• બુધવાર, 26 ઑગસ્ટ, 2026

ગાંધીધામ-કાંડાગરામાં `હેરોઈન' પર સર્જિકલ સ્ટ્રાઈક

ગાંધીધામ, તા. 25 : પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે માદક પદાર્થ વેચતા શખ્સો ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ગાંધીધામના નવી સુંદરપુરીમાં એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી રૂા. 7,19,400નું હેરોઈન જપ્ત કરાયું હતું તેમજ મુંદરાના કાંડાગરામાંથી બે શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રૂા. 2,40,000નું હેરોઈન હસ્તગત કરાયું હતું. બન્ને બનાવોમાં માલ આપનારા શખ્સોનાં નામ જાહેર થયાં હતાં. શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં શંકર વસ્તુ ભંડારની બાજુમાં રહેનાર પ્રિન્સ સુરેશનાથ બાવાજી નામનો શખ્સ માદક પદાર્થ વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે સ્થાનિક પોલીસે તેના કબજાનાં મકાનમાં કાર્યવાહી કરી હતી. શખ્સને સાથે રાખી પોલીસે તેના મકાનની તપાસ હાથ ધરી હતી. દરમ્યાન લાકડાંના કબાટમાંથી માદક પદાર્થ તથા ઝીપવાળી નાની થેલીઓ મળી આવી હતી. આ પદાર્થ અંગે પૂછતાં પકડાયેલા શખ્સે તે હેરોઈન હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન પોલીસે એફ.એસ.એલ. અધિકારીઓ બોલાવી પ્રાથમિક પૃથક્કરણ કરાવતાં આ પદાર્થ હેરોઈન હોવાનું બહાર આવ્યું હતું. આ માદક પદાર્થનું વજન કરાવતાં રૂા. 7,19,400નું 35.97 ગ્રામ વજન થયું હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા શખ્સ પાસેથી ઝડપાયેલી 14 કોથળીઓ, આધારકાર્ડ, વજન કાંટો, મોબાઈલ વગેરે રૂા. 7,75,800નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ શખ્સે માદક પદાર્થ હેરોઈન લાકડિયાના સાહિલ નામના માણસ પાસેથી લીધું હોવાનું અને તેનું વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું. તેને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાતાં તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. પોલીસે સાહિલને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે. પશ્ચિમ કચ્છમાં મુંદરા પોલીસે મોટા કાંડાગરાની આનંદ લેબર કોલોનીના રૂમ નંબર 68માં પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. આ રૂમમાં રહેનારા શખ્સો માદક પદાર્થ વેચતા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી હતી અને રૂમમાંથી મૂળ પંજાબ ગુરદાસપુરના સાગર મેન્યુઅલ મસિહ તથા મલકીતસિંઘ ગુરબીતસિંઘ નામના શખ્સોને પકડી પાડયા હતા. સાગરના હાફપેન્ટની તપાસ કરતાં માદક પદાર્થ મળી આવ્યો હતો. આ પદાર્થ હેરોઈન હોવાનું આ શખ્સે કહેતાં પોલીસે એફ.એસ.એલ. અધિકારી બોલાવી ખરાઈ કરાવતાં પદાર્થમાં ઓલિયમ (હેરોઈન)ની માત્રા હોવાનું બહાર આવ્યું હતું. આ બંને પાસેથી રૂા. 2,40,000નું 12 ગ્રામ હેરોઈન જપ્ત કરાયું હતું તેમજ ત્રણ મોબાઈલ, રોકડ રકમ, કાર્ડ, સિલ્વર રંગનો એલ્યુમિનિયમ ફોઈલ પેપરનો ટુકડો, લાઈટર નંગ બે, વીસ રૂપિયાની વાળેલી ભૂંગળી, વજનકાંટો મળીને કુલ રૂા. 2,57,800નો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. પકડાયેલા સાગરે અમૃતસરના પોતાના મિત્ર હેપ્પી પાસેથી ખરીદી અહીં છૂટકમાં વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું.

Panchang

dd