• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

નર્મદાને લગતા દાયકાઓ જૂના પ્રશ્નોનું સમાધાન

હૃષીકેશ વ્યાસ તરફથી : અમદાવાદ, તા. 27 : નવી દિલ્હી ખાતે કેન્દ્રિય જલશક્તિ મંત્રી સી.આર. પાટિલની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીની રિવ્યૂ કમિટી-RCNCAની 15મી બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ ઉપરાંત નર્મદા યોજનાના સહભાગી રાજ્યો એવા રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ વીડિયો કોન્ફરન્સ માધ્યમથી જોડાયા હતા. અગાઉની જુલાઈ-26માં યોજાયેલી બેઠકમાં થયેલા મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટને સહભાગી રાજ્યોએ આ બેઠકમાં અનુમોદન આપ્યું હતું. આ સાથે, નર્મદા સંબંધિત લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે પરસ્પર સમજણ, સહમતી અને સંકલનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું. બાકી રહેલા અન્ય મુદ્દાઓનું નિરાકરણ પણ ભવિષ્યમાં સંવાદ, સમજણ અને સહકાર દ્વારા લાવવા માટે સકારાત્મક અભિગમ આ બેઠકમાં અપનાવવામાં આવ્યો હતો. એક માહિતી એવી મળી છે કે, આ બેઠકમાં સત્તાવાર જાહેરાત ન કરાઈ હોવા છતાં પાણી વ્યવસ્થાપનની બેઠક સકારાત્મક રહી હતી અને ગુજરાતને વધુ પાણીનો જથ્થો ફાળવવા માટે તૈયારી દર્શાવાઈ હતી. જો કે, સરદાર સરોવરના પાણીનો વધુ ઉપયોગમાં વીજળી ઉત્પાદનને બદલે પાણી પુરવઠા પર વધુ ભાર આપવાની દિશામાં આગળ વધવાની સહમતિ સધાઈ હતી. નોંધનીય છે કે, અગાઉ સાતમી, જુલાઈ-2026ના યોજાયેલી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સરદાર સરોવર નર્મદા પરિયોજના સાથે જોડાયેલા દાયકાઓ જૂના નાણાકીય વિવાદો અને બાકી લેણાના કાયમી નિકાલ માટે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (MoA) થયો હતો. જેને મંગળવારે યોજાયેલી બેઠકમાં આખરી ઓપ આપી સત્તાવાર રીતે ઐતિહાસિક મંજૂરી આપવામાં આવી છે. આ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટના મુખ્ય પાસાઓ અને શરતો મુજબ (1) સરદાર સરોવર પ્રોજેક્ટના પુન:વસન અને નાણાકીય ખર્ચની ભાગીદારીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમ કે, આ પ્રોજેક્ટના મુખ્ય લાભાર્થી રાજ્ય તરીકે ગુજરાતનો ખર્ચ હિસ્સો 50.57 ટકાથી વધારીને સીધો 75 ટકા કરી દેવામાં આવ્યો છે. પુન:વસન ખર્ચમાં મધ્યપ્રદેશનો હિસ્સો 31.98 ટકાથી ઘટાડીને 16.17 ટકા કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રનો ખર્ચ હિસ્સો 7.76 ટકા નિર્ધારિત કરાયો છે. - મધ્યપ્રદેશે ગુજરાત સામેનો રૂા. 7669 કરોડનો દાવો સંપૂર્ણપણે જતો કર્યો : જાણવા મળ્યા મુજબ, આ કરારના ભાગરૂપે મધ્યપ્રદેશે ગુજરાત સામેનો રૂા. 7669 કરોડનો દાવો સંપૂર્ણપણે જતો કર્યો છે. આના કારણે ચારેય રાજ્ય વચ્ચેના લાંબા સમયથી અટવાયેલા નાણાકીય હિસાબો પૂર્ણ રીતે ક્લિયર થઈ ગયા છે. એવી જ રીતે, બાકી રહેલા તમામ ચૂકવણાઓ નિર્ધારિત સમયમર્યાદામાં પૂરા કરવા અને કરારનું પારદર્શક અમલીકરણ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ સમજૂતીથી ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન એમ ચારેય રાજ્ય વચ્ચે જળ વ્યવસ્થાપન વધુ સુચારુ બનશે અને ભવિષ્યમાં નર્મદા જળ વિવાદનું કારણ નહીં બને.  - કચ્છ સુધી ફાયદો : મધ્યપ્રદેશે રૂા. 7669 કરોડનો દાવો જતો કરતાં તત્કાલીન મોટો નાણાકીય બોજ હળવો થયો. નર્મદાના પાણીના વપરાશ અને ડેમના સંચાલન પર ગુજરાતની એકહથ્થુ કમાન્ડ મજબૂત બનશે. કાનૂની વિવાદો મુક્ત થતાં સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પાણી પહોંચાડવાની યોજનાઓ ઝડપી બનશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd