• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

સરહદી મીઠડીનો પાવન ગામમાં સમાવેશ

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 27 : ગામલોકો વચ્ચે શાંતિ, સદ્ભાવના અને એકતા જળવાઈ રહે, સાથે ગામનો સર્વાંગી વિકાસ થાય એ માટે રાજ્ય સરકારની વિશેષ યોજના પૈકીની પાવન ગામ યોજનામાં સરહદી મીઠડી ગામનો સમાવેશ કરાયો છે. વર્ષ 2004થી અમલી આ યોજના તળે જે ગામમાં છેલ્લાં ત્રણ વર્ષમાં એક પણ ફોજદારી ગુનો નોંધાયો ન હોય તેને પાવન ગામ યોજના હેઠળ સાંકળવામાં આવે છે. વર્ષ 2026-27માં આ યોજના માટે તાલુકાકક્ષાએથી દરખાસ્તો રાજ્યમાં મોકલાઈ હતી, જેમાં કચ્છના પાંચ ગામ પૈકી બન્નીના મીઠડીનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર તરફથી રૂા. 2.50 લાખનો પુરસ્કાર મળશે. બન્નીના છેવાડે ગોરેવાલી અને ધોરડોની નજીક અને પટગારની પશ્ચિમે આવેલા મીઠા ગામ મીઠડીની ઘણીબધી વિશેષતાઓને ધ્યાને લઈ રાજ્ય સરકારે ગામને પાવન ગામનું બિરૂદ આપ્યું છે. ગાંડા બાવળની ગીચ ઝાડીના સામ્રાજ્ય વચ્ચે 600 જેટલી માનવવસ્તી ધરાવતાં આ ગામમાં મુસ્લિમ સમાજના મુતવા પરિવારનો સમાવેશ થાય છે. સ્વાયત પંચાયત ધરાવતાં આ ગામને 1963થી પંચાયતનો દરજ્જો મળ્યા પછી આજ સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. છેલ્લી સાત ટર્મથી ગ્રામ પંચાયતના સરપંચ પદે નિજામુદીન મુતવાએ કમાન સંભાળી રાખી છે. ગામમાં વેરઝેર કે કેસ-કબાલા નથી થતા એના પાછળનું કારણ પૂછતાં ગામના સરપંચ નિજામુદીન મુતવા કહે છે કે, ગામમાં વડેરાઓની અદબ-આયના જાળવવાની પરંપરા વડીલોપાર્જિત છે. ગામમાં ક્યારેક નાના-મોટા ઝઘડા કે આપસમાં કજિયા થાય તો તેનું નિરાકરણ ગામના વડીલો જ કરી નાખે છે. અગ્રણીઓ સિધિક કરીમમામદ મુતવા, અજીજ ગફુર મુતવા, રાજીખાન મુતવા, અધુ હસન અલી મુતવા, મિરાશા મુતવા વગેરે ગામમાં શાંતિ સદ્ભાવના સાથે વિકાસ માટે સદા ચિંતિત રહે છે. ગામની સુખાકારી માટે પ્રા. શાળા, પીવાના પાણીનું ત્રણ લાખ લિટરનો અંડરગ્રાઉન્ડ ટાંકો, કોમ્યુનિટી હોલ, ઘાસ-ગોડાઉન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. જળસંચય માટે તળાવનું પણ નિર્માણ થયું છે, જેમાં આજે પણ સારા પ્રમાણમાં વરસાદી પાલરપાણી જમા છે. ગામલોકોના આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્ર કે પેટા કેન્દ્ર નથી. હવે જ્યારે આ ગામ રાજ્ય સરકારની નજરે ચડી પાવન ગામ યોજના તળે સાંકળવામાં આવ્યું છે, ત્યારે આગામી દિવસોમાં ગામને જરૂરી આરોગ્ય સેવા પણ ઉપલબ્ધ કરાશે તેવો વિશ્વાસ સરપંચે વ્યક્ત કર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd