નવી દિલ્હી, તા. 26 : નીટ પેપર
લીક કૌભાંડ સામે દેશભરમાં આક્રોશ અને છાત્ર આંદોલન થયા બાદ પરીક્ષા પ્રક્રિયામાં સુધારા
માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે એક મોટા ફેંસલાનું એલાન કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ
પરથી છેલ્લા ચાર દિવસમાં ત્રીજા વીડિયો સંદેશનાં માધ્યમથી વડાપ્રધાને આજે જણાવ્યું
હતું કે, પરીક્ષા પ્રક્રિયાને ખામીથી મુક્ત બનાવવા માટે
હાઇપાવર ટાસ્કફોર્સ (ઉચ્ચ સત્તાધારી કાર્યદળ)ની રચના કરાઇ છે. દિગ્ગજ ટેક્નોક્રેટ અને
ઇન્ફોસીસના સહસ્થાપક નંદન નીલેકણી છ સભ્યોની
આ ટાસ્કફોર્સના અધ્યક્ષ બનાવાયા છે. વડાપ્રધાન મોદીએ રવિવારની સાંજે સાત વાગ્યે વીડિયો
સંદેશ જારી કરીને જણાવ્યું હતું કે, અમે આવતીકાલે સોમવારે સંસદમાં
નીટ પેપર લીક જેવા અપરાધના દોષીઓને કઠોર સજાની જોગવાઇઓ સાથેનું વિધેયક લાવવા જઇ રહ્યા
છીએ. પરંતુ હજુ આપણે ભવિષ્ય વિશે પણ વિચારવાનું છે. કાયદો લાવવાની સાથોસાથ આપણી પરીક્ષા
પદ્ધતિ વિશ્વસનીય હોય, ટેક્નોલોજીની મદદથી પદ્ધતિ બનાવાય તે દિશામાં
પણ કામ કરવું પડશે. મોદીએ આ વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સરકાર સતત પગલાં લઇ રહી છે. જે લોકોએ છાત્રોના
ભાવિ સાથે ચેડાં કર્યાં છે તે તમામ જેલોમાં સડી રહ્યા છે. ઇન્ફોસીસના સહસ્થાપક નંદન
નીલેકણીનાં નેતૃત્વમાં રચાયેલી હાઇપાવર ટાસ્કફોર્સ પરીક્ષા પ્રક્રિયામાં સુધારા પર
પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. અમે ફાસ્ટટ્રેક કોર્ટ બનાવી ચૂક્યા છીએ. કાયદો પણ આવશે,
હવે પરીક્ષા પદ્ધતિને પારદર્શક બનાવી ટકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી,
સુરક્ષિત બનાવવાની દિશામાં સરકાર સક્રિય બની છે, તેવું મોદીએ કહ્યું હતું. નીલેકણીની ટીમ દ્વારા અહેવાલ તૈયાર કરાશે. તેના સૂચનોના
આધાર પર નવી પરીક્ષા પ્રણાલી વિકસાવાશે, તેવું વડાપ્રધાને ઇન્સ્ટાગ્રામ
પરથી જણાવ્યું હતું. મોદી સરકારના મંત્રી ડો. જિતેન્દ્રસિંહ આવતીકાલે સોમવારે સંસદમાં
જાહેર પરીક્ષા (અનુચિત સાધનોનું નિયમન) સુધારા વિધેયક 2026 સંસદમાં રજૂ કરશે. ઉલ્લેખનીય
છે કે, નંદન નીલેકણી ટેક્નોલોજી જગતની દિગ્ગજ પ્રતિભા
છે. નંદન મોહનરાવ નીલેકણી આધારકાર્ડના જનક તરીકે પણ ઓળખાય છે.