નવી દિલ્હી, તા.1 : પાકિસ્તાન
સામે છેલ્લા એક દાયકાથી ચાલી આવતી અજેય સરસાઈને જાળવી રાખતાં ભારતીય હોકી ટીમે એશિયન
ગેમ્સની સેમિફાઇનલમાં 4-3થી રોમાંચક
વિજય મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ગિફુ પ્રિફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમ ખાતે રમાયેલા
શ્વાસ થંભાવી દેનારી મેચમાં ભારે ચડાવ ઉતાર બાદ 60 મિનિટમાં માત્ર 10 સેકન્ડ બાકી હતા ત્યારે અભિષેકે નિર્ણાયક ગોલ ફટકાર્યો હતો.
મેચની શરૂઆતથી જ ભારતે આક્રમક વ્યૂહરચના અપનાવી પાકિસ્તાની ડિફેન્સ પર સતત દબાણ જાળવ્યું
હતું. કેપ્ટન હરમનપ્રીત સિંહે 5મી અને 13મી મિનિટે પેનલ્ટી કોર્નરને સચોટ ગોલમાં
ફેરવી ભારતને 2-0ની મજબૂત લીડ અપાવી દીધી હતી.
ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં 23મી મિનિટે
સુખજીત સિંહે શાનદાર ફિલ્ડ ગોલ નોંધાવી સ્કોર 3-0 કરી પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું હતું. ત્રણ ગોલથી પાછળ
રહ્યા છતાં પાકિસ્તાને હાર ન માની અને આક્રમણ તેજ કર્યા. 30મી મિનિટે અબુ મહમૂદે ખાતું ખોલ્યું, જ્યારે 38મી મિનિટે અમ્માદ બટ્ટે ફિલ્ડ ગોલ ફટકારી
સ્કોર 3-2 કર્યો હતો. મેચના અંતિમ ક્વાર્ટરમાં
પાકિસ્તાને વધુ આક્રમકતા દાખવી અને 45મી મિનિટે શાહિદ હનાને ગોલ નોંધાવી સ્કોર 3-3ની બરાબરી પર લાવી મેચને અત્યંત
રોમાંચક વળાંક પર લાવી દીધી હતી. મેચ જ્યારે
પેનલ્ટી શૂટઆઉટ તરફ આગળ વધી રહી હોવાનું જણાતું હતું ત્યારે નિર્ધારિત સમયની અંતિમ
ક્ષણોમાં એટલે કે 60મી મિનિટે
અભિષેકે અદ્ભુત સ્ટ્રાઇકિંગ ક્ષમતા દર્શાવી બોલને સીધો નેટમાં મોકલી દીધો હતો. આ વિજયી
ગોલ સાથે ભારતે પાકિસ્તાનને 4-3થી પરાજય
આપી સ્ટેડિયમમાં ત્રિરંગો લહેરાવી દીધો હતો.