નવી દિલ્હી, તા.25 : આ વખતે
જનગણનામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. નાગરિકોની
ઓળખ સંબંધિત પ્રશ્નોની યાદીમાંથી ભિક્ષુક કોલમ હટાવી દેવામાં આવી છે. આમ, દેશના ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રીય જનગણનામાં
ભિક્ષા માગતા લોકોના આંકડા અલગથી નોંધવામાં આવશે નહીં. આ વખતે બિન-આર્થિક પ્રવૃત્તિઓની
યાદીમાંથી ભિક્ષુક અને વિચરતી શ્રેણી દૂર કરવામાં આવી છે. અગાઉની વસ્તી ગણતરીઓમાં નોંધાયેલા
ખૂબ ઓછા આંકડાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓનું માનવું છે
કે આ કેટેગરીમાં લોકો દ્વારા આપવામાં આવતી માહિતી વિશ્વસનીય નહોતી કારણ કે સામાજિક
સંકોચ અને બદનામીના ડરથી લોકો પોતાને ભિક્ષુક તરીકે નોંધાવવામાં અચકાતા હતા. અહેવાલ
મુજબ, 2011ની જનગણનામાં માત્ર 3.8 લાખ બિન-કામકાજી કામદારોએ પોતાને
આ શ્રેણીમાં નોંધાવ્યા હતા. જ્યારે 2001માં આ સંખ્યા 6.3 લાખ અને 1991માં 5.4 લાખ હતી. એટલે કે આ આંકડાઓમાં
ઝડપથી ફેરફાર જોવા મળ્યો હતો. હવે સરકારે નિર્ણય લીધો છે કે આવા લોકોને અલગથી વર્ગીકૃત
કરવાને બદલે અન્ય શ્રેણીમાં ગણવામાં આવશે. તેના કારણે હવે જનગણનાની સત્તાવાર યાદીમાં
ઉંમર, ધર્મ, શિક્ષણ અથવા રાજ્યના
આધારે ભિખારીઓનો અલગ ડેટા સામેલ કરવામાં આવશે નહીં.