• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

વ્યાપાર મેળો બન્યો ઉત્સવ : પહેલા જ દિ'એ ધસારો

અર્પિત ગંગર તરફથી : મુંબઇ, તા. 2 : અહીંના વરલી ખાતે નેહરુ સ્ટેડિયમમાં જૈન યૂથ ફોરમ અને કચ્છમિત્ર દ્વારા આયોજિત ત્રિદિવસીય વ્યાપાર ઉત્સવ 2026નો આજે વાયબ્રન્ટ માહોલમાં આરંભ થયો હતો. 150 જેટલા સ્ટોલ્સને આવરી લેતા આ વ્યાપાર ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ ઇવેન્ટને લીધે એક તરફ નાના વ્યાવસાયીઓ-કારીગરોને, તો બીજી તરફ મોટી બ્રાન્ડ્સને પણ મજબૂત મંચ મળી રહ્યો છે. સાથે જ કચ્છની સંસ્કૃતિ પણ ઉજાગર થઇ રહી છે. આ વ્યાપાર ઉત્સવને પ્રારંભે જ મોટી સફળતા મળી રહી છે અને ઊમટી પડેલા લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નેહરુ સેન્ટર કચ્છીઓ સહિતના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આગામી દિવસોમાં આ ઉત્સવ વધુ ભવ્ય બની રહેશે. વ્યાપાર મેળાનો આરંભ કરાવતાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ દ્વારા વેપાર અને વ્યવસાયને ઉત્સવનું સ્વરૂપ આપીને જેવાયએફ અને કચ્છમિત્રએ અનોખું કામ કર્યું છે. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સમાજની વેદના ઓછી કરવાનું ઉત્તમ કામ કરી રહ્યું છે. કચ્છમાં ઘણી તકો છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ  મામણિયાએ કહ્યું હતું કે, આ ઉત્સવમાં મોટી બ્રાન્ડસની સાથે નાના વ્યવસાયોને પણ પ્લેટફોર્મ મળ્યું છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલાએ જણાવ્યું હતું કે, બહુ ઓછા સમયમાં બહુ સારું આયોજન થયું છે. જન્મભૂમિ પત્રોના મુખ્ય તંત્રી કુન્દનભાઈ વ્યાસે કહ્યું હતું કે, વ્યાપાર ઉત્સવે સમગ્ર દેશને બતાવ્યું છે કચ્છ અને ગુજરાતમાં કેટલી ક્ષમતા છે. કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે કહ્યું હતું કે, કચ્છનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. આ કાર્યક્રમના સંચાલક ધીરજભાઈ `એકલવીર'એ જણાવ્યું હતું કે, `આ મેળો માત્ર વસ્તુઓ ખરીદવા કે વેચવા માટેનો મેળો નથી. એકબીજાને મળવા, ઓળખવા, પોતાના વ્યવસાયને આગળ વધારવા અને નવી તકો ઊભી કરવા માટેનું આ એક ઉત્તમ માધ્યમ છે. સારા પ્રોડક્ટની સાથે પોતાના વ્યવસાયની ઓળખ લોકો સુધી પહોંચાડવાની, ગ્રાહકો સુધી પહોંચવાની અને નવા સંબંધો વિકસાવવાની તક આ મેળો આપે છે.' કાર્યક્રમમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તેજાભાઈ કાનગડ અને સેક્રેટરી મહેશ તીર્થાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છમિત્રના આસિસ્ટન્ટ એડિટર નિખિલ પંડયા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.  આ વ્યાપાર ઉત્સવની એક ખાસ વિશેષતા એ પણ છે કે, અહીંના મોટાભાગના સ્ટોલ મહિલાઓ દ્વારા સંચાલિત છે. આ બાબત મહિલા સશક્તીકરણનો પણ એક મજબૂત સંદેશ આપે છે.  ઉપરાંત અહીં કચ્છી હસ્તકલાના સ્ટોલ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. દરેક વર્ગ માટે ખરીદીનો વિકલ્પ અહીં ઉપલબ્ધ છે. આ કાર્યક્રમમાં કચ્છી સમાજના અનેક પ્રતિષ્ઠિત આગેવાનો તમજ મોટી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અનેક અગ્રણીઓની હાજરીમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd