• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

સુવર્ણનો દુકાળ નહીં સિદ્ધિઓનો સુકાળ

હાલ જાપાનના આઈચી-નાગોયામાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતે 15 સુવર્ણ સાથે કુલ 75 મેડલ મેળવ્યા છે અને હજી કેટલીક રમતોમાં ભારતને ગોલ્ડની આશા હોવા છતાં એકંદરે ત્રણ વર્ષ પહેલાં ચીનના હાંગઝાઉમાં આપણા ખેલાડીઓએ જીતેલા 28 ગોલ્ડમાંથી વીસ હાથમાંથી સરકી ગયાનું ચિત્ર છે. શાટિંગ, તીરંદાજી, બેડમિન્ટન, અશ્વારોહણ, સ્ક્વોશ અને ટેનિસ જેવી રમતોમાંના ગોલ્ડ આ વખતે ભારતીય એથ્લીટ્સ જીતી શક્યા નથી અને હાંગઝાઉમાં ભારત વતી વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતેલા ખેલાડીઓ આ વખતે મેડલનો ગઢ સાચવી શક્યા નથી. 2023માં 28 સુવર્ણ સહિત કુલ 106 મેડલ મેળવી ભારતે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી હતી. આ વાત ચિંતાજનક ખરી, પણ જે સિદ્ધિ આ વખતે ખેલાડીઓએ મેળવી છે, તેની તરફ આંખ આડા કાન કરવા બરાબર પણ ગણાશે. આવું શા માટે થયું એના પર ચિંતન થવું આવશ્યક છે, પણ જે સકારાત્મક પાસાં આ વખતે સામે આવ્યાં છે, તેને નજરઅંદાજ કરવા અયોગ્ય ગણાશે. બીજી ઓક્ટોબરે ભારતીય મહિલા ટીમે હોકીની ફાઈનલમાં ચીનને 1-0થી હરાવી સુવર્ણ અંકે કરી, 44 વર્ષથી આ રમતમાં પ્રવર્તતા મેડલના દુકાળનો અંત આણ્યો છે. છેલ્લે 1982માં નવી દિલ્હી ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં મહિલાઓની ટીમે ગોલ્ડ જીત્યો હતો. આ ઉપરાંત, તીરંદાજીમાં અંકિતા ભક્તા, કીર્તિ અને કુમકુમ મોહોદની ટીમે હેવી-વેઈટ દક્ષિણ કોરિયાને 5-3થી હરાવી મહિલાઓની રિકર્વ ટીમે પહેલીવાર સુવર્ણ મેળવ્યો. એટલું જ નહીં, મેન્સ, વુમેન્સ અને મિક્સ્ડ એમ ત્રણેય ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીતી ક્લિન સ્વીપ કરી હતી, તો એક જ દિવસમાં બોક્સિંગના ત્રણ સુવર્ણ ચંદ્રક જીતવાનું પરાક્રમ પણ આપણા બોક્સર્સ લવલિના બોરગોહેન, પરવીન હુડા અને અંકુશ પંઘલે કર્યું છે. શાટિંગની ફાઈનલમાં નીરુ ધાંડા અને ક્યાનાન ચીનાઈએ એશિયન રેકોર્ડ સ્થાપિત કરવા સાથે ગોલ્ડ મેળવ્યો હતો. કિરણ પહલ, એમ. આર. પૂવામ્મા, પ્રાચી ચૌધરી અને વિદ્યા રામરાજની ટીમે ફોર બાય ફોર 100 મીટર રીલેમાં સુવર્ણ જીતી ટ્રેક-એન્ડ-ફિલ્ડમાં ગોલ્ડ મેડલ જીતવાનો ભારતનો ટ્રેક રેકોર્ડ અકબંધ રાખ્યો છે. હજી ભારતીય પુરુષ હોકી ટીમ અને ક્રિકેટ ટીમને ગોલ્ડ જીતવાની તક છે તથા એકંદર મેડલ જુમલો 100ની આસપાસ પહોંચવાની શક્યતા છે. આવામાં, હાથમાંથી સરી ગયેલી તક પર ચિંતન થવું જોઈએ, પણ જે રમતવીરોએ તિરંગો ફરકતો રાખ્યો છે, તેમને હતોત્સાહ ન કરવા એ જવાબદારી પણ આપણી જ છે, એ યાદ રહે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd