• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

સૈન્યના પ્રતિબંધિત યુનિફોર્મના ગેરકાયદે વેચાણ પર ધોંસ બોલાવાઇ

ભુજ, તા. 25 : દેશની સુરક્ષા સાથે સંકળાયેલી અતિગંભીર બાબતમાં મિલિટરી ઇન્ટેલિજન્સ (ભુજ) અને ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે સંયુક્ત દરોડા પાડીને આર્મીના પ્રતિબંધિત યુનિફોર્મનું કાપડ વેચવાની ગેરકાયદે પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. ભુજ અને માધાપર ખાતેથી જપ્ત કરાયેલા આ જથ્થા સાથે પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. મિલિટરી ઇન્ટેલિજન્સને ચોક્કસ બાતમી મળી હતી કે, ભુજના આર.ટી.ઓ. ચકરાવા પાસે આવેલા `ઢાકા આર્મી જનરલ સ્ટોર' અને માધાપરના ઓધવ ઈશ્વરનગર ખાતે આવેલ `રાઘવ આર્મી એન્ડ સ્પોર્ટસ સ્ટોર'માં ભારતીય સેનાના જવાનો દ્વારા ઉપયોગમાં લેવાતા કોમ્બેટ યુનિફોર્મનું કાપડ અને ડ્રેસ મટીરિયલ ગેરકાયદે રીતે સંગ્રહિત કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ જથ્થાને બહાર મોકલવાની તૈયારીઓ પણ ચાલી રહી હતી. દરોડા દરમિયાન પોલીસે ભારતીય સૈન્યનું પ્રતિબંધિત કોમ્બેટ યુનિફોર્મ કાપડ 128 મીટર, 240 આર્મી કેપ (ટોપીઓ), 60 જોડી કોમ્બેટ ડ્રેસ સહિત પ્રતિબંધિત સામગ્રી અને 39 સૈન્યના કોટ-જેકેટનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ પ્રકરણમાં હે.કો. વિક્રમાસિંહ લક્ષ્મણાસિંહ પરમારની ફરિયાદના આધારે આરોપીઓ નથાસિંઘ ઇશ્વરરામ ઢાકા (મૂળ રહે. રાજસ્થાન), કાનજી તેજા મહેશ્વરી (રહે. ભુજ) અને તપાસમાં જે નીકળે તેની સામે બીએનએસ 168 મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારતીય આર્મીના કોમ્બેટ યુનિફોર્મ કે ડ્રેસ મટીરિયલનું ખુલ્લા બજારમાં વેચાણ, ખરીદી અથવા સંગ્રહ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, જેથી કોઈ અસામાજિક કે દેશવિરોધી તત્ત્વો સુરક્ષા દળોના ગણવેશનો ગેરલાભ ન ઉઠાવી શકે. ખુલ્લા બજારમાં આ પ્રકારનું વેચાણ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો ઊભો કરી શકે તેમ હોવાથી પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ કડક વલણ અપનાવ્યાનું સામે આવ્યું છે.

Panchang

dd