• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

હાઈ-વેનાં નાળાંમાં નવ કરોડનો ખર્ચ વ્યર્થ હોવાનો આક્ષેપ

ગાંધીધામ, તા. 25 : રાષ્ટ્રીય ધોરીમાર્ગના રેલવે સ્ટેશનના ગેટથી કંડલા તરફ જતા સર્વિસ રોડ ઉપર વર્ષોથી કાર્યરત વરસાદી નાળાંમાં મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા તેને આરસીસી બનાવીને બિનજરૂરી નવ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઊઠયા છે. જો આ નવ કરોડ રૂપિયા નાળાંમાં ન ખર્ચ્યા હોત, તો ગાંધીધામ આદિપુરમાં લગભગ પેવરબ્લોકના 60થી વધુ માર્ગ શહેરોની સુંદરતામાં કલગી સમાન બની જાત, પરંતુ ઇજનેરોનાં આયોજનથી સવાલો ઊઠી રહ્યા છે. ગાંધીધામ આદિપુરમાં તત્કાલીન કમિશનર મનીષ ગુરુવાણીના સમયે લગભગ 5.50 કરોડ રૂપિયામાં પેવરબ્લોકના 37 માર્ગનું નિર્માણ થયું હતું તે પૈકીના ઘણા માર્ગો બની ગયા છે અને ઘણા બનાવવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્રે તત્કાલીન કમિશનરની કામગીરી માંથી કોઈ બોધપાઠ લીધો નથી. રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડ ઉપર નવ કરોડના ખર્ચે વરસાદી નાળાંનું નિર્માણ થઈ રહ્યું છે. જાગૃત નાગરિકોના કહેવા મુજબ આ બિનજરૂરી કરોડો રૂપિયાનો ખર્ચ છે. માત્ર ને માત્ર પીએમસી અને કોન્ટ્રાક્ટરને લાભ પહોંચાડવા માટે કામ થઈ રહ્યું હોવાના આક્ષેપો છે અને હવે ટકાવારીના ખેલ શરૂ થયા હોવાના ગંભીર આક્ષેપો જાણકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ધોરીમાર્ગના નાળાંમાં નવ કરોડ રૂપિયામાં વ્યવસ્થિત આયોજન સાથે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે, તો પેવરબ્લોકના 60 રોડ બની શકે તેવું જાગૃત નાગરિકો કહી રહ્યા છે. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરો અને મહાનગરપાલિકા વિસ્તારમાં માર્ગોની સ્થિતિ સારી નથી, 70 ટકાથી વધુ માર્ગ ઉપર ખાડાઓ છે, વરસાદ પડયો નથી નહીંતર ગંભીર અકસ્માતનો ખતરો પણ વધી જાત. માર્ગોની સુધારણાની વાતો થઈ, પરંતુ ખાડા પૂરાયા નથી. બિનજરૂરી કરોડો રૂપિયાનો વેડફાટ કરવાના બદલે પેવરબ્લોકના માર્ગોનું આયોજન કરવામાં આવ્યું હોત કોર્પોરેશન વિસ્તારની સુવિધામાં અને સુંદરતામાં વધારો કરત, પરંતુ અનુભવી ઇજનેરોની કમી છે તેવામાં જે 80 કરોડથી વધુના ખર્ચે નવા માર્ગો બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેમાં એન્જિનીયારિંગ વિભાગમાં બદલાવ કર્યા પછી જ કામગીરી કરવામાં આવે તેવું જાગૃત નાગરિકો કહી રહ્યા છે. હાલના સમયે તિજોરી ઉપર બોજ વધી રહ્યો છે, ત્યારે સત્તાધીશો સક્રિય થઈને ઇજનેરી વિભાગ ઉપર દેખરેખ રાખે તે જરૂરી છે.

ટેકનિકલ અભિપ્રાય લેવો જરૂરી હતો

 ગાંધીધામ, તા. 25 : કરોડો રૂપિયાના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડના વરસાદી નાળાં અને આરસીસી બનાવવાનાં કામમાં ટેકનિકલ અભિપ્રાય માગવામાં આવ્યો હોત, તો અહીં નાળું બનાવવું યોગ્ય છે કે નહીં તે આખું સત્ય બહાર આવત, પરંતુ સૂત્રોનું માનીએ, તો અહીં અભિપ્રાય લેવાયો નથી, આ ઉપરાંત નાળાંનું કામ શરૂ થયા પછી સૈદ્ધાંતિક મંજૂરી લીધી છે, વર્ષોથી નાળાંમાં પાણી વહન થતું હતું અને તેમને પાઇપ નાખીને જોડવાના હતા, સામેની બાજુ નેશનલ હાઈવેનું નાળું છે છતાં અહીં પાકું નાળું બનાવવામાં આવી રહ્યું છે.

Panchang

dd