• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

ભુજનાં હમીરસર તળાવમાં મગરની હાજરી દર્શાવતો વીડિયો વાયરલ

ભુજ, તા. 2 :  ભુજવાસીઓનાં હૃદયસમાન ઐતિહાસિક હમીરસર તળાવમાં એક મગરની હાજરી દર્શાવતી વીડિયો ક્લિપ્સ હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થતાં તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં દેખાતો નજારો અને આસપાસનો વિસ્તાર જોતાં તે હમીરસર તળાવનો જ હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું હોવાનું જણાવતાં લોકોમાં મુખ્ય સવાલ એ ઊભો થયો છે કે, આ વીડિયો હાલનો છે કે પછી કોઈ જૂનો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ અંગે વન વિભાગ કે સ્થાનિક તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન ન આવતાં શહેરીજનોમાં અસમંજસ અને થોડી દહેશત જોવા મળી રહી છે. અત્રે નોંધનીય છે કે, હમીરસર તળાવમાં સવારે તરવૈયાઓ અને યુવાનો નિયમિતપણે સ્નાન કરવા આવે છે તથા કિનારે આસપાસના વિસ્તારોમાંથી કપડાં ધોવા પણ આવતા હોય છે, ત્યારે નિર્દોષ નાગરિકોની સુરક્ષા માટે તપાસ હાથ ધરાય તેવી માંગ ઊઠી હતી. જાગૃત નાગરિકો દ્વારા માંગ ઊઠી છે કે, લોકોની સુરક્ષાને સર્વોપરી ગણીને ભુજ નગરપાલિકા અને કચ્છ વન વિભાગ આ બાબતને ગંભીરતાથી લે. વાયરલ વીડિયો હાલનો છે કે જૂનો તેની સાયબર કે સ્થાનિક સ્તરે તાત્કાલિક ખરાઈ કરવામાં આવે અને તળાવ વિસ્તારમાં તપાસ અભિયાન હાથ ધરીને તંત્ર દ્વારા સત્તાવાર નિવેદન જારી કરાય. કોઈ અઘટિત ઘટના ઘટે તે પહેલાં તંત્ર યોગ્ય તપાસ કરે અને મગર હોય તો તેનો રેસ્ક્યૂ કરવાની આગમચેતી વાપરે તેવી લોકમાંગ કરાઈ હોવાનું યાદીમાં જણાવાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd