• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

દિલ્હીમાં રાજકીય દંગલ : રાહુલ-પ્રિયંકાની ફરી અટકાયત

નવી દિલ્હી, તા. 7 : વોટ ચોરીના આરોપ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનાં રાજીનામાની માગણી  સાથે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આગેવાની ચાલતા વિપક્ષી દળોના વિરોધ પ્રદર્શન અને આંદોલનમાં આજે પણ રાજધાની દિલ્હીના માર્ગો ઉપર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રાહુલ ગાંધી તથા પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂંટણીપંચ વિરુદ્ધ જંતરમંતર ખાતે વિરોધ પ્રદર્શન માટે પહોંચે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી લીધી હતી અને બે કલાક બાદ તેમને છોડાયા હતા. રાહુલે કહ્યું હતું કે, જ્યાં સુધી જ્ઞાનેશકુમાર રાજીનામું આપશે નહીં, ત્યાં સુધી અમે લડત ચાલુ રાખશું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આયોજિત બપોરનાં ભોજન બાદ વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના સાંસદો અને નેતાઓ જંતરમંતર ખાતે વિરોધ પ્રદર્શન માટે જવા લાગ્યા, ત્યારે દિલ્હી પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. તેના કારણે જંતરમંતર પહોંચતા પહેલાં જ રસ્તાઓ પર હોબાળો શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન વિપક્ષી નેતાઓ અને દિલ્હી પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી પણ થઈ હતી. વિરોધ પ્રદર્શનમાં વિપક્ષી પક્ષોના અનેક સાંસદો પણ સામેલ થયા હતા. રાહુલ અને પ્રિયંકા વિરોધ કરી રહ્યા હતા અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનાં રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે રાહુલને બળજબરીથી ઉંચકીને બસમાં બેસાડી દીધા હતા. બીજીબાજુ પ્રિયંકાએ સ્થળ પરથી હટવાનો ઇન્કાર કર્યો અને જમીન પર પહેલાં બેસી ગયાં હતાં અને પોલીસ દ્વારા દબાણ કરવામાં આવતાં તેઓ ત્યાં જ રોડ ઉપર આડા પડી ગયાં હતાં. ત્યારબાદ પોલીસકર્મીઓ તેમને બળજબરીથી ઊઠાવીને બસમાં લઈ ગયા હતા. છેલ્લા બે દિવસથી એસઆઈઆરના વિરોધમાં ચાલી રહેલા ધરણા-પ્રદર્શન દરમિયાન બંને નેતાની બીજી વખત અટકાયત કરવામાં આવી છે.  પોલીસે જ્યારે કોંગ્રેસના નેતાઓને ધરણા સ્થળેથી બળજબરીથી હટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પ્રિયંકાએ હટવાનો ઈન્કાર કરી દીધો હતો  અને આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણીપંચને મળવાની માંગ કરી રહેલા સાંસદો સાથે પોલીસે મારપીટ કરી છે. મહિલા પોલીસકર્મીઓએ મને જમીન પર પાડી દીધી અને મને શરીર પર અનેક જગ્યાએ ઉઝરડાનાં નિશાન પડયા છે. કંઈ પણ થઈ જાય, અમે પાછળ નહીં હટીએ. લોકોના હક માટે લડતા રહીશું. આ પહેલાં વિપક્ષી પક્ષોના સાંસદો બપોરનાં ભોજન માટે એકત્ર થયા હતા અને ત્યાંથી રાહુલ ગાંધી સાથે જંતરમંતર ખાતે ધરણા-પ્રદર્શન માટે ગયા હતા. વિરોધ પ્રદર્શનમાં વિવિધ પક્ષોના સાંસદો હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે, કેટલાક સાંસદોની પણ અટકાયત કરવામાં આવી હતી અને તેમની સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયા ગઠબંધનના અનેક પક્ષોના સાંસદો વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનરનાં રાજીનામા તથા ચૂંટણીપંચ સાથે મુલાકાતની માંગને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. - રાહુલને લઈ જતી દિલ્હી પોલીસની વાનમાં કોંગ્રેસ કાર્યકરોએ પાડયું પંક્ચર : આજે કાર્યકરો અને વિપક્ષી નેતાઓ સાથે રસ્તા પર ઉતરેલા રાહુલ ગાંધીની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસની બસ રાહુલ ગાંધી અને અન્ય કાર્યકરોને લઈને આગળ વધી હતી. જો કે, હજારો કાર્યકરની હાજરીને કારણે બસની ગતિ ધીમી હતી. આ દરમિયાન કાર્યકરોએ દિલ્હી પોલીસની બસને પંક્ચર કરી દીધી હતી. - જ્યાં-ત્યાં અડયા હોવાનો પ્રિયંકાનો આક્ષેપ : રાહુલ અને પ્રિયંકા જંતરમંતર પહોંચે તે પહેલાં જ રસ્તાઓ પર હોબાળો શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન વિપક્ષી નેતાઓ અને દિલ્હી પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપી પણ થઈ હતી, જેમાં પ્રિયંકા ગાંધી રસ્તા પર જ સૂઈ ગયાં હતાં. આ દરમિયાન તેમણે પોલીસ પર બળજબરી કરવાનો અને પોલીસકર્મીઓએ તેમને શરીર પર જ્યાં-ત્યાં સ્પર્શ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd