નવી દિલ્હી, તા. 25 : કેન્દ્ર
સરકારે સુપ્રીમ કોર્ટ પાસે 11 માર્ચના એક
ચુકાદાને લઈને સ્પષ્ટતા અને યોગ્ય નિર્દેશોની માગ કરી છે. આ ચુકાદામાં 2016થી સિવિલ સર્વિસ પરીક્ષા (સીએસઈ)માં
પસંદગી પામેલા, પરંતુ ક્રીમિલેયરના આધારે
નકારી કાઢવામાં આવેલા આશરે 100 ઓબીસી ઉમેદવારોના દાવાઓ પર વિચાર કરવાનો આદેશ આપવામાં આવ્યો
હતો, હવે કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ
દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ આ મુદ્દે ખાસ ખંડપીઠ રચવા માટે સંમત થઈ
છે. આ પહેલાં રોહિત નાથન દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી દરમિયાન જસ્ટિસ
પી.એસ. નરાસિંહા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે 11 માર્ચે ચુકાદો આપ્યો હતો કે, ઓબીસીમાં ક્રીમિલેયર નક્કી કરવા માટે માત્ર
આવકને એકમાત્ર આધાર બનાવી શકાય નહીં. હવે કેન્દ્ર સરકાર દ્વારા આ અરજી એવા સમયે દાખલ
કરવામાં આવી છે, જ્યારે અસરગ્રસ્ત ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી
પૂર્ણ થઈ ચૂકી છે અને સરકાર ચુકાદો અમલમાં મૂકવાની તૈયારી કરી રહી હતી. બીજી તરફ,
સીએસઈ-2025 બેચના ફાઉન્ડેશન
કોર્સની શરૂઆત પણ આ જ અઠવાડિયે મસૂરી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં
થવાની છે. કેન્દ્રનું કહેવું છે કે, 11 માર્ચનો ચુકાદો સીએસઈ-2025નું અંતિમ પરિણામ જાહેર થયાના
પાંચ દિવસ બાદ આવ્યો હતો. સરકારને આશંકા છે કે, કેટેગરી મુજબની મેરિટ અને સેવા ફાળવણીની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબ
થવાથી વ્યાપક અસર પડી શકે છે, જેમાં તાલીમ કાર્યક્રમ પ્રભાવિત
થઈ શકે છે. આ ઉપરાંત બેચની સંખ્યા અને લોજિસ્ટિક્સની વ્યવસ્થામાં ફેરફાર કરવો પડી શકે
છે. અધિકારીઓના કેડરની ફાળવણીમાં ફેરફાર થઈ શકે છે. નવા બેચની વરિષ્ઠતા અને પગાર નિર્ધારણ
પર પણ અસર પડી શકે છે, અનેક કેસ દાખલ થઈ શકે છે. કેન્દ્રએ કહ્યું
છે કે, સીએસઈ-2025ની પહેલેથી પૂર્ણ થઈ ગયેલી પસંદગી પ્રક્રિયા પર સુપ્રીમ કોર્ટના
ચુકાદાને કોઈ શરત વિના પૂર્વવર્તી અસરથી લાગુ કરવામાં આવે, તો આ જ પરીક્ષા ચક્રના ઉમેદવારો વચ્ચે અસમાનતાની
સ્થિતિ ઊભી થઈ શકે છે. આ મામલો ઓબીસી ક્રીમિલેયર
નક્કી કરવા સંબંધિત 1993ના સત્તાવાર
મેમોરેન્ડમ અને 2004માં ડીઓપીટી
દ્વારા જારી કરાયેલાં સ્પષ્ટીકરણ સાથે જોડાયેલો છે. સપ્ટેમ્બર 1993ના સત્તાવાર મેમોરેન્ડમમાં
ઓબીસી ક્રીમિલેયર નક્કી કરવા માટે આવક/સંપત્તિની ગણતરીમાં પગાર અને કૃષિ આવકનો સમાવેશ
કરવામાં આવ્યો નહોતો, પરંતુ 14 ઓક્ટોબર 2004ના ડીઓપીટીના સ્પષ્ટીકરણમાં
કહેવામાં આવ્યું હતું કે, જાહેર ક્ષેત્રના
ઉપક્રમો (પીએસયુ) અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓની પગાર આવકને પણ ક્રીમિલેયર
નક્કી કરવાના માપદંડમાં સામેલ કરવામાં આવશે.
સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મીઓનાં બાળકો વચ્ચે ભેદભાવ ઊભો થઈ શકે
યાચિકાકર્તાઓનું કહેવું હતું કે, આના કારણે સરકારી કર્મચારીઓનાં બાળકો અને પીએસયુ
અથવા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓનાં બાળકો વચ્ચે ભેદભાવની સ્થિતિ ઊભી થઈ. સીએસઈ-2015 એટલે કે 2016 બેચથી આ વ્યવસ્થા કડક રીતે
લાગુ થવા લાગી. ત્યારબાદ સક્ષમ અધિકારીઓ દ્વારા જારી કરાયેલા જાતિ પ્રમાણપત્ર ધરાવતા
અને સીએસઈ પાસ કરનારા આશરે 100 ઉમેદવારના ઓબીસી દાવાઓ ડીઓપીટી
દ્વારા ક્રીમિલેયરના આધારે નકારી કાઢવામાં આવ્યા. આમાંથી મોટાભાગના ઉમેદવારોએ સુપ્રીમ
કોર્ટ અને વિવિધ હાઈકોર્ટમાં અરજીઓ દાખલ કરી છે.