• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

રશિયા ખાતર, તેલની ઘટ નહીં પડવા દે

નવી દિલ્હી, તા. 25 : ભારત અને રશિયાએ વેપાર, ઊર્જા અને ખાતરનાં પુરવઠા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ વિસ્તૃત કરવા માટે સંમતિ દર્શાવી છે. આ નિર્ણય વિદેશ મંત્રી એસ. જયશંકરની મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાત અને અન્ય શીર્ષ નેતાઓ સાથેની વાતચીત દરમિયાન લેવામાં આવ્યો હતો.  રૂસે ભારતને તેલ અને ખાતરની ઘટ ન પડવા દેવાની પણ ધરપત આપી હતી. જયશંકર રશિયાની બે દિવસની મુલાકાત માટે રવિવારે મોસ્કો પહોંચ્યા હતા. આ મુલાકાત 12-13 સપ્ટેમ્બરે યોજાનારી બ્રિક્સ નેતાઓની સમિટમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નવી દિલ્હી મુલાકાત પહેલાં યોજાઈ હતી. રશિયાની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, પુતિને કહ્યું હતું કે રશિયા ભારતને ખાતરની સપ્લાય વધારી રહ્યું છે અને તે આવું ચાલુ રાખવા માટે તૈયાર છે. ભારતીય ખેડૂતો અને કૃષિ ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરવા માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે.  તેમણે કહ્યું કે ગયા વર્ષે થોડો ઘટાડો થયા બાદ આ વર્ષે રશિયા અને ભારત વચ્ચેનો વેપાર વધ્યો છે. પુતિને કહ્યું હતું કે, જયશંકરની મુલાકાતથી રશિયા અને ભારત વચ્ચે દાયકાઓથી બનેલા સંબંધોની ઊંડાણ સ્પષ્ટ થાય છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે લગભગ તમામ ક્ષેત્રોમાં સહયોગ ચાલુ છે, જેમાં સરકારો, સંસદો અને વેપાર જગતના સ્તરે થતો સહયોગ પણ સામેલ છે.

Panchang

dd