ગાંધીધામ, તા. 2 : આદિપુરમાં ઝડપાયેલી નકલી દારૂની
ફેક્ટરીના પ્રકરણમાં નવો ફણગો ફૂટયો છે. દુકાન ભાડે રાખવાના પ્રકરણમાં ધારાશાત્રી સમક્ષ
ત્રણ શખ્સે ખોટું આધારકાર્ડ રજૂ કરી તે ખોટું હોવાનું જાણવા છતાં તેમાં ભાડે લેનાર
તરીકે તથા સાક્ષી તરીકે સહી કરનાર એમ ત્રણ શખ્સ સામે ગુનો દર્જ થયો છે. બનાવ અંગે શહેરના
સપનાનગરમાં રહેનાર નોટરી વકીલ અનિલ જગદીશ પ્રકાશ શર્માએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત
તા. 3/8ના તેમની ઓફિસે પ્રકાશ છતરામ
રેવાણી પોતાની મિલકત આદિપુર 4-એ રિદ્ધિ
સિદ્ધિ કોમ્પ્લેક્સ, પ્લોટ નંબર-1, દુકાન નંબર 42-46 અંગે ભાડાકરાર માટે નોટરી લખાણ
કરાવવા આવ્યા હતા. તેમની સાથે આવેલા ત્રણ માણસ પૈકી બ્રિજકિશોર રામજીલાલ જાટ, હિતેશ ખીમજી બાંભણિયા (પટેલ) (રહે. પ્રાગપર-રાપર) હોવાની ઓળખ આપવામાં આવી હતી. ભાડે
આપનાર પ્રકાશ રેવાણી તથા લેનાર રાજકુમાર બ્રિજકિશોર શર્માનો કરાર કરાયો હતો, જેમાં હિતેશ બાંભણિયાએ સાક્ષી તરીકે સહી કરી
હતી, જે અંગે ફરિયાદીએ પોતાના ચોપડામાં નોંધ કરી હતી. બાદમાં
ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, ભાડે લેનાર રાજકુમારનું આધારકાર્ડ
તેમની સામે રજૂ કરાયું હતું, તે વખતે રાજકુમાર બ્રિજકિશોર શર્મા
હાજર નહોતો અને નોટરીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી કરનાર કોમલસિંહ બાબુસિંહ જાટ
હોવાનું બહાર આવ્યું હતું તથા બીજા બે માણસ બ્રિજકિશોર ઉર્ફે બિરજુ રામજીલાલ જાટ તથા
દિનેશ બાંભણિયા હોવાનું બહાર આવ્યું હતું. આ ત્રણેય શખ્સે ખોટું આધારકાર્ડ રજૂ કરી
નોટરી કરાવી તેમાં સહી કરી નોટરી લખાણનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાનું ગાંધીધામ એ-ડિવિઝન
પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું હતું, જેની આગળની વધુ
તપાસ પોલીસે હાથ ધરી છે.