરીને અરજી કરી શકે છે. ચકાસણી બાદ તેમના
નામ ઉમેરી દેવાશે, એમ તેમણે જણાવ્યું હતું.