નવી દિલ્હી, તા.2પ: ખાંડ અને
ડુંગળી પછી હવે ગોળના વધતા ભાવોએ આમજનતાનું બજેટ ખોરવવા માંડયું છે અને તહેવારોની સીઝન
નજીક આવતાં લોકોમાં મોંઘવારીની ચિંતાને વધુ ગંભીર બનાવી દીધી છે. મુંબઈ એપીએમસીમાં
ગોળનો ભાવ આશરે 80થી 100 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો
હતો. બજારમાં અલગ-અલગ ગુણવત્તાનો ગોળ મળે છે અને ગુણવત્તા પ્રમાણે તમારે વધુ કિંમત
ચૂકવવી પડી શકે છે. આ ઉપરાંત વેચાણ કેન્દ્રો પર ગોળના છૂટક ભાવ આનાથી પણ વધુ હોઈ શકે
છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા દેશના મુખ્ય ગોળ ઉત્પાદક રાજ્યોમાં છેલ્લા બે
અઠવાડિયામાં ગોળના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. અહેવાલો અનુસાર, ગોળના ભાવમાં આશરે 25 ટકા સુધીનો વધારો થયો છે. પહેલા
ખાંડ અને હવે ગોળના ભાવ વધવાને કારણે આગામી તહેવારોમાં મીઠાઈ, લાડુ અને અન્ય પરંપરાગત વાનગીઓ બનાવવાનો ખર્ચ
વધી શકે છે. તેનો અર્થ એ છે કે તહેવારોની સિઝનમાં મીઠાઈ ખરીદવી મોંઘી બનશે. જેના કારણે
લોકોના ખિસ્સા પર મોંઘવારીનો બોજ વધી શકે છે. ઓક્ટોબરમાં નવા ઉત્પાદનની શરૂઆત થાય ત્યાં
સુધી ગોળના ભાવ સ્થિર રહેવાની અપેક્ષા છે. ગોળના વધેલા ભાવ 2027 સુધી યથાવત્ રહી શકે છે. ઉદ્યોગના
જાણકારોનું કહેવું છે કે આગામી વર્ષે શેરડીની ઉપલબ્ધતા ઓછી રહેવાની આશંકા છે. તેથી
ગોળના ભાવ 2027 સુધી ઊંચા રહેવાની શક્યતા છે, જેના કારણે મીઠાઈ બનાવનારાઓ અને ગ્રાહકો પર
વધુ દબાણ આવી શકે છે. ગોળ ઉત્પાદકો અને વેપારીઓએ જણાવ્યું હતું કે ગોળના ભાવ,
જે ખાંડના ભાવ સાથે પણ વધઘટ કરે છે, તેમાં ઓગસ્ટ
દરમિયાન સમગ્ર દેશમાં 25થી 30 ટકાનો વધારો થયો છે.