ભુજ, તા. 25 : ઉત્તરપ્રદેશના ફતેહપુર વિસ્તારનો
યુવાન સુનીલપાલ ઉ.વ. 28 ગુમ થતાં
પરિવારજનોએ તેની સતત શોધખોળ ચલાવી હતી. તેની ક્યાં પણ ભાળ નમળતાં પરિવારજનો નિરાશ થયા
હતા. આખરે તે રખડતો-ભટકતો વિરમગામનાં અપનાઘર આશ્રમ સુધી પહોંચ્યો હતો. ત્યાંના સંચાલકોએ
તેની સારી સેવા સાથે સરભરા કરી. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજનાં સિનિયર પેરાલીગલ
વોલીન્ટીયર પ્રબોધ મુનવરનાં માર્ગદર્શન હેઠળ માનવજ્યોત સંસ્થા ભુજનાં સામાજિક કાર્યકર
રીતુબેન વર્માએ અપનાંઘર આશ્રમ વિરમગામની મુલાકાત લઈ આ યુવાનને ભુજ લાવી રામદેવ સેવાશ્રમ
પાલારા-કચ્છ ખાતે તેને આશ્રય આપ્યો હતો. ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર
પછી તે સ્વસ્થ બન્યો હતો. ઉત્તરપ્રદેશ પોલીસની મદદ લઇ તેનું ઘર-પરિવાર શોધી તેનાં માતા
તથા ભાઇ ભુજ આવી પહોંચ્યા હતા. 7 વર્ષ પછી
તેનું માતા-ભાઇ સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પોતાનાં ઘર-પરિવાર સુધી
પહોંચતાં પરિવારમાં અનહદ ખુશી છવાઇ હતી. માતા બ્રહ્માદેવીએ માનવજ્યોત સંસ્થાનો આભાર
માન્યો હતો. માનવતાનાં આ કાર્યમાં પૃથ્વીરાજાસિંહ જાડેજા, સહદેવાસિંહ જાડેજા, આનંદ
રાયસોની, દિપેશ શાહ, કનૈયાલાલ અબોટી,
રફીક બાવા સહભાગી બન્યા હતા.