લંડન, તા.25 : નાઇટ કલબ મામલે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ
ફરી એકવાર વિવાદમાં ફસાઇ છે. 31 વર્ષીય ઝડપી
બોલર બ્રાયડન કાર્સ નાઇટ કલબ પ્રકરણને લીધે પાકિસ્તાન વિરુદ્ધની બીજી ટેસ્ટની ઈંગ્લેન્ડ
ટીમની બહાર થઇ ગયો છે. તેના સ્થાને યુવા ફાસ્ટ બોલર સોની બેકરનો સમાવેશ કરાયો છે. ઇંગ્લેન્ડ
અને પાકિસ્તાન વચ્ચેની પહેલી ટેસ્ટ દરમિયાન ડર્બી શહેરના એક પબની બહાર બ્રાયડન કાર્સનો
વીડિયો સામે આવ્યો હતો. જેમાં પોલીસ તેને હથકડી પહેરાવીને લઇ જતી જોવા મળે છે. તેનો
થોડા સમય માટે કસ્ટડીમાં પણ લેવામાં આવ્યો હતો. જો કે તેના પર કોઇ પ્રકારની પોલીસ ફરિયાદ
થઇ નથી. આ મામલે હવે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી)એ સખત કાર્યવાહી કરીને
બ્રાયડન કાર્સ સામે તપાસ શરૂ કરી છે અને બીજી ટેસ્ટની ટીમ બહાર કરી દીધો છે. ઇસીબીએ
જણાવ્યું છે કે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી
કાર્સ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે નહીં. કાર્સને પાક. સામેની પહેલી ટેસ્ટની ઈંગ્લેન્ડ
ટીમમાં પણ જગ્યા મળી ન હતી. ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટ મેચ ગુરુવારથી
શરૂ થવાની છે.