• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

ગ્રીકો-રોમનમાં નિતેશ સિવાચે રજત જીત્યો

નવી દિલ્હી, તા.1 : એશિયન ગેમ્સના આજે ભારત માટે શરૂઆત આંચકાજનક રહી હતી, પરંતુ સાંજ પડતાં સુધીમાં ભારતીય ખેલાડીઓએ મેડલ ટેલીમાં નોંધપાત્ર ઉમેરો કરીને દિવસ પોતાના નામે કર્યો. દિવસના પ્રારંભે મહિલા કમ્પાઉન્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં ચિખિતા તનિપાર્થી ક્વાર્ટર ફાઇનલમાં બહાર ફેંકાતાં અને મેન્સ વોલીબોલમાં પાકિસ્તાન સામે હારથી નિરાશા વ્યાપી હતી. જોકે, ત્યારબાદ રેસાલિંગ, ટીમ ઇવેન્ટ્સ અને વોટર સ્પોર્ટ્સમાં ભારતે શાનદાર વાપસી દર્શાવી હતી. હવે કુલ 66 મેડલ સાથે ભારત 8મા સ્થાને પહોંચી ગયું છે.  પુરુષોના ગ્રીકો-રોમન 97 કિગ્રા વર્ગમાં ભારતના નિતેશ સિવાચે રજત ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલ મુકાબલામાં તેને જાપાનના અગાઉના એશિયન મેડલિસ્ટ યુરી નાકાઝાતો સામે 0-4થી પરાજય ખમવો પડયો હતો, છતાં નિતેશની આ સિદ્ધિ ભારતીય કુશ્તી માટે સીમાચિહ્નરૂપ છે. તે 64 વર્ષ બાદ એશિયન ગેમ્સના ગ્રીકો-રોમન ફાઇનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય પહેલવાન બન્યો છે. ઉપરાંત ગામાગોરી સિટી ખાતે યોજાયેલી મેન્સ સ્કીફ ઓપાનિંગ સીરિઝમાં ભારતીય જોડી મનુ ફ્રાન્સિસ અને પ્રિન્સ કુરાસિંકલ નોબલે અસાધારણ કૌશલ્ય દાખવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. કેરળના એર્નાકુલમના વતની અને વાસ્તવિક જીવનમાં પિતરાઈ ભાઈઓ એવા 31 વર્ષીય મનુ ફ્રાન્સિસ તેમજ 30 વર્ષીય પ્રિન્સ નોબલે સમગ્ર સ્પર્ધા દરમિયાન જબરદસ્ત સંકલન દર્શાવ્યું હતું. નવ રેસના કઠિન તબક્કા બાદ આ ભારતીય જોડીએ કુલ 23 પોઇન્ટ્સનો સંયુક્ત સ્કોર નોંધાવીને પોડિયમ પર બીજું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ક્રિકેટમાં સેમિફાઇનલમાં ભારતે શ્રીલંકા સામે 124 રનની એકતરફી અને જંગી જીત મેળવી ગોલ્ડ મેડલ મેચમાં પ્રવેશ કર્યો. હવે ફાઇનલમાં ભારતનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. જ્યારે મેન્સ હોકીના અત્યંત રોમાંચક અને દિલધડક સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 4-3થી પરાજિત કરીને ફાઇનલમાં જગ્યા પાક્કી કરી લીધી છે. બંને રમતોની ગોલ્ડ મેડલ મેચ 3 સપ્ટેમ્બરે રમાશે. સ્ક્વોશમાં મેન્સ ટીમ મલેશિયા સામે સેમિફાઇનલમાં 1-2થી હાર થતાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. વીર ચોત્રાનીએ પોતાની મેચ જીતી ભારતને સરસાઈ અપાવી હતી, પરંતુ અભય સિંહ અને સેન્થિલ કુમાર પોતપોતાની મેચ હારી જતાં ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર થયા હતા. જ્યારે વિમેન્સ કેટેગરીમાં હોંગકોંગ સામેની સેમિફાઇનલમાં ભારત 1-2થી હાર્યું હતું. તન્વી ખન્નાએ હાયર-રેન્કિગ ખેલાડીને હરાવી અપસેટ સર્જ્યો હતો, પરંતુ યુવા ખેલાડી અનાહત સિંઘ ચાર મેચ પોઇન્ટ હોવા છતાં 2-3થી હારી ગઈ હતી. નિર્ણાયક મેચમાં અનુભવી જોશના ચિનપ્પા પણ હારી જતાં ટીમને બ્રોન્ઝથી સંતોષ માનવો પડયો. સાલિંગમાં મહિલા સ્કીફ ઓપાનિંગ સીરિઝમાં હર્ષિતા તોમર અને શીતલ વર્માની જોડીએ નવ રેસના અંતે 24 નેટ પોઇન્ટ સાથે પોડિયમ પર ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. ભારતીય તીરંદાજ ગણેશ મણિ રત્નમે એશિયન ગેમ્સ દબાણ વચ્ચે એકાગ્રતા દાખવીને પુરુષોની કમ્પાઉન્ડ વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ સાથે જ ભારતે વર્તમાન ગેમ્સમાં કમ્પાઉન્ડ આર્ચરી સ્પર્ધામાં કુલ ચાર મેડલ સાથે પોતાનું અભિયાન પૂર્ણ કર્યું છે. વ્યક્તિગત કમ્પાઉન્ડ કેટેગરીમાં પોડિયમ ફિનિશ હાંસલ કરનારો એકમાત્ર ભારતીય આર્ચર બન્યો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd