ભારતના રાજદ્વારી મોરચાના બે ચાવીરૂપ ચહેરા આજકાલ ચીન અને રશિયાની
સાથે સક્રિય બન્યા છે. વિદેશમંત્રી એસ. જયશંકર રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
સાથે બેઠક યોજી ચૂક્યા છે, તો રાષ્ટ્રીય
સલામતી સલાહકાર (એનએસએ) અજિત દોભાલ ચીનમાં વિદેશમંત્રી સહિતના ઉચ્ચ નેતાઓ અને અધિકારીઓ
સાથે વિમર્શ કરી રહ્યા છે. ભારતના વેપારી, સુરક્ષા અને રાજદ્વારી
એમ ત્રણે બાબત માટે વિદેશમંત્રી અને એનએસએની
આ યાત્રાઓ ખરા અર્થમાં ભારે મહત્ત્વ ધરાવે છે. મળતા સંકેત મુજબ ભારતે આવતા મહિને યોજાનારી
બ્રિક્સ દેશોના સંગઠનની ચાવીરૂપ બેઠકની યજમાની કરવાની છે. આ બેઠક માટે તૈયારીરૂપે રશિયા અને ચીનની સાથે રાજદ્વારી
ચર્ચા કરાઈ રહી છે. બ્રિક્સ દેશોની બેઠકની તૈયારીની સાથોસાથ દોભાલે ભારત અને ચીન વચ્ચેની
સરહદના મુદ્દે ખાસ પ્રતિનિધિઓની ચર્ચાના 2પમાં દોરમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ચીની વિદેશમંત્રી વાંગ
યી પણ જોડાયા હતા. આ અગાઉ ભારતીય એનએસએ ચીની ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને મળ્યા હતા. બન્નેએ
પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા તથા સરહદે શાંતિ જાળવવાના મુદ્દે ચર્ચા કરી હતી. ગયા વર્ષે
એસીઓની શિખર મંત્રણા દરમ્યાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી
જિનપિંગ વચ્ચે સીધો સંવાદ થયો હતો. બન્ને નેતાની આ બેઠક બાદ સંબંધોમાં સુધારાના સંકેત
મળતા થયા છે,પણ અરુણાંચલ પ્રદેશના મામલે
બીજિંગના વલણે જોતાં બન્ને દેશ વચ્ચે વિશ્વાસનો અભાવ હજી સ્પષ્ટ રીતે
કળાઈ રહ્યોઁ છે. ભારત અને ચીન બન્ને માને છે કે, એકમેક
સાથે વેપારમાં ભાગીદારી વધારવાથી તેમને ફાયદો છે. આ માટે પરસ્પરના મતભેદને વિવાદનું
સ્વરૂપ મળે નહીં તે માટે સજાગ રહેવા માટે પણ બન્ને તત્પર છે, પણ વક્રતા એ છે કે, ચીન સરહદે આ ઈરાદાને નક્કર સ્વરૂપ
આપવાને બદલે વિવાદને વકરાવવાની કોઈ તક જતી કરતું નથી. આ વલણમાં હવે દોભાલની મુલાકાત
બાદ ફેરફાર આવે, તો તે બન્ને માટે ફાયદાકારક બની શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, ગયા ઓગસ્ટમાં 24મા દોરની વાતચીત ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓ
સાથે થઇ હતી, તેના એક વર્ષ બાદ અજિત
ડોભાલ ચીનયાત્રાએ ગયા છે. ચીન સાથેનો વિવાદ 3488 કિલોમીટર લાંબી સીમા સાથે જોડાયેલો છે. 2003માં સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ
મિકેનિઝમ બંને દેશ વચ્ચે વાતચીતનો મુખ્ય મંચ છે. બ્રિક્સ સંમેલન પૂર્વે ચીની રાષ્ટ્રપતિ
શી જિનપિંગ દિલ્હી યાત્રાએ આવે એ સંભાવના પણ છે,
તેથી ડોભાલની ચીનયાત્રાનું મહત્ત્વ એ કારણે પણ છે. ભારતીય વિદેશમંત્રીએ
મોસ્કોમાં પુતિનની સાથે વિમર્શ કર્યો તેનું દ્વિપક્ષીય સંબંધોની સાથોસાથ વૈશ્વિક સમીકરણોના
સંદર્ભમાં પણ ભારે મહત્ત્વ ધરાવે છે. બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા પુતિન ભારત આવી શકે છે, તેવામાં જયશંકર સાથેની
તેમની આ ચર્ચા નવી દિલ્હીમાં મોદી સાથેની મંત્રણાના એજન્ડાની તૈયારી સમાન હોઈ શકે છે.
ખાસ તો અમેરિકાના દબાણ છતાં ભારત અને રશિયા વચ્ચેની અતૂટ મિત્રતાની સામે પડકારનો સાથે
મળીને સામનો કરવા માટે બન્ને દેશના વડા હવે મંથન કરશે એ નક્કી મનાય છે. આમ પણ મોદી
અને પુતિન વચ્ચે સમયાંતરે ફોન પર ચર્ચા થતી રહે છે. હાલે અમેરિકાએ ભારત સહિતના દેશોની
સામે ટેરિફનો હાઉ ખડો કર્યો છે. અગાઉના તેના વલણને જોતાં ભારતે હવે આગોતરી વેપારી અને
આર્થિક સજ્જતા કેળવવા પર ધ્યાન આપવાનું અનિવાર્ય બન્યું છે. આવામાં ચીન અને રશિયા સાથેના
વેપારી સંબંધો ભારત માટે મહત્ત્વના બની રહેશે.