નવી દિલ્હી, તા. 25 : અમેરિકા અને
ઇરાન વચ્ચે ફરી વધેલા તણાવ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનની મદદ કરનારા દેશો
પર પગલાં લેવાનું શરૂ કર્યું છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે ઇરાનને આર્થિક
રીતે ભાંગી નાખવા સોમવારે `ઓપરેશન આઉટકાસ્ટ'ની ઘોષણા કરી તે પછી ટ્રમ્પે ઇરાન પાસેથી પેટ્રોલિયમ
અને પેટ્રોરસાયણ ઉત્પાદનોની આયાત સંદર્ભે ભારતની ચાર કંપની સામે પ્રતિબંધ લાદ્યા હતા.
અમેરિકાએ ઇરાન માટે સંભવિત નાણાં સ્રોત રોકવા માટે આ પ્રતિબંધ લગાવ્યા છે. સમાચાર એજન્સી
પીટીઆઇના અહેવાલ અનુસાર પ્રતિબંધના દાયરામાં આવનારી અન્ય કંપનીઓમાં સદાશિવ ઓવરસીઝ લિ.,
પી.પી. સોફટેક પ્રા.લિ. અને પ્રકૃતિસ ઇન્ફ્રા ઇમ્પેક્સ પ્રા.લિ.નો સમાવેશ
થાય છે. પી.પી. સોફટેકના નિર્દેશક પ્રશાંત ગર્ગ પણ કાર્યવાહીના દાયરામાં છે. નિવેદન
અનુસાર ઇંદરીસમિયાં અશરફમિયાં શેખ, હરીશ રામચંદ્ર રંગી અને ગર્ગ ત્રણેય
ભારતીય નાગરિક છે. સદાશિવ ઓવરસીઝે આશરે 6.9 કરોડ ડોલરના મૂલ્યના ઇરાની મૂળના પેટ્રોલિમ ઉત્પાદનોની આયાત
કરી હતી, જ્યારે પી. પી. સોફટેક અને પ્રકૃતિસ ઇન્ફ્રાએ
અઢી-અઢી કરોડના પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરી હતી. આ કંપનીઓને ઇરાનથી પેટ્રોલિયમ
કે પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી, અધિગ્રહણ, વેચાણ, પરિવહન કે વ્યાપારથી જોડાયેલી મહત્ત્વપૂર્ણ લેણ-દેણમાં
જાણીજોઇને સામેલ થવાને કારણે પ્રતિબંધની સૂચિમાં મૂકવામાં આવી છે. અમેરિકી વિદેશ વિભાગના
પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે, અમેરિકાએ ઇરાની શાસનની
અસ્થિરતા પેદા કરનારી ગતિવિધિઓને સક્ષમ બનાવનારી અનેક સંસ્થા, વ્યક્તિ અને જહાજો સામે વ્યાપક કાર્યવાહી કરી છે. અમેરિકાએ અન્ય દેશોને પણ
ઇરાન સાથેના આર્થિક સંબંધ સમાપ્ત કરવા જણાવ્યું છે અને જો તેમ ન કરાય તો કાર્યવાહીની
ચેતવણી પણ આપી હતી. દરમ્યાન, ઇરાને પણ મધ્ય-પૂર્વમાં પોતાના પાડોશી
દેશોને ચેતવણી આપી હતી કે, તેઓ અમેરિકા સાથે મળીને તેની વિરુદ્ધ
આર્થિક જંગમાં સામેલ થાય નહીં. ઇરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના નેતા મોહસીન
રજાએ જણાવ્યું હતું કે, જો અમેરિકી રાષ્ટ્રપતિ કોઇ એવું કદમ ઊઠાવશે
તો તેનો એવો સજ્જડ જવાબ આપવામાં આવશે કે સૌ હચમચી ઊઠશે.