• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

શિવાજી પાર્કથી જંતર-મંતર સુધી જ્ઞાનેશનો વિરોધ

નવી દિલ્હી, તા.2 : દેશમાં ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને તેનાં દ્વારા લેવામાં આવેલા મતદાર યાદીનાં વિશેષ ગહન સુધારણા(સર) કાર્યક્રમમાં નિર્ણયોનાં વિવાદ વચ્ચે શુક્રવારે ગાંધી જયંતીએ મુંબઈનો શિવાજી પાર્ક મોટા રાજકીય, સામાજિક વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બની ગયો હતો. કોકરોચ જનતા પાર્ટીના આહ્વાન પર આજે અહીં હજારોની સંખ્યામાં યુવાનો સહિત લોકો ઉમટી પડયા હતાં અને મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારનાં રાજીનામાની માગણી બુલંદ અવાજે ઉઠાવી હતી. સીજેપીએ કહ્યું હતું કે, મુંબઈતો માત્ર ટ્રેલર છે. જે કરવું છે તે કરી લો. ફાઈનલ તો જંતર-મંતર પર જ ખેલાશે. ભારતનાં છ રાજ્યોમાં પ્રવૃત્તિ કરશું, તેવી ઘોષણા પણ કરી હતી. મુંબઈમાં જ્ઞાનેશ કુમાર વિરોધી પ્રદર્શનની આગેવાની લેનાર સીજેપીનાં સંસ્થાપક અભિજીત દીપકેએ મંચ ઉપરથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને મતદારોનાં અધિકારોની રક્ષાની માગણી કરી હતી. તેમણે મુંબઈથી શરૂ થયેલા આંદોલનને દેશવ્યાપી અભિયાનમાં પલોટવાનું પણ એલાન કર્યુ  હતું. ભારતનું આર્થિક પાટનગર ફિલ્મજગતનું પણ મુખ્ય કેન્દ્ર હોવાથી આજે આ આંદોલનમાં કેટલીક ફિલ્મી હસ્તીઓનું પણ સીધુ સમર્થન મળ્યું હતું. આમાં ગાયક વિશાલ દદલાણી, વરિષ્ઠ અભિનેતા નસીરુદ્દીન શાહ અને અભિનેત્રી શબાના આઝમીએ પ્રદર્શન સ્થળે પહોંચીને લોકતંત્ર અને ચૂંટણી પ્રક્રિયા વિશે પોતાની ચિંતાઓ પ્રગટ કરી હતી. શિવસેના(ઉદ્ધવ)નાં નેતા આદિત્ય ઠાકરેએ પણ આ પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. તેમણે પણ આમાં સામેલ થવા લોકોને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, આ લડાઈ કોઈ રાજકીય દળની નહીં બલ્કે લોકતંત્ર, બંધારણ અને મતદાનનાં અધિકારની છે.  પ્રદર્શનમાં અભિજીત દીપકેએ ભાષણ આપ્યું હતું અને ભારત માતાનો જયઘોષ અને વંદે માતરમનાં નારા લગાવ્યા હતાં. મોટી સંખ્યામાં પોસ્ટર અને બેનરો લઈને આવેલા પ્રદર્શનકારીઓએ આખા શિવાજી પાર્કને ચૂંટણી પંચ વિરોધી સૂત્રોચ્ચારથી ગૂંજતું કરી નાખ્યું હતું. આ પ્રદર્શન સામે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષનાં આરોપોને ખારિજ કરતાં કહ્યંyં હતું કે, ચૂંટણી પંચ પહેલાથી જ પોતાનો પક્ષ સ્પષ્ટ કરી ચૂક્યું છે અને આયોગ સામે ફેલાવવામાં આવી રહેલા નેરેટિવનાં તથ્યો ઉપર આધારિત નથી. તેમનાં આ પ્રયાસો સફળ થવાનાં નથી. આવા પ્રયાસો સફળ થવાનાં નથી.  બીજીબાજુ રાજધાની દિલ્હીમાં જંતર-મંતર ઉપર સીઈસી સામે પ્રદર્શન દરમિયાન આપનાં નેતા સંજય ભારદ્વાજ, સંજીવ ઝા, આતિશી અને સંજય સિંહ સાથે છાત્ર સંગઠનોનાં કાર્યકરો સહિત 700થી વધુ દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી. રાજ્યસભા સદસ્ય સંજય સિંહને નોર્ટ એવન્યૂમાં અટકાવી દેવામાં આવ્યા હતાં અને તેથી તેઓ પ્રદર્શન સ્થળે પહોંચી શક્યા ન હતાં. ભારદ્વાજે સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, શાંતિપૂર્ણ દેખાવ થતો હોવા છતાં તેમને હિરાસતમાં લઈ લેવામાં આવ્યા હતાં. તેમણે પક્ષનાં કાર્યકરો અને સમર્થકોને આંદોલન ચાલુ રાખીને જંતર-મંતરે પહોંચવાનો આગ્રહ કર્યો હતો. બીજીબાજુ પ્રદર્શન સ્થળની આસપાસ ઈન્ટરનેટ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. જંતર-મંતર આસપાસ સુરક્ષાઘેરો સજ્જડ રખાયો હતો અને દેખાવકારોને એકત્રિત થતાં રોકવા માટે ઠેરઠેર બેરિકેડ પણ મારી દેવામાં આવ્યા હતાં કારણ કે ત્યાં કોઈ સભા કે પ્રદર્શન માટે અનુમતિ આપવામાં આવી નહોતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd