નવી દિલ્હી, તા. 1 : યુપીએસસીના
શતાબ્દી સમારોહ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પાઇલટ સ્મિત મચ્છરના અદ્ભુત
સાહસ અને જાંબાઝીનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. અમેરિકાથી માંડીને ટ્રમ્પ સુધી વિશ્વભરના
નેતાઓએ `ગુજ્જુ'
પાઈલટની બહાદુરીને બિરદાવી હતી. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું
હતું કે એક ભારતીય પાઇલટે પોતાની અદભુત સૂઝબૂઝ અને અડગ મનોબળથી મોટી આફત ટાળીને 9/11 જેવી ગંભીર ઘટના થતી અટકાવી
લીધી છે. દુબઈથી તેલ અવીવ જતી ફ્લાય દુબઈની ફ્લાઇટમાં બનેલી આ ઘટનામાં કેપ્ટન સ્મિત
મચ્છરે જે પ્રકારે અત્યંત કપરા સંજોગોમાં પણ ધૈર્ય,
સાહસ અને બહાદુરીનું પ્રદર્શન કર્યું છે, તેણે
દરેક દેશવાસીનું મસ્તક ગર્વથી ઊંચું કરી દીધું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કેપ્ટન
સ્મિત મચ્છરના પિતા ભૂપેન્દ્રભાઈ, માતા ગીતાબેન અને પત્ની સોનલ
સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી અને પરિવારની હિંમતને બિરદાવી હતી. આજે આખી દુનિયા
તેમની આ વીરતા પર ગર્વ અનુભવી રહી છે. વડાપ્રધાને
દેશવાસીઓને અનુરોધ કર્યો છે કે આપણે સૌ સાથે મળીને સ્મિત મચ્છરના ઉત્તમ સ્વાસ્થ્ય અને
શીઘ્ર સ્વસ્થ થવા માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ. આ ગંભીર કટોકટીની સ્થિતિમાં કેપ્ટન
સ્મિત મચ્છરે પ્લેનમાં સવાર કુલ 180 મુસાફરોના અમૂલ્ય પ્રાણ બચાવીને એક અનુકૂળ ઉદાહરણ પૂરું પાડ્યું
છે. કેપ્ટન સ્મિત મચ્છરની આ અસાધારણ અને પ્રેરણાદાયી બહાદુરીના વિશ્વભરમાં ભરપૂર વખાણ
થઈ રહ્યા છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને રાષ્ટ્રપતિ ઇસાક હરઝોગે તેમને
એક સાચા હીરો ગણાવતા તેમનો આભાર વ્યક્ત કર્યો છે. આ તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્મિતની
પ્રશંસા કરતાં તેમને બહાદુર હીરો ગણાવ્યા છે. ગંભીર રીતે ઘાયલ હોવાની સાથે અત્યંત જોખમી
પરિસ્થિતિઓ વચ્ચે પણ અદમ્ય સાહસ દાખવીને જીવના જોખમે કોકપીટ ખોલીને પ્લેનને સંકટમાંથી
ઉગારી લેનાર સ્મિત મચ્છર પર સમગ્ર દેશને ગર્વ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે
સ્મિતની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિ ખરેખર ઘણી
ખરાબ હતી, પરંતુ `ફલાય દુબઈ' વિમાનના
ભારતીય પાઈલટ સ્મિત મચ્છરે કમાલની સૂઝબૂઝ બતાવીછે. પોતાની ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે
વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, મેં આ સમગ્ર ઘટના અંગે ઈઝરાયલના
વડાપ્રધાન બેંજામીન નેતન્યાહુ સાથે લાંબી વાતચીત કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ ગુજરાતના
યુવા પાઈલટ સ્મિતને `હીરો' લેખાવ્યો હતો. સ્મિતે અદભુત સમજણ બતાવી તેવું
ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું.